બોય ફ્રેન્ડ હોનારત: પ્રેમમાં પડતી તરુણીઓ ક્યાં થાપ ખાય છે ?

girls_after_breakup

તમે જેવા છો તેવા તમારી જાતને સ્વીકાર્ય હશો તો તમારા વિજાતિય પાત્ર સાથેના સંબંધો લાગણીની લોકશાહી, વ્યકિતગત સમાનતા અને સ્વતંત્રતાના મજબૂત પાયા પર ઉભા થશે. તમારે બોયફ્રેન્ડ હોય તો એ તમારી લાયકાત નથી અને જો કોઈ બોયફ્રેન્ડ ન હોય તો એનાથી તમારામાં કોઈ ખામી છે તેવું પુરવાર થતું નથી.

તરુણાવસ્થામાં પ્રવેશતી નાદાન તરુણીઓ બધાની જેમ પોતાને પણ એક બોયફ્રેન્ડ હોય તેવી ઝંખના રાખતી હોયછે. આજના જમાનામાં તંદુરસ્ત વિજાતિય મૈત્રી સ્વીકાર્ય હોવી જરૂરી છે. પણ આની ઉતાવળમાં નાદાન તરુણીઓ કેટલીક ભયાનક ભૂલો કરી બેસે છે.

પ્રેમમાં પડતી તરુણીઓ દ્વારા કરાતી કેટલીક સામાન્ય પણ ગંભીર પુરવાર થતી ભૂલોના કિસ્સા ઘણા વધતા જાય છે. અહીં કેટલાક કિસ્સા રજૂ કરૂં છું જે અન્ય તરુણીઓ તથા તેમના માતા-પિતા માટે ચોંકાવનારા તથા આંખ ઉઘાડનારા પુરવાર થશે. એટલું જ નહિં પણ બોયફ્રેન્ડ હોનારત થતી અટકાવવા અને પોતાના હિતની જાળવણી કરવા યુવતી કેવાં પગલાં લઈ શકે તે પણ સૂચવશે.

આ લેખ દ્વારા એવું પુરવાર થતું નથી કે સંબંધોમાં માત્ર છોકરીઓ જ છેતરાય છે, છોકરાઓ પણ સારી એવી સંખ્યામાં છેતરાય છે. પણ શરૂઆતમાં ‘બોયફ્રેન્ડ હોનારતના કેટલાક કિસ્સાઓ રજુ કરૂં છું. જે નાદાન તરુણીઓની બાલીશ ભૂલો તરફ અંગૂલી નિર્દેશ કરે છે.’

સૌ પ્રથમ એક સત્ય સમજી લઈએ કે બધા છોકરાઓ હંમેશાં ખરાબ દાનત ધરાવતા નથી હોતા. પણ કેટલીક વાર તરુણીઓ બંધ આંખે પ્રેમમાં પડી જાય છે. અને ખોટા માણસને તેનું દિલ આપી દે છે. હકીકતમાં કેટલીકવાર છોકરાઓને માત્ર થોડી મદદની જરૂર હોય છે. તેથી વિજાતીય મૈત્રી ઇચ્છે છે. તેમને કોઈ ગંભીર સંબંધોની કે ગર્લફ્રેન્ડની જરૂર હોતી જ નથી.

તરુણીઓ માટે વિજાતીય આકર્ષણ અને વિજાતીય મૈત્રી ઉંમરની જરૂરિયાત હોય છે. આવા સંજોગોમાં માતા-પિતા તેમની માસુમ પુત્રીના સારા મિત્ર બની રહે. પોતાની પુત્રી પર ભરોસો રાખે. તેની વાતો સારી રીતે સાંભળે વાત વાતમાં ટીકા ન કરે સલાહ ન આપે અને બન્ને આંખો ખુલ્લી રાખી પુત્રીના ચહેરા પરની મૂંઝવણ અને વેદનાને પારખવાની કોશિષ કરે.

ઘરનું વાતાવરણ મુક્ત વાર્તાલાપથી ભરેલું અને સ્વીકૃતિવાળું રાખે. શક્ય છે કે તમારી માસુમ પુત્રી નાદાનિયતમાં નાનો મોટો અકસ્માત કરી બેસે પણ ઘરમાં મુક્ત વાર્તાલાપનું હશે તો ભયાનક હોનારતો થતી અટકાવી શકાશે. એટલું જ નહી પુત્રી પર કે કુટુંબ પર આવી પડેલી કટોકટીની પળો સમયસર ઓળખી શકાશે અને તેનું યોગ્ય નિવારણ લાવી તમારી લાડલી પુત્રીને થતું મોટું નુકશાન અટકાવી શકાશે.

