FAQ (Gujarati)

(૧) પરિચય

સાઈકીઆટ્રીસ્ટ, સાઈકોલોજીસ્ટ અને કાઉન્સેલર વચ્ચે શું ફરક છે ? આ બધા નામ ગૂંચવણ ભર્યા છે.

સાઈકીઆટ્રીસ્ટ (મનોચિકિત્સક) એ એલોપથીમાં તાલીમબધ્ધ ડોક્ટર છે જેને Psychiatry માં પોસ્ટ ગ્રેજુએશનની પદવી મેળવી છે તે માનસિક બીમારીનું નિદાન કરે અને E.C.T. તથા અન્ય વિવિધ ,માનસોપચારની મદદથી સારવાર કરી શકે.

સાઈકોલોજીસ્ટ (માનસ-શાસ્ત્રી) – સાઈકોલોજીમાં અનુસ્નાતક (Non Medical) છે. તેઓ સાઈકોલોજીકલ ટેસ્ટ (મનોસ્થિતિની તપાસ) કરી શકે અને વિવિધ માનસોપચાર ની પધ્ધતિ (દાક્તરી સિવાય) થી લોકોની મદદ કરી શકે.

Psychiatric social worker – મનોચિકિત્સાના ક્ષેત્રમાં સમાજ સેવકની ભૂમિકા ભજવે અને સામાજિક પાસાઓની છણાવટ તથા સારસંભાળ કરવા તાલેમબધ્ધ છે.

કાઉન્સેલર, એ નિષ્ણાત છે જે સમસ્યા અનુસાર સલાહ આપે છે. કાઉન્સેલિંગ ઉપર દર્શાવેલ દરેક નિષ્ણાત દ્વારા થઇ શકે છે.

મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ (M.H.P.) ટીમના અન્ય સદસ્ય છે સાઈકીઆટ્રીક નર્સ, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ અને સ્પેશ્યલ એજ્યુકેટર.

ન્યુરોલોજિસ્ટ (મગજના નિષ્ણાત – ન્યુરોફીઝીશ્યન કે ન્યૂરોસર્જન) એ મેડીકલ નિષ્ણાત છે જે શારીરિક કારણોસર થયેલી મગજની બીમારીઓ (દા.ત. ગાંઠ, પક્ષપાત કે ચેપ) નું નિદાન અને સારવાર કરે.

માનસિક બીમારીનું પ્રમાણ તો સમાજમાં ખૂબ ઓછું છે. મને જ આવી અસામાન્ય બીમારી કેમ થઇ?

એવો અંદાજ છે કે ૧૫-૨૦ ટકા વસ્તી તેમના જીવનકાળ દરમ્યાન એક યા બીજા પ્રકારની માનસિક સમસ્યાનો અનુભવ કરે છે . વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૩૦ સુધીમાં હતાશા (ડીપ્રેશન) ની બીમારી સામાજિક અસરની દ્રષ્ટિએ પહેલા ક્રમાંકની સમસ્યા થઇ જશે.

આટલા મોટા પ્રમાણમાં મુશ્કેલી હોવા છતા પણ વ્યવસ્થિત સારવાર મેળવનાર વ્યક્તિઓનું પ્રમાણ ઘણુંજ ઓછું છે. અને એના માટે વિવિધ કારણો જવાબદાર છે. ભૂતકાળમાં ઈલાજ લઈને રોગમુક્ત થયેલા લોકો પણ બને ત્યાં સુધી એ વિશે જાણ થવા દેતા નથી. ઘણા બધાં લોકોને કાંઈજ ઈલાજ મળતો નથી તો કેટલાક ભળતોજ ઈલાજ કરાવે છે. પરિણામે સમાજમાં આ ગેરમાન્યતા પ્રવર્તે છે કે માનસિક બીમારીઓ સામાન્ય નથી.

લોકોને માનસિક બીમારી સ્વીકારતા સંકોચ કેમ થાય છે?

વિષયની અજ્ઞાનતા, ગેરસમજ, ડર અને સામાજિક લાંછન એ મુખ્ય કારણો છે. એકાદ ગંભીર મનોરોગી સાથેનો પ્રસંગોપાત સ્વાનુભવ અથવા સ્મૃતિપટ પર અંકિત થયેલી છબીઓ આપણા મન પર લાંબા સમય માટે છાપ છોડી જાય છે.

અંગત ધોરણે આપણે માનીએ છીએ કે આપણા મન પર આપણો સંપૂર્ણ કાબુ હોવો જોઈએ. માનસિક બીમારી એટલે કમજોર મને ગુમાવી દીધેલો પોતાના પરનો કાબૂ, આ એક ખોટી માન્યતા ઘર કરી ગઈ છે. આ બધા કારણો મને માનસિક બીમારી હોઈજ ન શકે એવી ગેરસમજ ઉભી કરે છે.

માનસિક માંદગી એ બીજા કોઈપણ શારીરિક બીમારીની જેવીજ બીમારી છે અને તે કોઈને પણ ક્યારે પણ થઇ શકે એમ જયારે માનીએ ત્યારે જ તેને સ્વીકારી શકાય.

 

હું હિંસાત્મક નથી કે “પાગલ” જેવું વર્તન પણ કરતો નથી તો પછી મારે મનોચિકિત્સકને શા માટે મળવું જોઈએ?

આમ જનતાને એક સામાન્ય ગેરસમજ છે કે બધા જ માનસિક બીમારીના દર્દીઓ હિંસક હોય છે અથવા તો વિચીત્રપણે વર્તે છે. સિનેમા કે ટી.વી દ્વારા પ્રદર્શિત મનોરોગીનું અતીરેકભર્યુ હિંસક અથવા હાસ્યાસ્પદ વર્તન આ ગેરસમજમાં વધારો કરે છે. જાને કે બધા જ મનોચિકિત્સાનાં દર્દીઓ સંપૂર્ણપણે પોતાના પરનું નિયંત્રણ ગુમાવેલ હોય છે.

માનસિક સમસ્યાઓથી પીડીત લોકોમાંથી બહુજ ઓછી ટકાવારી અસમતુલિત વર્તણૂકનું પ્રદર્શન કરે છે. મોટા ભાગના દર્દીઓની પીડા તો બહારની દુનિયાને દેખાતી સુધ્ધા નથી.

મને મનોચિકિત્સક (સાઈકીઆટ્રીસ્ટ)ને મળવાની સલાહ મળી છે, પણ હું કાઈ “ગાંડો” થોડો છું ?

સાઈકીઆટ્રીસ્ટનું કામ મનની લાગણી, વિચાર અને વર્તનની સમસ્યાઓ સુધારવાનું છે. માંદગીને લીધે પેદા થતા ફેરફાર “ગાંડપણ”નાં જ લક્ષણ હોય એવું જરૂરી નથી.

“ગાંડપણ”એ એક રોજબરોજની ભાષામાં વપરાતો શબ્દ છે. આ શબ્દ સારી સરળ માનસિક બીમારી માટે કલંકરૂપ છે.

 

માનસિક બીમારી મન સાથે સંકળાયેલ છે તો તેને વૈદ્યકીય (Medical) શા માટે ગણવામાં આવે છે ?

તંદુરસ્તીની દ્રષ્ટિએ મનુષ્યના શારીરિક અને માનસિક બંને આરોગ્ય સરખા મહત્વના છે. હકીકતમાં મન અને શરીર એક જ સિક્કાની બે બાજુઓ છે અને તેમની બીમારીઓ એકબીજા સાથે સંકળાયેલી છે. મન નું અસ્તિત્વ ફક્ત આધ્યાત્મિક નથી, તે મગજનો પણ એક ભાગ છે. એટલે જ શરીરના બીજા કોઈ પણ ભાગ (જઠર,આંખ,નાક) ની જેમ મન ને પણ બીમારીની સમસ્યા થઇ શકે.

આપને સામાન્ય રીતે ડોક્ટર,દવા અને બીમારીઓને શારીરિક માંદગી સાથે જ સાંકળીએ છીએ. જયારે માનસિક બીમારીઓ ડોકટરી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અલગ છે એવી ગેરસમજ કરીએ છીએ.

ડોક્ટર, માનસિક બીમારી અને સારવાર વિષે થોડી માહિતી આપશે ?

વિચાર, લાગણી, મનોભાવ (મૂડ), વ્યવહારદક્ષતા વગેરે મન નાં કર્યો છે. મન(માનસ)નાં આ કાર્યોનું અસંતુલન એટલે માનસિક બીમારી. માનસિક બીમારીઓ અનેક પ્રકારની હોય છે. તેનો વ્યવસ્થિત ઈલાજ પણ થઇ શકે છે અને દર્દી સાજો પણ થઇ શકે છે. દવાઓ અને માનસિક-ઉપચાર(સાઈકોથેરાપી) એવી કેટલીક જાણીતી અને અસરકારક પદ્ધતિ અને સમયગાળો માનસિક બીમારીની તીવ્રતા પ્રમાણે નક્કી થાય છે. સારવારની પદ્ધતિ અને સમયગાળો માનસિક બીમારીની તીવ્રતા પ્રમાણે નક્કી થાય છે. તેના પરિણામો બીજી કોઈપણ પ્રકારની બીમારીની સારવાર જેવા જ સારા હોય છે.


(૨) દરદી નું પરીક્ષણ

અમદાવાદ શહેરમાં માનસિક દર્દીની સારવાર માટે ક્યા ક્યા પર્યાય ઉપલબ્ધ છે ?

મોટા ભાગના ઉપલબ્ધ પર્યાય નીચે મુજબ વિભાજીત કરી શકાય છે.

૧) મોટા ભાગની સરકારી અને નગરપાલિકાની હોસ્પિટલોમાં મનોચિકિત્સકની સેવા ઉપલબ્ધ હોય છે. શૈક્ષણિક હોસ્પિટલોમાં પૂર્ણપણે કાર્યરત માંનોચીકીત્સના વિભાગ હોય છે જેમાં મનોચિકિત્સક ઉપરાંત નિષ્ણાતોની ટીમ હોય છે. આ સુવિધાઓમાં બાહ્ય રૂગ્ણવિભાગ (O.P.D.) અને તાત્કાલીન સેવા અને દાખલ કરવાની વ્યવસ્થા પણ હોય છે. અમદાવાદ શહેર ઉપરાંત બહારગામના દર્દીઓ પણ અહી લાભ લે છે અને ખર્ચાની દ્રષ્ટિએ ગરીબ લોકોને પણ પરવડી શકે છે.

૨) રાજ્ય દ્વારા ચલાવતી મેન્ટલ હોસ્પિટલ (Medical-Institute) અહી O.P.D. ઉપરાંત ભરતી કરવાની વિશાળ સુવિધા હોય છે.કોર્ટના આદેશ દ્વારા આવનાર દર્દીઓ પણ અહીં રહે છે.

લાંબા ગાળાની સારવાર માટે દર્દીઓને અહી રાખી શકાય છે. સારવાર આપવા માટે માંનોચીકીત્સના બધાજ નિષ્ણાતોની ટીમ સેવા આપે છે.

૩) પરવાનગીવાળા મનોચીકીત્સાલય  (ખાનગી નર્સિંગ હોમ અને હોસ્પિટલ)

૪) ખાનગી સર્વસામાન્ય હોસ્પિટલ (Private Hospital)

પ્રાથમિક સુવિધાઓ અને સલાહમંત્રણાની સુવિધા પૂરી પાડે છે. આ હોસ્પિટલો પાસે તાત્કાલિક સેવા અથવા દાખલ કરવાની સુવિધા હોય જ એવું જરૂરી નથી.

૫) ખાનગી પ્રેક્ટિસ કરતા મનોચિકિત્સક અને બીજા નિષ્ણાતો.- તેઓ સલાહમંત્રણા (Consultation) દ્વારા ઈલાજ આપે છે. કેટલાક ટીમમાં મળીને કામ કરે છે. ઘણી વખત તેઓ હોસ્પિટલ અથવા તો સેવાભાવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હોય છે.

૬) સખાવતી દવાખાના (Charitable Clinics) – ટ્રસ્ટ દ્વારા ચલાવતી હોસ્પિટલો જેવા દર્દીને રાહતના દરે સેવા મળે છે. ફ્રીનું માળખું સરકારી અને ખાનગી સંસ્થાની વચ્ચેનું હોય છે. ઉપલબ્ધ સેવાઓ સંસ્થાના કદ અને સુવિધાઓ પર નિર્ભર થાય છે.

૭) આ ઉપરાંત (સરકારી/સખાવતી/ખાનગી)નશામુક્તિ કેન્દ્ર, બાળ માર્ગદર્શન કેન્દ્ર અને પુનર્વસનકેન્દ્રની સેવાઓ પણ ઉપલબ્ધ છે.

 

 

 

માનસિક સારવારમાં દર્દીને હોસ્પિટલમાં ભરતી કરવાનું ક્યારે જરૂરી બને છે ?

મનોરોગીની કોઈપણ ગંભીર સ્થિતિમાં અથવા કટોકટીના સમયે બીમારી પર ઝડપથી કાબૂ લાવવા માટે ટૂંકા સમય માટે હોસ્પિટલમાં ભરતી કરવું જરૂરી છે. કેટલીક વખત અલગ અલગ કારણોસર દર્દીને ઘરે સારવાર આપવી અશક્ય થઇ જાય છે ત્યારે હોસ્પીટલની સુવિધામાં અનુભવી અને જાણકાર કર્મચારીઓની દેખરેખ હેઠાળ સંભાળ જરૂરી છે. ECT જેવી સારવાર પણ હોસ્પીટલની સુવિધામાં જ થાય છે. નાશામુક્તિની સારવારની શરૂઆત હોસ્પીટલમાં રહીને થાય એવું ઇચ્છનીય છે.

બિલકુલ ન સુધરતા અથવા વારેઘડીએ બીમાર થતાં દર્દીઓ માટે હોસ્પીટલમાં લાંબા ગાળાની સારવાર અનિવાર્ય થઇ જાય છે. ઘણી વખત સામાજિક અને વ્યક્તિગત કારણોસર પણ દર્દીને ઘરે રાખવું શક્ય ન હોય તો હોસ્પીટલની સારવાર વિચારી શકાય.

ડોક્ટર, અસહયોગી અથવા ખૂબ જ આક્રમક વ્યક્તિને મનોચિકિત્સક પાસે કેવી રીતે લાવી શકાય ?

આ થોડું મુશ્કેલ અને કુનેહભર્યું કામ છે. સૌ પ્રથમ તો એકાદ મનોચિકિત્સક સાથે આ વિષે ચર્ચા કરો. એ તમને તમારાં વાતાવરણને અનુરૂપ શક્ય એવા પર્યાયો જણાવી શકશે.

આને માટે ક્યારેક મિત્ર, ફેમિલી ડોક્ટર, સામાજિક સંસ્થા અથવા કોઈ લાગતીવળગતી સત્તાની મદદ પણ લેવી પડે. ડોક્ટર દ્વારા ઘરે દર્દીની મુલાકાત, દવા/ઇન્જેક્શનનો ઉપયોગ અથવા તાત્કાલિક સેવા આપતી હોસ્પિટલમાં ભરતી કરવાના પર્યાય પણ હોઈ શકે.

માનસિક રીતે ખૂબજ હતાશ થયેલ દર્દી મનોચિકિત્સક ને મળવા માટે કદાચ ઉત્સાહિત ણ હોય તો સમજાવટ અને કળથી કામ લઇ શકાય. સાજા થયેલ દર્દી અથવા એકાદ તટસ્થ વડીલ આવી પરિસ્થિતિમાં મદદરૂપ થઇ શકે છે.

સારવાર માટે અનિયમિત અથવા અસહયોગી વ્યક્તિને શક્ય એટલી જલદી મદદ મળવી જોઈએ જેથી કરીને પરિસ્થિતિ વણસે નહીં અને આગળ જતા અણગમતા પગલા લેવાનું ટાળી શકાય.

 

ડોક્ટર, મારી મનોચીકીત્સા મનોચિકિત્સા (Psychiatry) ની સમજ તો અંગ્રેજી સાહિત્ય અને હોલીવુડના ચલચિત્રો પર આધારિત છે. તેમ સમજાવેલ પધ્ધતિ અને મારી ધારણામાં તો ખૂબ મોટો ફરક છે.

તમારી વાત એકદમ સાચી છે ! દરેક સંસ્કૃતિનો અભિગમ જુદો હોય છે. એટલે કામ કરવાની પધ્ધતિની સરખામણી કરી શકાય નહીં.

હજુ પણ ઘણાં લોકો મનોચિકિત્સાને “કાઉચ” (Couch) સાથે સાંકળી લે છે. આનો ઉપયોગ સાઈકોએનાલીસીસ એટલે કે વ્યક્તિના મનનું પૃથ્થકરણ કરવામાં થાય છે જે થેરેપીનો એક પ્રકાર છે. આધુનિક મનોચિકિત્સામાં સાઈકોએનાલીસીસનો ભાગ બહુ જ માર્યાદિત છે.

ડોક્ટર, તમે કેમ દર્દીના કોઈ કુટુંબી અથવા અંગત વ્યક્તિને નિદાન અને સારવાર દેખરેખમાં શામેલ કરવાનો આગ્રહ ધરાવો છો ?

દર્દીને લગતી મહત્વની માહિતી અંગત વ્યક્તિ જ સૌથી વ્યવસ્થિત રીતે આપી શકે છે. ઘણી વખત ખૂબજ પરેશાન, ગુંચવાયેલ અથવા આક્રમક દર્દી સચોટ માહિતી આપી શકતા નથી એટલે પણ નજીકના લોકોનું અવલોકન મહત્વનું થઇ જાય છે.

કુટુંબીજનો માટે પણ આ માંદગી સમજવી બહુ જરૂરી છે જેથી ઈલાજ માટે વ્યવસ્થિત અને સમયસર નિર્ણયો લઇ શકાય અને સારવાર માટેની દેખરેખનું મહત્વ સમજી શકાય. કૌટુંબિક અને સામાજિક પીઠબળ હોય તો સારવારના પરિણામમાં ખૂબ મોટો ફરક પડી શકે છે.

શું આટલી બધી અંગત માહિતી આપવી સલામત છે ?

મનોચિકિત્સક તેમના વ્યવસાયિક કામ માટે દર્દીની અંગત માહિતી વિષે ગોપનીયતા (confidentiality) જાળવવા માટે બંધાયેલ છે. એટલે વિનાસંકોચે દર્દી અને કુટુંબીજનોઓએ માહિતી આપવી જોઈએ.

અપવાદરૂપે સારવારના હેતુથી ઘણી વખત આ માહિતી બીજા ડોક્ટર અથવા સાઈકોલોજીસ્ટ સાથે ચર્ચા કરવી જરૂરી થઇ જાય છે. (તેઓ પણ ગોપનીયતા જાળવવા બંધાયેલા છે.)

મારા મિત્રએ હમણાંજ મનોચિકીત્સકની મુલાકાત લીધી હતી. એને તો પરિક્ષણ દરમ્યાન ઘણી બધી અંગત વિગતો પૂછવામાં આવી, તે શા માટે ?

મનોચિકિત્સાના સચોટ નિદાન અને સારવાર માટે વ્યક્તિની માનસિક દ્રષ્ટિએ છણાવટ સંપૂર્ણપણે કરવી જરૂરી છે. જન્મથી માંડીને આખો જીવન ઈતિહાસ અને બીમારીમાં ફાળો આપતી ઘટનાઓ અને તણાવ જાણવા અગત્યના છે. બીમારી પહેલાની કાર્યદક્ષતા, વ્યવહાર અને મૂળ વ્યક્તિત્વનું સમજવું પણ આવશ્યક છે. તકલીફના સામાજિક અને વારસાગત કારણો જાણવા માટે કૌટુંબિક ઈતિહાસ અને વાતાવરણ વિષે સમજવું મહત્વનું છે.

રોજબરોજની જિંદગીમાં પરસ્પરના સંઘર્ષમય સંબંધોની છણાવટ પણ આવશ્યક છે.

 

ડોક્ટર, સાઈકોલોજીકલ ટેસ્ટ (સાઈકોમેટ્રી) શું છે ?

આ માનસશાસ્ત્રએ વિકસાવેલા પ્રમાણભૂત પરિક્ષણ છે. પ્રશ્નો, ચિત્રો, છબીઓ, કોયડા અને અન્ય વિવિધ પ્રકારની તપાસોથી મનના વિવિધ પાસાઓનું વિશલેષણ કરી શકાય છે. આ પરિક્ષણ તાલીમબધ્ધ કલીનીકલ સાઈકોલોજીસ્ટ દ્વારા કરવામાં આવે છે. અમુક નિદાન અને સારવારમાં આ તપાસો મહત્વપૂર્ણ ફાળો આપી શકે છે.

શું મગજના ફોટા જેવા કોઈક ટેસ્ટ કરવા જરૂરી નથી ?

માનસિક બીમારીમાં આંતરિક અને બાહ્ય પરિબળો મગજની રસાયણિક ક્રિયાઓ પર અસર કરે છે જેનાથી રોગના લક્ષણો પેદા થાય છે. આવા સુક્ષ્મ રાસાયણિક ફેરફાર મગજના સામાન્ય સ્કેન (CT/MRI) પર દેખાતા નથી બીમારીના લક્ષણો જો મગજની શારીરિક બીમારી (દા.ત. મગજની ગાંઠ) ની આશંકાથી હોય તો સ્કેન ઉપયોગી થઇ શકે.

બાકીના શારીરિક સ્વાસ્થ્યની ચકાસણી મનોચિકિત્સકની પૂછપરછ અને પરિક્ષણથી થાય અને જરૂર લાગે તો આવશ્યક તપાસ કરી શકાય.

ડોક્ટર, માત્ર વ્યક્તિ સાથે વાતચીત કરવાથી કઈ રીતે ખબર પડે કે તે માનસિક માંદગીથી પીડાય છે ?

નિષ્ણાત મનોચિકિત્સક દ્વારા કરેલ દાક્તરી પધ્ધતિની પૂછપરછ અને અવલોકનથી ઘણી જરૂરી માહિતી પ્રાપ્ત થાય છે. કુટુંબીજનો અને મિત્રો પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી નિદાન કરવામાં સહાયરૂપ બને છે. મનોચિકિત્સક મૂડ, વિચાર અને વર્તન જેવા પરિબળોની છણાવટ જરે છે અને તેની તુલના નિર્ધારિત ધોરણ સાથે કરીને શક્ય નિદાન વિચારી શકે છે.


(3) માનસિક બીમારીના કારણો

મને શારીરિક તકલીફ છે તે માનસિક બીમારીને કારણે હોઈ શકે ?

મન અને શરીર બધી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે ણ ઉકલેલા વિવાદો અને માનસિક તણાવો ઘણીવાર શારીરિક તેમજ માનસિક ફરિયાદો તરફ લઇ જાય છે. માથું દુઃખવું અથવા વારંવાર પેટમાં દુઃખાવો થવો જેનું કોઈ જ કારણ તપાસવા છતાં ન શોધી શકાય એ સામાન્ય ઉદાહરણો છે,વધારામાં માનસિક પરિબળો ડાયાબીટીસ, હાઈ ટેન્શન પર અને અસ્થમા જેવી મનોદૈહિક બીમારીઓને જન્મ આપે છે, શરીરમાં ઘર બનાવવા દે છે અને સારવાર પર અસર કરે છે.

તેણે આ ઘટના દિલ પર લેવી જોઈતી ણ હતી, શું તેની સકારાત્મક રીતે વિચારવાની અશક્તિ જ તેને માનસિક બીમારી તરફ દોરી નથી ગઈ ?

આપણામાંથી દરેક જણ ઘટનાને કેવી પ્રતિક્રિયા આપે છે તે આપણા માનસિક બંધારણ, પહોચી વળવાની આવડત, તેની પદ્ધતિ, ભૂતકાળના અનુભવો અને આપણી આધાર વ્યવસ્થા પર નિર્ભર થાય છે. જયારે આપણે હતાશથી પીડાતા હોઈએ છીએ. ત્યારે સકારાત્મક રીતે વિચારવાની ક્ષમતા હોતી નથી કે જે આપણને સમસ્યા ઉકેલવામાં મદદ કરી શકે. નકારાત્મક વિચારો ન્યુરોકેમિકલનાં ફેરફારથી થતી બિમારીનો ભાગ છે અને ઉપજાવી કાઢેલ નથી. ફક્ત સારા વિચાર કરવાની કોશીશથી આ ન્યુરોકેમીકાલ ફેરફાર આપોઆપ બદલાઈ જતા નથી માટે વ્યવસ્થિત સારવાર આવશ્યક છે.

થોડા વર્ષો પહેલાં જયારે ઘણા માનસિક તનાવપૂર્ણ બનાવો બન્યા હતા અને ઘણા ઉતર ચડાવ આવ્યા હતા ત્યારે મેં ખૂબજ હિમત થી અને બીજાની તાકાત બનીને સામનો કર્યો હતો (પહોચી વળ્યો હતો), તો હવે જયારે કોઈ કારણ નથી તો મને આવા લક્ષણો કેમ અનુભવાય છે ?

એવું માનવામાં આવે છે કે તણાવ મનુષ્યના મગજમાં લાંબુ નુકશાન છોડી જાય છે. એટલે જયારે મુશ્કેલીઓ જતી રહી હોય તો પણ એ ફેરફાર તો ત્યાં જ હોય છે. તો તણાવપૂર્ણ સમય દરમ્યાન વ્યક્તિ બધીજ યુક્તિનો ઉપયોગ કરે અને સામનો કરીને પહોચી વળે પણ પાછળથી ભેગો થયેલ તણાવ અને વાપરી નાખેલ શક્તિને કારણે અસર વર્તાય છે અને બિમારીના લક્ષણો દેખાય છે.

આટલો ભણેલો હોંશિયાર માણસ કેવી રીતે માનસિક બીમાર બની શકે ? એને તો કેટલા બધા મેડલ મળ્યા છે.

ઊંચી બુદ્ધિમતા અથવા ખૂબ ભણતર એ માનસિક માંદગી સામેનું કવચ નથી. શારીરિક બીમારીઓની જેમ જ આ પણ આરોગ્યની સમસ્યા છે જે કોઈને પણ ક્યારે પણ થઇ શકે. ”ડોક્ટર” જે બીમારીના જાણકાર છે તે પણ તેનાથી સુરક્ષિત નથી.

મને મારી માંદગી માટેનું ટેન્શનનું કારણ ખબર છે તો પછી સારવારની શી જરૂર ?

દરેક મનુષ્યની તણાવ સામેની પ્રતિક્રિયા જુદી જુદી હોય છે. બિમારીને લીધે જે વ્યવહારદક્ષતા આત્મવિશ્વાસ અને ક્ષમતા માં ખામી આવે છે એ સારવારની મદદથી સુધારી શકાય છે અને સ્વસ્થ મન આપણને Stress (તણાવ) સાથે લડવા માટે કાબેલ બનાવે છે.

બીમારી માટે કારણ કોઈપણ હોય સારવારની મહત્તા ઓછી નથી થતી. જેમ હાડકું ભાંગે તો પહેલા એને જોડવાનું જ સૌથી મહત્વનું છે, નહિ કે એના ભાંગવાના કારણોની ચર્ચા.

મારા કુટુંબમાં કદી કોઈને માનસિક બીમારી નથી થઇ તો મને કેમ થઇ શકે ?

ઉપર જણાવ્યા મુજબ માનસિક બીમારીઓ માટે કોઈક એકજ કારણ હોવું જરૂરી નથી. વારસાગત કારણ પણ એજ પ્રમાણે છે. વારસાગત કારણ બીમારી થવા માટેનું વ્યક્તિત્વનું એક બંધારણ આપી શકે પણ એની ઉપર બીમારી થવી જ જોઈએ એ જરૂરી નથી. કેમ કે બાહ્ય કારણો પણ બિમારીમાં ભાગ ભજવતા હોય છે. આ પ્રમાણે માનસિક બીમારી થવા માટે કુટુંબમાં આવી બીમારી હોવીજ જોઈએ એ જરૂરી નથી.

મારી જિંદગીમાં કોઈ ટેન્શન નથી અને બધી રીતે ખુશ છું તો પછી હું કેવી રીતે માનસિક બિમારીનો શિકાર બની શકું?

કેટલાક લોકોમાં વારસાગત અથવા તાસીર (પ્રકૃતિ) નાં કારણો મનોરોગ લાવવા માટે વધારે પ્રભાવશાળી હોય છે. આને લીધે મામુલી તણાવ સાથે કે પછી તણાવની ગેરહાજરીમાં પણ માંદગી આવી શકે. માનસિક બીમારી ઉદ્દભવવા માટે દેખીતું તણાવનું કારણ હોવું જ જોઈએ એ જરૂરી નથી.

ડોક્ટર દર નવરાત્રીમાં મારા પાડોશીને કોઈક અંગપ્રવેશ કરે છે અને ધુણવા માંડે છે. તાંત્રિક પાસે વિધિ કરાવ્યા પછીજ છુટકારો મળે છે.

આ એક અસ્વસ્થ વ્યક્તિના લક્ષણો છે જેને મનોવૈજ્ઞાનિક કારણોથી સમજાવી શકાય. કેટલાક કિસ્સાઓમાં તાંત્રિક વિધિઓને કારણે થોડા સમય માટે સુધારો જણાય છે પણ બીમારી વારેઘડીએ ઉથલો મારે છે.

સુષુપ્ત મનમાં રહેલા સંઘર્શોનું દવા અને માનસોપચાર ની મદદથી નિરાકરણ થઇ શકે તો સમસ્યા સારી રીતે કાબૂમાં રાખી શકાય.

ડોક્ટર, મારા ગુરૂ કહે છે કે મારી બીમારીનું સમાધાન મારી અંદર જ છે અને મારે મારા આત્મા પર મહેનત કરવાની છે.

મોટાભાગની માનસિક બિમારીઓની તીવ્રતા શરૂઆતમાં એટલી હોય છે કે તટસ્થ રહીને કોઈપણ આ જાતની સલાહ પર અમલ કરવું મુશ્કેલ છે. સૌ પ્રથમ જરૂરીયાત છે કે ખુલ્લા મને આપણે માનસિક બીમારીનું અસ્તિત્વ સ્વીકારીએ અને સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરીએ.(જેમ ભાંગેલા પગ પર ઉભા રહી કસરત ણ થાય)

ગયા વર્ષે એક જ્યોતિષે અમને પૂજા કરવાનું કહ્યું હતું જે અમે નથી કરી શક્યા. શું અમારા પાપની સજા ભગવાને બિમારીના રૂપમાં આપી હશે?

સામાન્ય માણસ માટે ક્ષયરોગ અથવા મેલેરિયા જેવી બીમારી સમજવી સહેલી છે. માનસિક બિમારીના વૈજ્ઞાનિક કારણો સમજતા થયા ત્યાં સુધી અંધશ્રધ્ધા અને ધાર્મિક કારણોમાં જ એના ખુલાસા ગોતતા રહ્યા. એવી જ રીતે “પિતૃદોષ” અને “કર્મ ની ગતિ” જેવી સમાજ બિમારીને સ્વીકારવા અને સુધારવામાં બાધા બની ગઈ.

શારીરિક બીમારીની જેમ દેખીતી રીતે માપી શકાય કે તપાસી શકાય (દા.ત. તાવ, બ્લડપ્રેશર, બ્લડશુગર) એવા લક્ષણો માનસિક બિમારીમાં ઓછા હોય છે. એટલે પણ એની સમાજ સામાન્ય માણસ માટે મુશ્કેલ છે.

કોઈપણ નુકશાન કે પરેશાની પાછળ પોતાની ભૂલ અને ઓછપ સ્વીકારવી સામાન્ય માણસ માટે મુશ્કેલ વાત છે એટલે બાહ્યકારણ પર દોષનો ટોપલો નાખી દેવાની વૃત્તિ થાય છે. તાંત્રિક અને જાદુઈ તત્વોને ડર અને અંધશ્રધ્ધા આનુંજ પરિણામ છે જે માનસિક બિમારીનો ભાગ બની જાય છે.

આ ભાઈ તો ખૂબ શ્રીમંત કુટુંબના છે અને લોકોતો તેની સફળતાની ઈર્ષ્યા કરતા હતા. શું એની માનસિક બીમારી લોકોની બૂરી નજર અને જાદુટોણાને કારણે છે?

માનસિક બીમારીથી અસરગ્રસ્ત વ્યક્તિ શરીરથી ભલે નીરોગી લાગે પણ હાવભાવ, સ્વભાવ, બોલચાલ અને વર્તનમાં ફરક પડી જાય છે. વ્યક્તિત્વમાં આવેલા આ ફેરફારને રૂઢી પ્રમાણે જાદુટોણા અથવા પ્રેતાત્માનો પ્રકોપ માનવામાં આવે છે. પરંતુ હવે નવી વૈજ્ઞાનિક શોધ ખોળોએ આપણને માનસિક બીમારીઓને સમજવામાં મદદ કરી છે.

જૈવિક(જીનેટિક અને ન્યુરોટ્રાન્સમીટર), માનસિક અને સામાજિક કારણોના સંયોજનથી આ બીમારીઓ પેદા થાય છે. બીમારીની સીધી અસર લાગણી, વિચાર અને વર્તન પર થઇ શકે છે.

હું તો મનથી ખૂબ મજબુત છું તો પછી મને માનસિક તકલીફ કઈ રીતે થઇ શકે ?

માનસિક તકલીફ એ નબળા મનની નિશાની નથી. વિવિધ કારણોસર મગજમાં થતા રાસાયણિક ફેરફાર માનસિક બિમારીના લક્ષણો માટે જવાબદાર છે. બીમારી થવાની આ પ્રક્રિયા કોઈપણ ઉંમર અને લિંગના વ્યક્તિને થઇ શકે છે. ભણતર, આર્થિક સ્થિતિ કે સામાજિક પરિબળો પણ મજબૂત હોવા છતા બીમારી લાગુ પડી શકે છે.


(૪) માનસિક બીમારીના લક્ષણો

મારા પિત્રાઈ ભાઈને ત્રણ વરસમાં આ બીજો માનસિક હતાશાનો હુમલો આવી ગયો છે. તે આત્મહત્યા કરવાની વાતો વારંવાર કરે છે. શું તેની વાત અમારે ગંભીરતાથી લેવી જોઈએ ? આમ તો એ ઘણા મજબૂત મનનો તેમ જ બહાદુર છે અને આવું કાયરતાનું કામ કરે એવો નથી.

આત્મહત્યા નો પ્રયત્ન કરવો એ કાયરતાનું કામ નથી પરંતુ ગંભીર માનસિક હતાશાનો જ એક ભાગ છે. મજબૂત મનના અને બહાદુર લોકોને આત્મહત્યાના વિચાર ન જ આવી શકે અને તેઓ એવો પ્રયત્ન કરી શકે નથી એવું જરાપણ નથી. જયારે દર્દી આવા વિચારો વ્યક્ત કરે ત્યારે તમારાં માનસચિકિત્સકને આ વિષે તરત જ વાકેફ કરવા જોઈએ. જેથી સારવારમાં તાકીદના પગલા લઇ શકાય.

અમારી દીકરીના જન્મ પછી મારી પત્ની ઘણી શંકાશીલ બની ગઈ છે. જલ્દી ચિડાય જાય છે અને પોતાની કે દીકરીની કાળજીમાં પણ સુસ્તી કરે છે. ક્યારેક ખૂબ આક્રમક થઇ જાય છે. શું આ કોઈ પ્રકારની માનસિક બીમારી છે ?

બાળકની સુવાવડ પછી સ્ત્રીઓના શરીરમાં હોર્મોન (અંતઃસ્ત્રાવ) નું પ્રમાણ ઘણું બદલાય છે. આ દરમ્યાન ઘણી સ્ત્રીઓ હતાશા અને આવેગ થી પીડાય શકે છે. તદુપરાંત બાળકની સારસંભાળ તેમજ સુવાવાડનો થાક પણ આમાં કારણભૂત હોય છે.

જૂની માનસિક બીમારી પણ આ જ કારણોને લીધે સુવાવડ પછી પાછો ઉથલો મારી શકે છે. આવા કિસ્સાઓમાં આત્મહત્યા કે બાળકને નુકશાન થવાનો ઘણો સંભવ હોય છે માટે જ એની તત્કાલીન ધોરણે સારવાર થવી જોઈએ.

શું સેક્સને લગતી સમસ્યાઓ માનસિક હોય શકે ?

સેક્સને લગતી સમસ્યાઓ ઘણીવાર માનસિક સંઘર્ષના કારણે ઉદભવીતી હોય છે.

સેક્સની અનિચ્છા ક્યારેક મોતી માનસિક બીમારી જેમ કે હતાશાનું પણ લક્ષણ હોય શકે છે.

સેક્સનું સામાન્ય અને સાચું જ્ઞાન ઘણી બિનજરૂરી ખોટી માન્યતાઓ અને સમસ્યાઓ ટાળી શકે છે.

મારા પાડોશીને એકવાર ઘરનું તાળુ માર્યા પછે એને વારંવાર તપાસવાની આદત છે. તેમના પત્ની પણ કહેતા હતાં કે એ વારંવાર હાથ ધોવામાં બાથરૂમમાં બિન જરૂરી સમય બગડતા હોય છે. શું આ કોઈ માનસિક સમસ્યા છે ?

હા આને ઓ.સી.ડી. (ઓબ્સેસીવ કમ્પલઝીવ ડીસઓર્ડર) કહેવાય, એ મગજની એવી બીમારી છે જેમાં દર્દીને એક નો એક વિચાર (ધૂન – obsession) વારંવાર આવ્યા કરે છે જે ગંદકીને લગતા કે ધાર્મિક અથવા અશ્લીલ ન જોઈતા વિચારો હોઈ શકે છે.

Compulsion નાં ભાગ રૂપે કેટલીક ક્રિયાઓ વારંવાર પરાણે કરવી પડે છે અને બુધ્ધિથી પોતાની જાતને રોકી નથી શકતા. વારંવાર હાથ ધોવા, તાળા તપાસી જોવા વગેરે આ બીમારી નાં લક્ષણ હોઈ શકે. દર્દી જલ્દીથી પોતાની તકલીફ બીજાને સમજાવી નથી શકતા અને સમય જતા એમાં બેચેની અને હતાશાનો ઉમેરો થાય છે.

દવાઓ, સાઈકોથેરાપી અને બીહેવીઅર થેરાપીની મદદથી દર્દીને મદદ મળવી જોઈએ.

મારી દીકરી દશ વર્ષની ઉંમરે પણ રાત્રે ઘણીવાર પથારી ભીની કરે છે. મને પણ નાનપણમાં આ જ તકલીફ હતી. શું આ એક ગંભીર સમસ્યા છે ?

પાંચ વરસથી વધુ વયનું બાળક જયારે ઊંઘમાં મહદ અંશે રાત્રે પણ ક્યારેક દિવસમાં પણ પથારીમાં પેશાબ કરી જાય છે એને ‘એન્યુરેસીસ’ કહેવાય છે. આ સમસ્યામાં દાક્તરી તપાસ જરૂરી બને છે. બાળકને જો પેશાબની ક્રિયા પર કાબૂ આવ્યો જ ન હોય કે પછી પહેલા કાબૂ હોય અને થોડા વખત પછી ફરીથી બલકે કાબૂ ગુમાવ્યો હોય એવું બની શકે છે.

આ સમસ્યા બિહેવીયર થેરાપી અને દવાઓની મદદથી અસરકારક રીતે દૂર કરી શકાય છે.

મારો દીકરો ખૂબજ ચંચળ અને હોશિયાર છે પણ ભણવામાં ધ્યાન નથી આપતો. એના વર્ગશિક્ષકે એને કાઉન્સેલર પાસે લઇ જવાની સલાહ આપી છે. શું એને કોઈ માનસિક સમસ્યા છે ?

બાળક જયારે ભણવામાં પાછળ પડી જાય ત્યારે તેનું બરાબર મૂલ્યાંકન થવું જરૂરી બને છે. આવા કિસ્સાઓમાં નીચેમાંથી એક સમસ્યા હોવાની શક્યતા હોઈ શકે.

ADHD- અતિ ચંચળતા અને રમતિયાળપણું

આ સમસ્યામાં બાળકમાં એકાગ્રતાનો અભાવ હોય છે. બાળક એક જ વસ્તુ પર વધુ વખત ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી. એક જ વસ્તુ વારંવાર યાદ કરાવવા છતાં ભૂલી જાય છે, ગ્રહણ શક્તિ ઓછી હોય છે અને શિસ્ત અને નિયમોના પાલનનો બાળકમાં અભાવ હોય છે.

આવા બાળકો ખૂબ જ ચંચળ હોય છે તેઓ એક જગ્યા પર વધુ વાર બેસી શકતા નથી, તેમના કામકાજમાં ઢંગધડો હોતો નથી. અને તેમની વર્તણૂક આવેશમય હોય છે.

Learning disabilities(L.D.) – ચોક્કસ જાતના શિક્ષણ માટે અસમર્થતા

આ પરિસ્થિતિમાં બાળક એની વયપ્રમાણેનાં બીજા બાળકો કરતા વાંચન કે લેખન અથવા ગણિતમાં પાછળ હોય છે.

શું આંચકીના દર્દીઓની બુદ્ધિમત્તા ઓછી હોય છે ? આ દર્દીઓ સંપૂર્ણ રીતે સામાન્ય જીવન જીવી શકે ખરાં ?

વાઈના દર્દ્રીઓનો બુદ્ધિઆંક ઓછો હોવો જરૂરી નથી. જો આંચકી સંપુર્ણપણ નિયંત્રણમાં હોય તો તેઓ બિલકુલ સામાન્ય જીવન ગાળી શકે છે. છતાં પણ તેમને આંચકી આવતી રોકવા માટે અમુક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે.

ઘણી વખત માનસિક તણાવ પણ આંચકીની પરેશનીમા વધારો કરે છે. આવા દર્દીઓને માનસિક સારવાર તેમજ જીવનસરણીમાં તણાવનો ઘટાડો ખૂબ જ રાહતદાયક પૂરવાર થાય છે.

મારા પિતાશ્રી પંચોતેર વર્ષના છે. તેઓ ખૂબ જ ભૂલકણા થઇ ગયા છે અને તેમને દિવસ-રાતની સમજણ ણ પડતી હોય એવું લાગે છે. તેમને કાલ્પનિક વ્યક્તિઓ કે વસ્તુઓ દેખાતી રહેતી હોય છે. એમને ઝાડા પેશાબનું પણ ભાન રહેતું નથી. શું આ બધું ઉમરના લીધે થાય છે? આની સારવાર શક્ય છે?

ઉંમરના લીધે વ્યક્તિની યાદશક્તિ થોડી ઓછી થાય છે. પરંતુ જયારે સ્મૃતિભંશ એટલો બધો હોય કે રોજિંદી જિંદગીમાં તકલીફ કરે ત્યારે એને ડિમેન્શિયા કહેવાય. ભૂલવાથી અને સ્થળ કે સમયમાં ગૂંચવણથી મુંજવણ થાય. રોજબરોજના કામ અને પોતાની કાળજીમાં ગરબડ થવી. ઘણી વાર ખૂબ હતાશ હોય કે પછી ખૂબ ગુસ્સામાં કે ઉશ્કેરાટમાં હોય.

આ રોગની સારવાર હાલમાં તો દર્દીને અને તેના ઘરનાને મદદરૂપ થઇ શકાય એટલી જ છે. જેમાં દર્દીનો મૂડ સારો રહે,એનું વર્તન બને એટલું સામાન્ય રહે અને રોહ ત્વરાથી આગળ વધતો અટકે એવા પ્રયત્નો શક્ય છે.

મેં હૃદયરોગના નિષ્ણાત પાસે હૃદયના ધબકારા વારંવાર વધી જવાને લીધે તપાસ કરવી હતી. મારો સ્ટ્રેસ ટેસ્ટ નોર્મલ આવતા તેમણે મને મનોચીકીતીસ્તકની સારવાર લેવાનું સૂચવ્યું છે. મને કોઈ ટેન્શન કે માનસિક ચિંતા નથી તો પછી શા માટે આવું થાય છે ?

આ લક્ષણ પેનીક ડીસોડૅર (તીવ્ર ગભરામણ) નામની માનસિક બીમારીના છે. જયારે મનમાં તણાવનું પ્રમાણ ખૂબજ વધી જાય છે ત્યારે દર્દીને અમુક સમય માટે આ બધા લક્ષણોનો અનુભવ થાય છે. જેમ કે ખૂબજ ગભરામણ થવી, હૃદયના ધબકારા વધી જવા, શ્વાસ લેવામાં ખૂબ મૂંઝવણ થવી, મોઢું સુકાવું,પરસેવો વળવો, બંધિયાર જગ્યામાં ના રહી શકવું અથવા વધુ માણસો ભેગા થયા હોય તેવી જગ્યાએ (સિનેમા હોલ, લીફ્ટ વગેરેમાં) કઈક થઇ જશે, હૃદયરોગનો હુમલો આવી જશે, બી.પી.વધી ગયું છે કે મારી જવાશે એવું લાગે. આ લક્ષણો થીડી મિનિટો રહ્યા પછી દર્દી આપો આપ જ સ્વસ્થ થઇ જાય છે. આ બધા લક્ષણો હૃદયરોગના લક્ષણો હોવાનો ભય ઉભો કરે છે. હુમલો શમી ગયા પછી પણ ફરી હુમલાનો ડર રહ્યા કરે છે. યોગ્ય માનસિક સારવાર અને દવાઓથી આ હુમલાઓ ટાળી શકાય છે.

મારો સ્વભાવ આટલો ચિંતાતુર કેમ છે ? ઘણીવાર તો હું કારણ વગર અકળાઈ જાઉં છું. મને ઘણીવાર અર્થહીન વિષયોની ચિંતા સતાવે છે. જેનાથી હું ખૂબ જ ગભરાયેલી રહું છું.

કારણ વગરની વધુ પડતી ચિંતાને માનસિક વ્યગ્રતા કે ઉદ્વેગ કહેવાય છે. કોઈ ચોક્કસ પરિસ્થિતિ કે વસ્તુ વિષે અતિશય ગભરાટભર્યા વિચારો આવતા હોય તો વ્યક્તિ તેને ટાળવાની કોશિશ કરે છે. આ બિમારીને ફોબિયા કહેવાય આ સમસ્યા દવાઓ તેમજ માનસોપાચારથી કાબૂમાં લઇ શકાય છે.

મારા દીકરાનું વર્તન હમણાથી ઘણું બદલાયેલુ લાગે છે. એ વધુ પડતો ગુસ્સો કરે, અપશબ્દો બોલે, કામ પર જવાનું બંધ કરી દીધું છે, એકલો પોતેજ બડબડતો હોય છે અને ઘરના તેમજ પડોશીઓ પર શંકા કરતો હોય છે. અમારા ફેમીલી ડોકટરે એને ઉંઘવાની દવા આપી પણ એનાથી કંઈ ફાયદો થયો નથી. એને શું તકલીફ હોય શકે ?

તમારાં પુત્રને ચિત્તભ્રમ (સ્કીઝોફ્રેનીઆ) છે કે નહિ તેનું પહેલા નિદાન થવું જોઈએ આ બિમારીમાં દર્દીને જુદી જુદી જાતની ભ્રમણાઓ થાય છે. તેને ભણકારા વાગે કે બિહામણા દ્રશ્યો દેખાય છે. તેનું વર્તન વિચિત્ર હોય છે. અને તે સામાજિક કે ધંધાકીય જવાબદારી અદા કરી શકતો નથી.

આ એક ગંભીર સમસ્યા છે અને એમાં નિયમિત દવાઓનું સેવાજ ખૂબજ જરૂરી બને છે. લગભગ સો એ એક વ્યક્તિમાં આ બીમારી જોવા મળે છે.

છેલ્લા કેટલાક દિવસોથી મારા પતિ બહુ ગુસ્સામાં રહે છે. ખૂબ ખર્ચા કરે છે, વધુ પડતું બોલે છે અને કામ પ ણ અતિશય કરે છે, શું આ કોઈ માનસિક સમસ્યા છે ?

આ બધા ઉન્માદ (મેનીઆ) નામની માનસિક બિમારીના લક્ષણો હોઈ શકે. ઉન્માદ એ માનસિક વિષાદ થી તદ્દન વિપરિત બીમારી છે. એમાં વ્યક્તિ વધુ પડતી પ્રવૃતિશીલ, બેપરવાહ અને અસામાન્ય રીતે આનંદિત બની જાય છે.

આ બિમારીમાં દવા કે ઈ.સી.ટી. નો ઉપયોગ અનિવાર્ય છે. ઉન્માદ અને હતાશાના એકાંતર થતા હુમલા રોકવાનો પણ દવાની મદદથી પ્રયાસ શક્ય છે.

હતાશા કે માનસિક વિષાદ એટલે શું ? એની સારવાર શું છે ? એમાં કાઉન્સેલિંગ કેવી રીતે મદદ કરે ?

હતાશા એ ઘણી સામાન્ય માનસિક બીમારી છે. જેમાં વ્યક્તિ લાંબા સમય સુધી ગમગીન રહે, એના આત્મવિશ્વાસમાં ઘટાડો થાય, એનો જિંદગીમાંથી રસ ઉડી જાય, કમજોરી લાગ્યા કરે, પોતાના વિષે અને આસપાસના વાતાવરણ વિષે પ્રતિકુળ વિચારો જ આવ્યા કરે, અને ક્યારેક એ આત્મહત્યા સુધી દોરી જાય.

આ લક્ષણો દરેક ઉમરના અને સામાજિક વર્ગના લોકોમાં પેદા થઇ શકે. મનોચિકિત્સક દવાઓ, સાઈકોથેરાપી અને ઈ.સી.ટી. થી એના પર સહેલાઈથી કાબૂ મેળવી શકે છે.

તણાવ પૂર્ણ કારણો જે હતાશા લાવવા માટે જવાબદાર હોય તેનું કાઉન્સેલિંગની મદદથી સમાધાન થવું જોઈએ.

 

મારા સહકાર્યકરોના જણાવ્યા પ્રમાણે મારી કાર્ય કરવાની ક્ષમતા અને ગુણવત્તા કથળી રહી છે અને એ મારા વધુ પડતા દારૂના સેવનને કારણે છે. શું દારૂનું સેવન આમ કરી શકે ખરું? તમાકુ, ગુટકા અને સિગરેટ પીવાથી પણ કાર્યક્ષમતા કથળે છે. ?

લાંબા સમય સુધી વધુ પડતું દારૂનું સેવન વ્યક્તિના જીવનમાં સામાજિક, આર્થિક અને ધંધાકીય મુશ્કેલીઓ સર્જી શકે છે. અમુક વ્યસની દારૂ ણ છોડતા એનું સેવન એટલે ચાલુ રાખે છે કેમકે દારૂ ના મળવાથી થતી ધ્રુજારી અને અનિદ્રાથી ખૂબ પરેશાની અનુભવે છે. આ એક બીમારી છે જેની સારવાર શક્ય છે.

તમાકુ કોઈપણ રૂપમાં એક હાનિકારક વ્યસન છે, જે માનસિક અને શારીરિક બીમારી પેદા કરી શકે છે.

મારી બધી જ જાતની શારીરિક તપાસોના રિપોર્ટ નોર્મલ છે. મારા ડોક્ટર કહે છે કે મારા રોગનું મૂળ કારણ મારા ‘મન’માં છે. મને જયારે આટલી પીડા હોય. ત્યારે આવું કેમ બની શકે ?

માનસિક તણાવ, વ્યગ્રતા કે હતાશા શારીરિક તકલીફોમાં પરિણામે છે. દરેક જાતની તપાસમાં શરીરમાં રોગનું કોઈ ચિહ્ન જણાતું નથી. બીમારી ‘મન’ માં છે એનો અર્થ મન ની બીમારી છે અને નહિ કે મનમાં ઉપજાવી કધેલીમ માટે જ આવી તકલીફોમાં મનોચિકિત્સા ધાર્યું પરિણામ લાવે છે.

માનસિક તણાવ કોને કેહવાય ? આ સામાન્ય માણસને કઈ રીતે અસર કરી શકે ?

કોઈ પણ પરિસ્થિતિ કે જેનો વ્યક્તિને પ્રતિકાર કરવામાં મુશ્કેલી પડે તે માનસિક તણાવ ઉત્પન્ન કરે છે. માનસિક તણાવનું કારણ દરેક વ્યક્તિમાં જુદુ જુદુ હોય છે. જીવનના ઘણા પાસાઓ પર માનસિક તણાવની અસર થાય છે. જેમ કે-ચિત્ત પર, શરીર પર અને સામાજીક કે ધંધાકીય વ્યવહારોમાં. ઘણીવાર વ્યક્તિની માનસિક-કે શારીરિક બીમારીનું મુખ્ય કારણ આ માનસિક તણાવ જ હોય છે.


(૫) માનસિક સમસ્યાઓની સારવાર

હું ઈન્ટરનેટ પર તમે જે દવા મને આપી છે એના વિષે વાંચતો હતો. ડોક્ટર, મને નથી લાગતું કે એ મને લાગુ પડે.

ઈન્ટરનેટ માહિતીનો અખૂટ ખજાનો છે પણ એની માહિતી સાચી અને સંદિગ્ધ બંને હોય છે. જે ઘણીવાર ગેરમાર્ગે દોરનાર હોય છે. ઈન્ટરનેટ મનોચિકિત્સકનો પર્યાય ક્યારેય બની શકે નહિ.

હિપ્નોસીસનો ઉપયોગ શું દરેક માનસિક બિમારીના ઈલાજ માટે કરી શકાય ?

હિપ્નોસીસ બધા માનસિક રોગોનો ઈલાજ છે એ એક અત્યંત ભૂલ ભરેલી માન્યતા છે. હિપ્નોસીસ પણ મનોચિકિત્સાનો એક પ્રકાર છે પણ બધા માનસિક રોગોની સારવાર એનાથી થઇ શકે નહિ.

માનસોપચાર (સાઈકોથેરાપી) શું છે ? તેમજ કોગ્નીટીવ બીહેવિઅર થેરાપી (સી.બી.ટી.) એટલે શું ?

સાઈકોથેરાપીને લોકભાષામાં “વાતચીતથી સારવાર” કહી શકાય, એમાં માનસિક સારવાર માટે અમુક માનસશાસ્ત્રીય સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. એ અનુભવી પદવીધારી નિષ્ણાત પાસેજ કરાવવી જોઈએ અને બધા જ માનસિક રોગો માટેનો એ ઈલાજ નથી.

સી.બી.ટી. પણ થેરેપીનોજ એક પ્રકાર છે જેમાં વિચાર અને વર્તન વિષેના માનસશાસ્ત્રનાં સિદ્ધાંતો વાપરવામાં આવે છે.

રીપીટીટીવ ટ્રાન્સકેનીયલ મેગ્નેટિક સ્ટીમ્યુલેશન (આર.ટી.એમ.એસ.) એટલે શું ?

આ પદ્ધતિમાં માથા પર અમુક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર ઉભું કરીને મગજના અમુક કોષોને ઉત્તેજિત કરવામાં આવે છે. હાલમાં એ હતાશાના દર્દીઓ માટે વપરાય છે પણ બીજા મનોરોગો માટેના એના વપરાશની શક્યતા માટેનું સંશોધન ચાલુ છે.

શું શસ્ત્રક્રીયાથી પણ માનસિક સારવાર શક્ય છે ?

હા. કેટલાક મનોરોગ જેવા કે ગંભીર હતાશા, ઓ.સી.ડી. અથવા એવા રોગીઓ કે જેમને દવાઓ અને ઈસીટીથી ખાસ રાહત ણ હોય એમના માટે કેટલીક શસ્ત્રક્રિયાઓ શક્ય છે. હાલમાં એનો ઉપયોગ ખૂબજ માર્યાદિત ધોરણ પર થાય છે.

ડીપ બ્રેઈન સ્ટીજ્યુલેશન (ડીબીએસ) કે જેમાં મગજના ઉડાણમાં ઉત્તેજના પડા કરવામાં આવે એ એક નવી પધ્ધતિ છે અને હજુ પ્રયોગાત્મક ધોરણે છે. જે ઘણી આશાસ્પદ જણાય છે.

એકવાર ઈ.સી.ટી. સારવાર શરૂ કર્યા પછી શું એ જીવનપર્યત ચાલુ રાખવી પડે છે ?

પ્રત્યેક માનસિક બિમારીનો ઈ.સી.ટી. નો કોર્સ જુદો જુદો હોઈ શકે. પરંપરાગત રીતે, ૬ થી ૧૦ ઈસીટીમાં દર્દીને ભરપૂર સુધારો દેખાય છે. ક્યારેક અમુક દર્દીઓને થોડા થોડા સમયાંતરે ઈસીટી આપવા પડે છે પણ એ માનું ભૂલ ભરેલું છે કે ઈસીટી જીવનપર્યંત આપવા પડે.

ઈ.સી.ટી. ની આડઅસરો શું છે ? ચલચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઈસીટી આપવાથી સ્મૃતિભંશ કે મગજને નુકશાન થાય છે ?

ઈસીટી આપ્યા બાદ દર્દીને થોડું માથુ દુઃખે કે સ્નાયુઓ પીડા આપે જે સામાન્ય દરદશામક દવાઓથી શમી જાય છે. તાત્પુરતો સ્મૃતિભંશ કે ગૂંચવણ રહે પણ એકવાર સારવાર પૂરી થઇ જાય પછી એ બધું પૂર્વવત થઇ જાય છે.

ઈસીટીનું ચલચિત્રમાં કરવામાં આવતુ ભયજનક ચિત્રણ લોકમાનસમાં ખોટું ચિત્ર ઉપસાવે છે. સંશોધનો દ્વારા એ પ્રમાણિત થયું છે કે મનોચિકિત્સક દ્વારા પધ્ધતિસર રીતે આપવામાં આવેલા ઈસીટી થી મગજને કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી.

શું દર્દીની માનસિક બીમારી એટલી બધી ગંભીર છે ક એ એને ઈ.સી.ટી. આપવા પડે ?

ઈ.સી.ટી. એક ખૂબજ સુરક્ષિત સારવાર પદ્ધતિ છે એટલે એનો છેલ્લામાં છેલ્લા પર્યાય તરીકે ઉપયોગ કરવાનું જરાપણ યોગ્ય નથી.

જયારે દર્દી ખૂબજ આક્રમક કે હિંસક થઇ ગયો હોય કે પછી તેને સતત આત્મહત્યા કરી નાખવાના વિચારો આવતા હોય કે પછી એને મોટા ભાગની દવાઓ અસર કરતી ઓછી થઇ જાય ત્યારે ઈસીટી એને સારો કરવામાં બહુંજ મહત્વનો ભાગ ભજવે છે.

ચલચિત્રમાં ઇસીટી બતાવવામાં આવે છે એ પ્રમાણે શું એ અત્યંત નુકશાનકારક અને પીડાદાયી છે ?

બિલકુલ નહિ, ઈસીટી ચલચિત્રને સનસનાટીપૂર્ણ બનાવવા માટે એ રીતે બતાવવામાં આવએ છે, જયારે હકીકત સાવ જુદી જ છે.

મનોરોગીની સારવાર વખતે ઈસીટી આપતા પહેલા દર્દીને વ્યવસાયિક એનેસ્થેટીસ્ટ દ્વારા બેહોશ કરીને અને સ્નાયુઓને શિથિલ કરીને પછી વિદ્યુતપ્રવાહી પસાર કરવામાં આવે છે. જેથી દર્દીને પીડારહિત સારવાર મળે છે.

ઈ.સી.ટી. શું એ શોકટ્રીટમેન્ટ છે ? આ સારવાર શું હજી પણ વપરાશમાં છે ?

ઇલેક્ટ્રો-ક્ન્વ્લસીવ્હ થેરાપી (ઈ.સી.ટી.) ની સારવારમાં વીજળીનાં હળવા પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી મગજના જ્ઞાનતંતુઓમાં થતા રાસાયણિક ફેરફારોથી સંતુલન પેદા થાય છે અને માનસિક ;લ્લાક્ષનોમાં ઝડપથી સુધારો થાય છે.

વિદ્યુત પ્રવાહનો ઉપયોગ શરીરના અન્ય ઘણા રોગોની સારવાર માટે શક્ય છે. માટે જ ‘શોક ટ્રીટમેન્ટ’ એ ખોટો શબ્દ પ્રયોગ છે.

ઈ.સી.ટી એક પ્રમાણભૂત, વૈજ્ઞાનિક ઉપચાર છે. જે ઘણા માનસિક રોગોની સારવાર માટે આખી દુનિયામાં ઘણા વરસોથી વપરાય છે. આ એક અત્યંત અસરદારક અને ઉપયોગી સારવાર પધ્ધતિ છે ખાસ કરીને અમુક બીમારીની કટોકટીમાં તે સારામાં સારી ઉપચાર પધ્ધતિ તરીકે પ્રમાણિત છે. કમનસીબે, માનસિક બીમારી પ્રત્યેની લોકોની સૂગ અને ‘શોક’ નાં ડર અને ગેરસમજથી આ સારવાર સ્વીકારતા લોકોને ખચકાટ થાય છે.

એલોપથીની દવાઓમાં ‘કેમિકલ’ હોય છે તો પછી નેચરોપથી અથવા હર્બલ દવાઓ વધારે સુરક્ષિત કે નહિ ?

દરેક ચિકિત્સાપધ્ધતિની દવાઓના બંધારણમાં કેમિકલનું જ માળખું હોય છે ફક્ત તેના સ્ત્રોત જુદા જુદા હોય છે જેમકે હર્બલ (વનસ્પતિજન્ય), પ્રાણીજન્ય અથવા કૃત્રિમ. કુદરતી કે કૃત્રિમ દરેક પધ્ધતિના ફાયદા અને ગેરફાયદા છે.

એલોપથી દવાઓ આગળ જણાવ્યું એમ વર્ષોના સંશોધન, પ્રયોગો અને અનુભવથી વિશુધ્ધ થઈને ઉપયોગમાં લેવામાં આવે છે. એની પછી પણ આ એમાં સંશોધન થતું રહે છે. માનસિક બિમારીના ઇલાજમાં મહત્વની જરૂરીઆત છે ઝડપી સુધારાની જે એલોપેથી દવાઓમાં શક્ય છે.

હોમીયોપેથિક ચિકિત્સા પદ્ધતિની બિલકુલ આડઅસરમુક્ત સારવારની જાહેરાત અનુસાર શું એ મનોચિકિત્સા માટેના વધુ સારો પર્યાય નથી ?

દરેક દર્દીને એની આસ્થા અને વિશ્વાસ અનુસાર ચિકિત્સા પદ્ધતિ પસંદ કરવાનો અધિકાર છે. પણ એનો આધાર પ્રમાણભૂત હોવો જોઈએ નહિ કે પ્રચાર કે જાહેરાતથી દોરાયેલો જો કોઈપણ સારવાર રોગ નિર્મૂળ કરી શકતી હોય તો સાથે એની થોડી પણ આડઅસર જરૂર હોય જ છે.

એકવાર નિદાન થયા પછી ડીપ્રેશન, મેનીઆ કે સ્કીઝોફ્રેનીઆ જેવી ગંભીર બિમારીના ઇલાજમાં વિલંબ થવો બિલકુલ વ્યાજબી નથી અને એટલે જ એને તરત કાબૂમાં લેવાનું પણ અત્યંત આવશ્યક છે.

દર્દીએ એની પોતાની સારવાર પધ્ધતીના ચિકિત્સકને એના સારવાર પધ્ધતિ બદલવાના નિર્ણય વિષે વાકેફ કરવા જરૂરી છે. એ વાત તો ચોક્કસ છે કે મનોચિકિત્સકની સલાહ વિના એલોપથીક દવાઓ ચાલુ રાખવી જોઈએ નહિ.

શું એ સાચું છે કે માનસિક સારવાર માટેની દવાઓ દર્દીના જ્ઞાનતંતુ તેમજ મગજની કાર્યશક્તિને નબળા પાડી દે છે ?

માનસિક રોગોની દવાઓ વિષે ફેલાવવામાં આવેલી આ એક તદ્દન વાહિયાત માન્યતા છે. ઘણાં દર્દીઓ આ દવાઓ તેમના જીવનપર્યત લે છે. લગભગ ૩૦-૪૦ વર્ષ દવા લેનાર દર્દીના મગજમાં પણ કોઈ પણ પ્રકારની ગંભીર આડઅસરો નોંધવામાં આવી નથી. આ દવાઓ અત્યંત ઊંડા સંશોધન અને પ્રયોગો પછી જ બજારમાં મૂકવામાં આવે છે.

બીજી કોઈપણ સારવારની જેમ જ, આ દવાઓ પણ મનોચિકિત્સકની સંપૂર્ણ દેખરેખ નીચે જ લેવાવી જોઈએ.

બાળ મનોરોગીઓ માટેની ખાસ ઔષધીઓ પણ આ જ રીતે ઊંડા સંશોધન અને પ્રયોગો પછી તૈયાર કરવામાં આવી છે.

એલોપેથિક દવાઓની આડઅસર એક બહુચર્ચિત વિષય છે. મનોચિકિત્સાની દવાઓ લાંબો વખત લેવાથી શું લીવર કે કિડનીને નુકશાન થઇ શકે ?

માનસિક સારવારની દવાઓ એલોપેથીની બીજા રોગોની સારવારની દવાઓની જેમ જ અમુક આડઅસરો ધરાવે છે. કોઇપણ સારવાર જે મહદ અંશે ગંભીર રોગમાંથી મુક્તિ અપાવતી હોય તો એની થોડી આડઅસરો સ્વીકાર્ય હોવી જોઈએ. આ જ વાત મનોરોગોની સારવાર માટે પણ એટલી જ યથાર્થ છે. મનોચિકિત્સાની દવાઓની આડઅસરનો તો સમાજમાં હાઉ ઉભો કરવામાં આવેલો છે, જે મનોરોગ અને મનોરોગી ઉપર લાગેલા કલંકનો જ એક ભાગ છે.

દરેક જાતના ઔષધોપચારમાં આડઅસર થઇ શકે જે ઔષધનાં બંધારણ અને દર્દીની તાસીર પર છે. મનોચિકિત્સકની દેખરેખ હેઠળ થયેલી સારવારમાં આ શક્યતા ઘટાડી શકાય અથવા સરળ ઉપાય કરી શકાય છે. લાંબા ગાળાની સારવારમાં લીવર કે કિડનીને નુકશાન થવાના કોઈજ તારણ નથી.

મનોચીકીત્સાની દવાઓથી ખૂબ ઊંઘ આવે એવું માનવું છે. શું એ બધી ઊંઘની ગોળીઓ છે ?

મનોચિકિત્સા માટે વપરાતી બધી દવાઓ વધુ પડતી ઊંઘ લાવે એ જરૂરી નથી. મોટા ભાગની દવાઓનું બંધારણ એવું હોય કે રોજબરોજની જિંદગીમાં એ ખલેલ પહોચાડતી નથી સારવારની શરૂઆતમાં અમુક દર્દીઓને થોડી વધુ ઊંઘની સમસ્યા વધારે વખત સતાવે તો એના વિષે પોતાના મનોચિકિત્સક સાથે ચર્ચા કરીને ઉપાય થઇ શકે છે.

‘ઊંઘની ગોળીઓ’ એ મનોચીકીત્સાની દવા માટે દર્દી અને સામાન્ય દવાવાળા દ્વારા વપરાતો એક ખોટો શબ્દ પ્રયોગ છે.

દવાઓનો મૂળભૂત હેતુ નિદ્રા લવાનો નથી પણ મગજમાં જે રસાયણોનું સંતુલન વિચલિત થયું હોય એને સરખું કરવાનો છે.

હતાશા, ચિત્તભ્રમ કે ગભરામણની સારવાર માટેની દવાઓની આડઅસરો શું છે ?

દરેક જૂથની દવાઓની પોતપોતાની આડઅસર હોઈ શકે છે. પ્રત્યેક દર્દીનો આડઅસરનો અનુભવ તેની પોતાની તાસીર પર પણ અવલંબે છે. તમારા મનોચિકિત્સક સાથે એના વિષેની ચર્ચા કરી લેવી જરૂરી છે. સારવાર શરૂ કરતી વખતે તમારાં ડોક્ટર તમને એ દવાઓ વિષેની મહત્વની અસરો વિષે જરૂર માહીતગાર કરશે.

માનસિક સારવાર દવાઓ સહીત કેટલો વખત ચાલુ રાખવી જરૂરી છે ?

માનસિક રોગની સારવાર એમના વિશિષ્ટપણા પર અવલંબે છે. માનસિક સારવાર, વ્યવસાયિક મનોચિકિત્સકની દેખરેખ નીચે જ ચાલુ રાખવી જરૂરી છે. દવાઓને લગતી અસરો તેમ જ આડ-અસરોની મનોચિકિત્સક સાથે વખતો વખત ચર્ચા આવશ્યક છે. જેથી એને લગતા પ્રશ્નોનું સમાધાન અને આડઅસરોનું નિરાકરણ લાવી શકાય. મનોચિકિત્સામાં દવાઓ મનોચિકિત્સકની સલાહ વિના ઘટાડવી કે બંધ કરવાની દુષ્કર પરિણામ આવી શકે છે.

ગયા વખતે એને ઉંઘવાની દવાઓ ૩-૪ દિવસ લેવાથી માનસિક લક્ષણો કાબૂમાં આવી ગયા હતાં. આ વખતે આટલું ઝડપી પરિણામ કેમ નથી મળ્યું ?

કદાચિત ગયા વખતે એમને આવેલા માનસિક લક્ષણોનો હુમલો એટલો ગંભીર ણ હતો. પરંતુ આ વખતે એમ જ હોવું જરૂરી નથી. હકીકતમાં સંશોધનો દ્વારા એ પ્રમાણિત થયુ છે કે આવનારો દરેક માનસિક હુમલો છેલ્લા હુમલા કરતા વધુ ગંભીર અને લાંબુ ચાલનારો હોય છે.

મારા સ્વજનો મને યોગ, જીમ, નૃત્ય કે સંગીતના વર્ગોમાં ભાગ લેવાનું સૂચવે છે, જે મારા મનને પ્રફુલ્લિત કરીને મારી માનસિક મુશ્કેલી દૂર કરી શકશે. શું માનસિક બિમારીઓનું નિવારણ જીવન પદ્ધતિ બદલવાથી કે ઈતર પ્રવૃત્તિમાં ભાગ લઈને થઇ શકે છે ?

ઉપર્યુક્ત ઘણી પ્રવૃત્તિઓ ખાસ કરીને યોગ અને કસરતો તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે. અને એ મહદ અંશે સ્વસ્થ જીવન જીવવાની ચાવી છે. પરંતુ એ ચોક્કસ માનસિક બીમારીઓનો ઈલાજ નથી. પ્રત્યેક માનસિક બીમારી માટે તેને જ લગતી દવાઓ અને જરૂરી વિવિધ માનસોપચાર (સાઈકોથેરાપી) આવશ્યક છે.

મનોચીકીત્સમાં દવાઓની જરૂર કેમ છે ?

દવાઓ અમુક માનસિક રોગોની સારવારમાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. માનસિક રોગના લક્ષણો મગજમાંના રસાયણો-ન્યુરોટ્રાન્સમીટરનાં અસમતોલપણાથી થાય છે. દવાઓ આ રસાયણોને સમતુલિત કરીને લક્ષણોને ઝડપથી કાબૂમાં લાવી શકે છે. (દા.ત. ડાયાબીટીસની દવાઓ લોહીમાંના સાકરના પ્રમાણમાં લાવી દે છે.) આ માનસિક લક્ષણો દર્દીના કાબૂ બહારના હોવાથી, દવાઓ દર્દીને સાજો કરવામાં અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

શું માનસિક સમસ્યાઓ ફક્ત સલાહ સુચના અને કાઉન્સેલિંગથી નિવારી શકાય ?

જયારે અમુક તીવ્રતાના માનસિક લક્ષણો રોજિંદા કામકાજ અને સામાજિક, તથા કૌટુંબિક જીવનમાં સમસ્યા પેદા કરતા હોય ત્યારે તેના માટેની જરૂરી દવાઓ સારવારમાં અગત્યનો ભાગ ભજવે છે. આ સમસ્યાઓ કાલ્પનિક કે ઉપજાવી કાઢેલી ણ હોતા, માત્ર ઇચ્છવાથી દુર થઇ જાય એવી નથી હોતી. મહાદ અંશે વ્યક્તિ-અતિશય માનસિક તાણમાં હોવા છતાં બહત માનસિક અને શારીરિક સ્વસ્થતા જાળવી રાખી શકે છે અને તેથી જ તેમને બીજાની સહાનુભૂતિ મળતી નથી. જયારે તકલીફ વિષે ફરિયાદ કરે ત્યારે સામાન્ય સમજણ પ્રમાણેની સલાહ સુચના મળે છે જે વધુ નુકશાનકર્તા સાબિત થાય છે. (દા.ત. સારા વિચાર(પોઝીટીવ) કર,ખોટી તાણ ઉભી  નહી કર, મનને મજબૂત કર…………વગેરે)

હકીકતમાં અહી વ્યક્તિને મનોચિકિત્સકની સલાહ અનુસાર દવાઓ અને સારવારની જરૂર હોય છે.

અમુક સમસ્યાઓ જેવી કે મુશ્કેલીઓ વિગેરે કાઉન્સીલીંગથી ઉકેલી કે હળવી કરી શકાય, પરંતુ અહી વ્યક્તિએ યોગ્ય તાલીમબધ્ધ કાઉન્સેલરની જ મદદ લેવી જોઈએ.


(૬) સારવારની શરૂઆત કર્યા પછી

પુનર્વસન કેન્દ્ર એટલે શું ?

દર્દીને માનસિક સારવાર સાથે, રોજિંદી જિંદગી જીવવા માટે જ્યાં કાબેલ બનાવવામાં આવે અને આત્મનિર્ભર થવા માટે કંઈક હુન્નર શિખવાડાય એ સંસ્થાને પુનર્વસન કેન્દ્ર કહે છે.

અહીનું માળખું હોસ્પિટલ કરતા ઘર જેવું વધુ હોય છે.

મારા પાડોશીને દસ વર્ષ પહેલા માનસિક બીમારી માટે ઈ.સી.ટી. આપવામાં આવેલા. એમની દવાઓ તો હજુ પણ ચાલુ જ છે. પરંતુ હું હમણાથી એમને નિષ્ક્રિય અને તદ્દન સુસ્ત જિંદગી જીવતા જોઉં છું. શું આ ઈ.સી.ટી. અને માનસિક રોગની દવાઓની આડઅસર હશે ?

કામ ન કરવું કે ;લોકો સાથે બિલકુલ હળવું મળવું નહિ એ તેમની બિમારીનો જ એક ભાગ હોઈ શકે છે. માનસિક રોગના શરૂઆતના તીવ્ર લક્ષણો કાબૂમાં આવી ગયાં હોય પણ બિમારીનો થોડો ભાગ હજી બાકી જ હોય ત્યારે પણ આવું બની શકે.

પરનું એટલું તો ચોક્કસ કે આ લક્ષણો ઈ.સી.ટી. કે દવાઓની આડઅસરના તો નથી જ.

જો દર્દી સાજો થઇ જાય અને બહુ થોડી જ દવાઓ ચાલુ રાખવી પડે તો શું એના લગ્ન અને બાળકો માટે વિચારી શકાય ?

લગ્ન થવાથી વ્યક્તિની પોતાની સામાજિક તેમજ આર્થિક જવાબદારી વધી જાય છે. અહીં તમારાં મનોચિકિત્સક સાથે ચર્ચા વિચારણા કરીને જ એના વિષે નિર્ણય લઇ શકાય.

આમાં કેટલાક પરિબળોની જેવા કે રોગના લક્ષણો, તેને કાબૂમાં રાખતી દવાઓ, જવાબદારી લેવાની યોગ્યતા વગેરે બાબતોની તેના ભાવિ પતિ/પત્ની અને તેના કુટુંબ સાથે ચોખવટ કરી લેવી જોઈએ. આટલો મહત્વનો નિર્ણય ફક્ત સામાજિક દબાણથી લેવો યોગ્ય છે.

બાળકો થવા જોઈએ કે નહિ એનો નિર્ણય પણ તમારાં મનોચિકિત્સક સાથે ચર્ચા કર્યા પછી જ લેવાવો જોઈએ.

મારા યુવાન દીકરાની માનસિક સારવાર ચાલુ છે અને એને થોડું સારું છે. પરંતુ, એ છોકરીઓની અને લગ્ન કરવાની વાતો કરે છે, શું એના લગ્ન કરવાથી એને રોગમાંથી મુક્તિ મળી શકે ?

લગ્ન કરવાથી માનસિક રોગમાંથી મુક્તિ મળે એ તદ્દન પાયાવિહોણી માન્યતા છે. દર્દી તો એના રોગને લીધે પ્રેમ, લગ્ન કે સેકની વાતો સંકોચ વિના કરે જે ગંભીરતાથી લેવાય નહિ.

માનસિક રોગને વ્યવસ્થિત કાબૂમાં લીધા પછી લગ્ન માટે વિચારી શકાય. પરંતુ લગ્ન એ માનસિક બિમારીનો ઈલાજ નથી.

વ્યક્તિના ધંધા કે નોકરી પર એના માનસિક રોગ કે એની સારવારની અસર થઇ શકે ?

વ્યવસાયિક કામગીરીમાં સ્થિરતા લાવવા માટે માનસિક રોગનો ઈલાજ થવો અત્યંત જરૂરી છે. સારવાર ન પામેલા મનોરોગીએ ને નીચે જણાવ્યા પ્રમાણે ધંધાકીય તકલીફ થઇ શકે.

૧) કામ પર ગેરહાજરી

૨) એકાગ્રતાનો અભાવ તેમજ કથળેલી કામગીરી

૩) ધંધાના નિર્ણય લેવામાં વિલંબ

૪) નિષ્ફળતા

૫) નોકરી ગુમાવવી

૬) આર્થિક સંકડામણ, પરસ્પરના સંબંધોમાં સંઘર્ષ, હોદ્દો ગુમાવવો કે દર્દીની માનહાની થવી.

રોગના પ્રકાર અને તીવ્રતા પર આ બધી અસરો અવલંબે છે એટલે ક્યારેક વ્યવસાયિક ક્ષેત્રે થોડો ફેરબદલ જરૂરી બને છે. સારવારના લીધે વ્યવસાયમાં તકલીફ થવાની શક્યતા મામુલી હોય છે પણ અધકચરી અથવા બિલકુલ સારવાર ન કરવાના પરિણામ ઘણા માઠા હોય છે.

દવાઓ સિવાય દર્દીને મદદ કરવાના બીજા ઉપાયો છે ?

માનસિક રોગોની સારવારમાં દવાઓ સિવાયની પણ ઘણી ઉપચાર પધ્ધતિઓ વાપરવામાં આવે છે કે જેનાથી રોગ પર વધુ સારું નિયંત્રણ રાખી શકાય.

આ પધ્ધતિઓ તમારાં મનોચિકિત્સક પોતે અથવા તો એમની દેખરેખ હેઠળ મનોચિકિત્સાનાં વિવિધ નિષ્ણાતોની ટીમની મદદથી રોગના ઈલાજ માટે વાપરી શકાય. જેનાથી સામાજીક, તેમજ ધંધાકીય સંઘર્ષ કે પરસ્પરના સંબંધોમાં તણાવ ઘટાડી શકાય છે.

સહાયક સંસ્થાઓ (સપોર્ટ ગ્રુપ અને એન.જી.ઓ.) પણ સારવારમાં પીઠબળ આપવાનું કામ કરે છે. દા.ત. આલ્કોહોલિક એનોનીમાસ (A.A.) દારૂના સેવનથી વ્યસનીઓને મુક્ત રાખવામાં મદદ કરે છે.

દર્દીના સાજા થયા બાદ એનું સામાજિક તેમજ વ્યવસાયિક પુનર્વસન પણ ખૂબ જ જરૂરી હોય છે.

જયારે પણ મારી દવા મારા મનોચિકિત્સકે બંધ કરી છે ત્યારે મારા રોગના લક્ષણો ફરી દેખાવા લાગે છે. આનો અર્થ શું એમ થાય કે મને આ દવાઓની ટેવ પડી ગઈ છે ? એ લીધા વિના ચાલશે જ નહિ ?

આ તર્કપ્રમાણે તો બી.પી. અને ડાયાબિટીસની દવાઓનું પણ બંધાણ જ કહેવાય !

આ કોઈ લત કે વ્યાસન નથી પણ અમુક દવાઓ લાંબો સમય ચાલુ રાખવાથી જ રોગના લક્ષણો કાબૂમાં રહે છે. એનું કારણ એ છે કે :

૧) ઘણી વખત, રોગનો દરેક લક્ષણ બિલકુલ મટાડી ન શકાય પણ દવાઓથી તેને કાબૂમાં રાખી શકાય.

૨) અમુક માનસિક રોગોમાં આનુવાંશિક કે શારીરિક કારણ મોટો ભાગ ભજવે છે. જેથી માનસોપચારની બીજી પધ્ધતિઓ આમાં એટલી કારગત નથી નીવડતી.

૩) લાંબા સમયથી સારવાર ન થઇ શકી હોય એવા માનસિક રોગમાંથી એકવાર રાહત મળ્યા પછી પણ દવાઓ લાંબો સમય સુધી ચાલુ રાખવાથી ફરીથી એ રોગનો હુમલો ટાળી શકાય છે.

૪) અમુક રોગો જેમ કે બાઈપોલર મૂડ ડીસઓર્ડર કે જેમાં હતાશા અને ઉન્માદ બંનેના લક્ષણો વારાફરતી જોવા મળે એવા દર્દીઓને મૂડસ્ટેબીલાઈઝાર પર લાંબો સમય સુધી રાખવા જરૂરી છે.

શું હું મારા મનોચિકિત્સકે પહેલા આપેલી દવાઓ હજુપણ તેમને પૂછ્યા વગર ચાલુ રાખી શકું?

તમારાં મનોચિકિત્સક પાસે તમારે નિયમિત બતાવવા જવું ખૂબ જ જરૂરી છે. કારણ કે:

૧) દવાઓના ડોઝમાં તમારાં રોગના લક્ષણો પ્રમાણે વખતોવખત ફેરફાર કરવો જરૂરી બને છે.

૨) એકના બદલે બીજી દવા કે એજ દવાના ડોઝમાં ઘટાડો પણ જરૂરી હોય શકે.

૩) કેટલીક દવાઓ લેતી વખતે લોહીની વખતોવખત ચકાસણી જરૂરી હોય છે.

૪) ડોક્ટર કોઈપણ સાઈડ-ઈફેક્ટ –(આડઅસર) બે તરત નોંધીને યોગ્ય પગલા લઇ શકે.

૫) જો કોઈ વધુ સારી દવા બજારમાં આવી હોય તો તમારાં ડોક્ટર તમને એની ભલામણ કરી શકે.

૬) તમે જો લાંબો સમય એક જ જાતની દવાઓ પોતે ચાલુ રાખો તો તમને તેની આદત થઇ શકે અથવા શક્ય છે કે દવા તમને અસર ઓછી કરે.

૭) તમારાં ડોક્ટર ફક્ત દવાથી જ તમારો ઉપચાર નથી કરતા પણ તમને માનસોપચારની બીજી પધ્ધતિઓથી પણ સારવાર આપે છે. એ પણ સારવારનો મહત્વના ભાગ છે.

તમારી સારવાર તમારાં મોનોચીકીત્સકની દેખરેખ હેઠળ જ થવી જરૂરી છે માટે કદાપી જાતે દવાઓ ચાલુ રાખવાનો પ્રયત્ન પણ કરવો ન જોઈએ. એમાં શક્ય છે કે થોડા પૈસા બચાવવામાં ક્યારકે વધુ નુકશાન થઇ જાય.

મારા પુત્રની ત્રણ મહિનાથી માનસિક સારવાર ચાલતી હતી અને હવે તે સ્મપૂર્ણ સ્વસ્થ છે. છતાં પણ અમારો મનોચિકિત્સક એની દવાઓ હજુ ચાલુ રાખવા માટે કહે છે. શું એ જરૂરી છે?

દવાના સુધારો પાકો કરવા અને અધૂરા ઈલાજથી આવતો ઉથલો રોકવા આવી ‘મેઈન્ટેનનન્સ’ સારવાર જરૂરી છે. દરેક દવાઓ અમુક સમય માટે ચાલુ રાખવી જરૂરી બને છે. એને કેટલો વખત ચાલુ રાખવી એ તમારાં મનોચિકિત્સક જ નક્કી કરી શકે.

આ દવાઓને લગતી બીજી શું સાવચેતીઓ છે ?
  • મનોવિકારની દવાઓનો જાણતા કે અજાણતા દુરૂપયોગ ના થાય એવા સ્થાને મુકવી જરૂરી છે.
  • તમે વાહન હંકારી શકો કે નહિ એ પણ તમારાં મનોચિકિત્સકને દવા શરૂ કરતા પહેલાં પૂછી લો. દવાની અસર અને ડોઝને લીધે જાગ્રતતા પર અસર પડી શકે એટલે એવા સમયે વાહન હંકારવું હિતાવહ નથી, ખાસ કરીને ઈલાજની શરૂઆતમાં દવાની અસરને લીધે શરીરની પ્રતિક્રિયા (રીફ્લેકસીસ) થોડી મંદ પડી શકે એટલે આ સાવચેતી જરૂરી છે. ડોક્ટરને જયારે ડોઝ અને પ્રતિક્રિયા અનુકૂળ લાગે ત્યારે એ છૂટ આપવાનું વિચારી શકે.
  • આ દવાઓ સાથ દારૂનું સેવન કરવું ણ જોઈએ. જો તમારે કોઈ સામાજિક મેળાવડામાં એકાદ-બે પેગ પીવાના હોય તો તમારાં ડોક્ટરની પહેલા મંજુરી મેળવી લો. દારૂ પીવા માટે દવા લેવાનું કદી પણ ટાળવું જોઈએ નહિ.

 

  • સ્ત્રીઓ માટે:

સ્ત્રીઓના માસિક ચક્રમાં ફેરફાર થઇ શકે છે. એ દવા અથવા રોગના કરને પણ હોઈ શકે અને એની ફીકર કરવાની જરૂર નથી. બીજી તપાસ માટે દોડી જતા પહેલા તમારાં મનોતજ્ઞ સાથે આ વિષે ચર્ચા કરી લેવી.

  • ગર્ભાવસ્થાને સંબંધી :

તમને બાળક જોઈતું હોય તો તમારા મનોચિકિત્સકને એ વિષે માહિતગાર કરવાથી એ તમને ગર્ભધાન સાથે સુરક્ષિત હોય એવી દવાઓ આપી શકે અને બીજી જરૂરી ચર્ચા કરી શકે. જો કુટુંબનિયોજનાનું સાધન વાપરતા હોય તો એમાં બેદરકારીને અવકાશ ન હોવો જોઈએ.

બીજી કોઈ જરૂરી સાવચેતી વિષે તમારા મનોચિકિત્સક તમને જરૂર જણાવશે.

બીજી દવાઓ શરૂ કરતા પહેલા શું મારે મારા મનોચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે ?

જો તમે તમારા ડોક્ટરને તમારી મનોવિકારની દવા વિષે જણાવ્યું હશે તો જરૂર લાગશે તો એજ તમને તમારાં મનોચિકિત્સકની સલાહ લેવાનું કહેશે. જયારે તમારે તમારાં મનોચિકિત્સક પાસે જવાનું હોય ત્યારે તમે તમારાં આ ડોકટરના રિપોર્ટ, પ્રિસ્ક્રીપ્શન વગેરે સાથે લઇ જઈને એમને બતાવી શકો છો.

બીજા રોગ માટેની દવા વધવાના કારણે તમારે તમારી મનોચિકિત્સકે આપેલી દવાઓ એમની સલાહ વગર બિલકુલ ઘટાડવી જોઈએ નહિ. (બહુ બધી દવાઓ થઇ ગઈ છે એમ માની ને)

મને જો કોઈ મેડીકલ, સર્જીકલ કે ગાયનેકોલોજીકલ તકલીફ હોય તો પણ શું મારે પહેલા મારા મનોચિકિત્સકને એના વિષે જણાવવું જોઈએ?

જો બીજી શારીરિક બીમારી ગંભીર હોય તો એના માટેના સ્પેશીયાલીસ્ટ ડોક્ટરને વગર વિલંબે બતાવી શકાય. પરંતુ દર્દીએ એ મનોવિકાર માટેની જે દવાઓ લે છે તેના વિષે તબીબને જરૂર માહિતગાર કરવા જોઈએ.

મને સાધારણ સરદી, ખાંસી છે. ૧) શું આ દવાઓ સાથે મારૂ હમેશનું કફસિરપ લઇ શકું? સરદી, ખાંસીની અમુક દવાઓ ક્યારેક ઘેન પેદા કરે છે. પણ એ સિવાય એ દવા તમારી દવાઓ સાથે લેવામાં બીજો કોઈ વાંધો નથી. ૨) શું હું એન્ટીબાયોટીક અને દરદશામક દવાનો આ દવાઓ સાથે લઇ શકું ?

મોટા ભાગની સાદી સરદી, ખાંસી તાવની દવાઓ આ દવાઓ સાથે લેવામાં આવે તો કોઈ નુકશાન કરતી નથી. તમે જયારે પણ, બીજા કોઇપણ તબીબની તમારી તકલીફ માટે સલાહ લો ત્યારે તમારાં મનોચિકિત્સકે આપેલી દવાઓ એમને બતાવવી જ જોઈએ.

મારા હંમેશના કેમિસ્ટે મને આ દવાઓ પ્રિસ્કીપ્શન વગર આપવાની માની કરી છે. હવે મારે શું કરવું જોઈએ?

માનસિક રોગ માટેની દવાઓ પ્રિસ્કીપ્શન વગર આપવાનો કાયદો માની કરે છે. વળી, અમુક દવાઓ ખૂબ જ કડક ફાયદા હેઠળ હોઈને બધા કેમીસ્ટ એને માટેનો પરવાનો ધરાવતા નથી. તમારે તમારા મનોચિકિત્સકની જ મદદ આ માટે લેવી પડશે.

શું મારે આ દવાઓ ઉપર જ જીવવું પડશે ?

અમુક હઠીલા અને જટિલ માનસિક રોગોની સારવાર લાંબા ગાળા માટે ચાલુ રાખવી જરૂરી હોય છે. જો સારવાર બંધ કરવામાં આવે તો રોગ ફરી હુમલો કરી શકે જેને કાબૂમાં લાવવામાં વધુ તકલીફ પડે. આ પણ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવું જ છે જેમાં બિમારીને કાબૂમાં રાખવા દવા લાંબો વખત લેવી જોઈએ.

એની સામે, અમુક માનસિક બીમારીઓ એવી પણ છે કે જેમાં દવાઓ ટૂંકા સમય માટે-થોડા મહિનાથી બે વરસ સુધેના સમય ગાળા માટે ક લેવાથી રોગ કાબૂમાં આવી જાય. દવાઓ સાથે માન્સોપચારની બીજી પદ્ધતિઓનો પણ આ રોગોમાં જરૂર મુજબ ઉપયોગ કરવામાં આવે છે.

ગયા વખતે મારાથી ૪-૫ દિવસ દવાઓ લેવાઈ ન હતી. એના પછી મને અનિદ્ર, ચિડીયાપણું, અને ઉશ્કેરાટ લાગે છે. શું એ દવાઓના કારણે હોય શકે ?

અમુક પ્રકારની દવાઓ જો અચાનક બંધ કરી દેવામાં આવે તો આવા ચિહ્નો જણાય શકે છે. ક્યારેક આ ચિહ્નો રોગના ઉઠ્લાના પણ હોય શકે. દર્દીએ બને ત્યાં સુધી એક પણ ડોઝ જવા દેવો જોઈએ નહિ એનું કારણ ગમે તે હોય જેમ કે :

૧) બજારમાંથી દવા મેળવવાની મુશેકલી અથવા સમયસર ખરીદવાની આળસ

૨) પ્રયોગાત્મક ધોરણે દવા જાણી જોઇને બંધ કરવી,

૩) મનોચિકિત્સક પાસે નિયમિત ન જવું અથવા દવા બાબત અંગત વ્યક્તિની દેખરેખનો અભાવ.

માનસિક સારવાર બંધ કરવાનો નિર્ણય તમારાં મનોચિકિત્સક જ લઇ શકે. સામાન્ય રીતે દવાઓ ધીમે-ધીમે ઘટાડીને બંધ કરવી જોઈએ જેથી એના વિપરિત લક્ષણો નિવારી શકાય.

જો હું દવાના એકાદ-બે ડોઝ ભૂલી જાઉં તો ?

દવા જયારે નિયમિત સમયપ્રમાણે લેવાની રહી ગઈ હોય તો પણ બે ખોરાક સાથે લેવાની જરૂર નથી. બીજો ડોઝ એના સમયે લઇ લેવો. એ સાથે  જ રોગના લક્ષણો જેમ કે ચિડીયાપણું, ઊંઘમાં ફેરફાર વિગેરે જો દરીથી લાગે તો તરત જ તમારાં મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ.

મનોચિકિત્સકે આપેલી દાવો લેવાથી હું અસ્વસ્થ અનુભવું છું. શું હું દવાઓ મારી મેળે ઘટાડી કે બંધ કરી શકું ?

પોતાની રીતે દવાઓ ઘટાડવી કે અચાનક બંધ કરી દેવાથી માનસિક રોગના લક્ષણો નો હુમલો પાછો આવવાનો સંભવ હોય છે? એકદમ દવા બંધ કરવાથી પણ દર્દીને પરેશાની થાય છે. જો તમને હાલની દવાના ડોઝથી તકલીફ થતી હોય તો એની તમારાં મનોચિકિત્સક સાથે ચર્ચા કરો, તમને અનુકુળ આવે તે પ્રમાણે તેઓ ડોઝ ગોઠવી આપી શકે છે.(ઉતાવળે આંબા ન પાકે).