સોશીયલ મીડિયાએ સમયની તાસીર બદલી નાંખી છે. તરુણ અને યુવા પેઢીની જિંદગી માટે એ એક મોટું ‘ગેઇમ ચેન્જર’ પુરવાર થઈ રહ્યું છે. તેના કારણે સંપર્ક બહુ સહેલો બન્યો છે. અને ગમે ત્યારે સાવ અજાણ્યા વ્યકિત સાથે પણ ઘણી ઝડપથી નજીક આવી જવાય છે. તેની સાથે આત્મીયતા થઈ જાય છે.

તેની આધુનિક અને ઉત્તેજનાત્મકતાથી ભરેલી અસરોને કારણે રોમાન્સ બહુ જ સરળ બન્યો છે. આના કારણે જ ઘણા દિલ તૂટે છે અને સંખ્યાબંધ દિલો અસહ્ય પીડામાં ધબકે છે. સોસીયલ મીડિયા ઘણા યુવક યુવતીને ખોટા નિર્ણયો લેવડાવે છે. નીચે કેટલાક ઉદાહરણો ‘બોયફ્રેન્ડ’ હોનારતના આપ્યાં છે.

સોળ વર્ષની રોમા નીચી મૂડી સાથે બેઠી હતી. તેના માતા-પિતાને એક દિવસ ભાન થયું કે ઘરમાંથી કેટલાક સોનાના દાગીના ગાયબ થઈ ગયા હતા. રોમાએ મમ્મી, પપ્પા સમક્ષ કબુલાત કરી હતી કે એ દાગીના ઘરમાંથી તેણે જ લીધા હતા.

અને તેમની જ સોસાયટીમાં રહેતા છવ્વીસ વર્ષની ઉંમરના એક યુવાનને આપ્યા હતા. રોમાએ એનું કારણ આપતાં જણાવ્યું હતું કે તેનો એ બોયફ્રેન્ડ આર્થીક ભીંસમાં હતો અને હોસ્પીટલમાં દાખલ કરાયેલ તેની બીમાર માતાની સારવાર માટે તેને પૈસાની સખત જરૂરત હતી એટલે તેણે ચોરી છૂપીથી ઘરમાંથી સોનાના દાગીનાની ઉઠાંતરી કરી હતી.

એ યુવાન નહીં પણ એક પુરુષે કોલેજના અભ્યાસ અધ વચ્ચેથી જ છોડી દીધો હતો. અને એની માતાની ખરાબ તબીયતની મનઘડંત વાર્તાઓ બનાવી રોમાને છેલ્લા છ મહીનાથી સંભળાવતો હતો. હકીકતે તેને પોતાના મોજશોખ પૂરા કરવા પૈસાની જરૂર હતી. રોમા એની દર્દભરી કથાઓ છેલ્લા છ મહીનાથી સાંભળતી અને ડૂસકાં ભરવા તેનો ખભો અને ખોળો આપતી હતી.

રોમા એની સ્કુલમાં હંમેશાં અવ્વલ નંબરે પાસ થતી. અને આ બોયફ્રેન્ડના ચક્કરમાં પડવા છતાં અભ્યાસમાં ઝળહળતી સફળતા મેળવતી હતી. તેના ઘરમાં પણ કોઈ પ્રકારની સમસ્યા ન હતી અને બધું બહુજ સરસ હતું.

રોમા એનો સ્કુલનો અભ્યાસ ઝડપથી પતાવી નાંખતી હતી. તેને ક્યારેય કોઈ ટયુશન રાખવાની જરૂર પડી ન હતી. નવરાશના સમયમાં તે તેની સોસાયટીમાં ચાલવા નીકળતી ત્યાં આ બોયફ્રેન્ડનો તેને ભેટો થયો હતો. અને બન્ને વચ્ચે મિત્રતા ગાઢ બની હતી.

રોમાના મમ્મી પપ્પા બન્ને નોકરી કરતાં હતાં અને રોમાની ચાલ-ચલગત તથા વર્તણૂંક ઘણી સભ્યતાથી ભરેલી હતી.

રોમાનું ઉદાહરણ સોળ વર્ષના ઉંમરની માસુમ તરુણીના ભોળપણનું ઉદાહરણ હતું. જેનો પગ સહેજ લપસી ગયો હતો અને તે પેલા યુવાનના ચક્કરમાં ભટકી જઈ. સોસીયલ મીડીયામાં પેલા યુવાને ઉભી કરેલી તેની ભ્રામક ઇમેજને કારણે બન્ને વચ્ચે થોડા સમયમાં ઘનીષ્ઠ મિત્રતા થઈ ગઈ.

રોમા જેવા કિસ્સામાં માતા-પિતા એક વાત ખાસ યાદ રાખે કે નવી પેઢી કંઈક જુદા મિજાજ સાથે જન્મી છે. કેટલાકનો સ્વભાવ સૌમ્ય, મૃદુ, અને મદદ કરવાવાળો હોઈ શકે છે. આવા સરળ સ્વભાવવાળી ભોળી પારેવડાં જેવી યુવતીઓનો કેટલાક યુવાનો અને પુરુષો આસાનીથી ગેરલાભ ઉઠાવી શકે છે.

જાગૃત માતા-પિતા પોતાની પુત્રી સાથે મુક્ત અને સ્વીકારવાળું વલણ દાખવે અને વાર્તાલાપ લાઈન ખુલ્લી રાખે તો રોમા જેવી ભોળી યુવતીને બચાવી શકાય છે.

રોમા સમયસર તેની ભૂલ પ્રત્યે સભાન થઈ ગઈ અને બહુ જલ્દીથી આ આઘાત અને હાર્ટ, બ્રેકમાંથી બહાર આવી ગઈ. યાદ રાખો તરુણી તરીકે સાવ ભોળા અને સમાજની આંટીઘૂંટીથી અજાણ રહેવું ક્યારેક મોટી હોનારત સરજી શકે છે. નાદાનિયતમાં થયેલી ભૂલ ક્યારેક જીવનભરની પીડાનું કારણ બની શકે છે.

બીજું ઉદાહરણ છે અઢાર વર્ષની સોનુનું જે તેની કોલેજમાં ભણતા વીસ વર્ષના યુવાનના પ્રેમમાં પડી હતી. સોનુના શરીર પર કેટલાક હિંસાના નિશાનો હતા. સોનુએ તેની વાત શરૂ કરતાં કહ્યું કે મારો બોયફ્રેન્ડ એ ખૂબ જ ગુસ્સેબાજ છોકરો છે પણ તે દિલનો બહુ ભલો છે.

સોનું સાથે તેનો બોયફ્રેન્ડ ખૂબ જ દુર્વ્યવહાર અને અત્યાચાર કરતો હોવા છતાં પણ તેની સાથેના સંબંધો સોનુ સાચવી રાખતી હતી. તેનો બોયફ્રેન્ડ એને કોઈ મિત્ર કે બહેનપણીને મળવા ન દેતો. 

તેના બધા જ પાસવર્ડ તેના બોયફ્રેન્ડ પાસે હતા અને તેના પર કડક જાપ્તો રાખવામાં આવતો. તેના ઘરમાં તે સાવ એકલી હતી. જો કે તેની માતા ઘણી પ્રમાળ હતી પણ પિતા એકલસૂરા અને ઓછાબોલા શાંત વ્યકિત હતા.

યૌવનના ઉંબરે પગ મૂક્યા પછી ઉભરતી યુવાન પુત્રી સાથે ઘરમાં ખાસ કોઈ વાત ચીત કરતું ન હતું. અભ્યાસની શિડયુલ એટલી ટાઈટ હતી કે સોનને તેના મિત્રોને મળવાનો સમય ન હતો. તેના બોયફ્રેન્ડમાં અજીબો ગરીબ વર્તન વિશે ક્યારેય તેણે તેના સહાધ્યાયીઓનો અભિપ્રાય લીધો ન હતો. અને તે એક ભૂલભૂલૈયામાં ફસાઈ ગઈ હતી.

મેં સોનુને સલાહ આપી કે તેના મિત્રવર્તુળ સાથેના સંપર્કો તાજા કરે. તેના પિતા સાથે પણ વાર્તાલાપ વધારવાની તેને સલાહ આપવામાં આવી.

સોનુની આસપાસનું મિત્રોનું સલામત વર્તુળ તેનાથી દૂર થઈ ગયું હતું. સુખ દુઃખના સમયમાં જે લોકો તેને સાથ સહકાર અને યોગ્ય સલાહ આપતાં એ બધાં તેનાથી દૂર થઈ ગયા હતાં. આ સલામત વર્તુળમાં પણ ફરવાથી અને તેમની તથા તેના પિતા સાથે વાર્તાલાપ વધારવાથી સોનુને તેના બોયફ્રેન્ડની સચ્ચાઈનો ભાન થયું. આ બોયફ્રેન્ડ સોનુને ઇજા પહોંચાડવાની કે તેના ઘરને પાયમાલ કરવાની ધમકી આપતો હતો તો ક્યારેક પોતે આત્મહત્યા કરવાની ધમકી આપતો.

યોગ્ય કાઉન્સેલીંગથી સોનુના બોયફ્રેન્ડની શંકાશીલ અને માલીકી જતાવતી ‘ઓબ્સેસીવ’ હરકતોનું સોનુને ભાન કરાવાય. પ્રેમમાં પડતી યુવતીઓ બીજી સામાન્ય ભૂલ એ કરે છે કે તરુણોની ઓબ્સેસીવ જરૂરિયાતને પ્રેમ સમજી બેસે છે.

ન્યુરોગ્રાફ

શંકાશીલ અને સનકી યુવાનને મદદની જરૂર હોય છે. ગર્લફ્રેન્ડની નહીં.આ સત્ય સમજાય તો ઘણું મોટું નુકશાન અટકાવી શકાય છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked*