ખાનગીમાં વ્યાપક રૂપે કરાતી, જાહેરમાં નિંદાતી, નિર્દોષ અને હાનિરહિત પ્રવૃત્તિ

myths about sex in male

યુવક-યુવતીઓનો એક સર્વસામાન્ય પ્રશ્ન એ છે કે “ભારતીય કાયદા મુજબ છોક્રરી અઢાર વર્ષે અને છોકરો એકવીસ વર્ષે લગ્ન કરી શકે છે. પરંતુ વચ્ચેના ગાળા દરમ્યાન પ્રબળ જાતીય ઈચ્છા થાય તો તેની સંતૃપ્તિ ક્યાં કરવી ?

હા… લાખો… કરોડો… મુગ્ધ-મુગ્ધોની આ સર્વવ્યાપી મૂંઝવણ છે અને આ મૂંઝવણ જ જાતીય શિક્ષણની જન્મોત્રી છે એમ હું કહીશ.

અહીં જે પ્રશ્ન પૂછાયો છે એવી મૂંઝવણ અનુભવતા યુવાનો કામોત્તેજનાની તૃપ્તિ માટે નીચેનામાંથી એક ,માર્ગ અપનાવે છે :

૧. સ્વહસ્તે કામેચ્છાની તૃપ્તિ.

૨. સજાતીય સંબંધો.

૩. વિજાતીય સંબંધો.

૪. સંયમ.

આમાં પહેલા ત્રણ રસ્તાઓ તરફ વ્યક્તિને સમય અને સંજોગ લઇ જાય છે. જ્યારે સંયમ પાળવાનું માર્ગદર્શન આપણને સમાજે આપ્યું છે. આમાંથી ક્યો માર્ગ અપનાવવો ? કોઈ એક માર્ગ અપનાવ્યા પછી એ યોગ્ય છે કે કેમ ? એ નૈતિક છે ? હાનિકારક છે ? પોતે કઈ ખોટું તો નથી કરતો ને ? પાપ તો નથી આચરતોને ? એવા મનોસંઘર્ષો શરૂ થાય છે, જે મોટા ભાગના લોકો દ્વારા અનુભવાતી કામ સમસ્યાઓનું મૂળભૂત કારણ છે. તબીબી વિજ્ઞાનનો એ સિદ્ધાંત છે કે રોગને મટાડવો હોય તો રોગનાં લક્ષણોની જ દવા ન કરવી પણ તેનું મૂળ શોધી કાઢી રોગને નિર્મળ કરવો અને તેના પ્રતિકારના એટલે કે રોગને થતો જ અટકાવવાના ઉપાયો જન સામાન્યને સમજાવવા.

આપણા સમાજમાં હવે છોકરીના અઢાર વર્ષે અને છોકરાના એકવીસ વર્ષે પણ લગ્ન નથી થઇ જતાં પણ બાવીસથી ત્રીસ વર્ષની ઉંમર દરમ્યાન લગ્ન થાય છે. એટલે મુગ્ધાવસ્થામાં પેદા થતી કામેચ્છાઓને કઈ રીતે સંતોષવી એવો પ્રાશ કોઈ જ તરુણ-તરુણી સેક્સોલોજીસ્ટને પૂછવા જતાં નથી. એ અંગેની સલાહ ણ મળે ત્યાં સુધી રાહ પણ જોતાં નથી પરંતુ સ્વહસ્તે કામેચ્છાની તૃપ્તિની સૌથી સરળ, નિર્દોષ, હાનિરહિત અને સેફટીવાલ્વ જેવી પ્રવૃત્તિ ખાનગીમાં શરૂ કરી દે છે.

જી… હા… હસ્તમૈથુન એ ખાનગીમાં સર્વાનુમતે કરાતી અને જાહેરમાં બહુમતી દ્વારા નીંદાતી કામ્પ્રવૃત્તિ છે. હું મારા દરદીઓને હંમેશાં એક જ વાત સમજાવું છું કે હસ્તમૈથુન સોમાંથી સો માણસો કરે છે. પરંતુ સોમાંથી નવ્વાણું માણસોને જો પૂછવામાં આવે કે “તમે હસ્તમૈથુન કરો છો ?” તો તેઓ નકારે છે. એટલું જ નહિ પણ એવો અભિપ્રાય આપે છે કે એ હાનિકારક પ્રવૃત્તિ છે ! પાપ છે ! વિકૃતિ છે !! અને એ કરવાથી નપુંસકતા આવે છે !!!

dont talk about sex

હસ્તમૈથુન વિશેના વિવિધ પ્રશ્નોવાળા સેંકડો પત્રો મને મળ્યા છે. આ પ્રશ્નો ઉત્તર દક્ષિણ-પૂર્વ પશ્ચિમ એમ ચારેય દિશાઓમાંથી આવ્યા છે. એ જ બતાવે છે કે આ પ્રવૃત્તિ કેટલી બધી વ્યાપક છે ! અને એના વિશેનું અજ્ઞાન કેટલું બહોળું છે !!

      વિવેક પૂછે છે કે, “મારી ઉંમર ઓગણીસ વર્ષની છે. મને અઠવાડિયામાં ત્રણ-ચાર વખત હસ્તમૈથુન કરવાની આદત પડી ગઈ છે. તો આનાથી લગ્નજીવન ઉપર કોઈ ખરાબ અસર તો નહીં પડે ને ?”

       હેમલ લખે છે કે, “હું સત્તર વર્ષનો એકવડિયો બાંધાનો યુવાન છું અને પોલિટેકનીકમાં અભ્યાસ કરું છું. મને કામોત્તેજના થતા હું હસ્તમૈથુન (SELF SEX) કરી નાખું છું. મને બે-ત્રણ મિનીટ માટેતો ખૂબ જ આનંદ પડે છે પણ પછી મનમાં લઘુતાગ્રંથી અને અપરાધ ભાવથી પીડાઉં છું કે હું કેટલો નીચ છું ? કેટલું ખરાબ કામ આ ઉંમરે કરું છું ? મારો એક મિત્ર દિપેન પણ આવું જ કરતો હતો. એણે મને સમજાવ્યું કે હસ્તમૈથુનથી જાતીય નબળાઈ આવે છે એના કરતાં “હોમો-સેક્સ” કર. એટલે હવે અમે બન્નેય મિત્રો સજાતીય સેક્સ માણીએ છીએ. શું મારી આ આદતોને કારણે લગ્નજીવનમાં સમસ્યા ઊભી થઇ શકે ?”

       મહેશ લખે છે કે, “હું સોળ વર્ષનો હતો ત્યારથી હસ્તમૈથુન કરું છું.” દિપક લખે છે કે, “હું સત્તર વર્ષની ઉંમરથી હસ્તમૈથુન કરું છું. હાલમાં મારા લગ્ન થયાં છે અને મને શીઘ્ર સ્ખલનની તકલીફ છે તો શું આ હસ્તમૈથુનને કારણે થયું હશે ?”

       પંકજ લખે છે કે, “મારી ઉંમર વીસ વર્ષની છે. મારું શરીર સાવ નબળું છે અને ગાલ સાવ બેસી ગયાં છે. ગાલમાં ખાડા પણ પડી ગયા છે અને મોઢા પર ખીલ પણ થયા છે. મને આવું થવાનું કારણ હસ્તમૈથુનની કુટેવ છે ? હું ચૌદ વર્ષનો હતો ત્યારથી આવું હીન કૃત્ય કરું છું.”

       એ.કે. હાલાઇ લખે છે કે, “મારી ઉંમર ઓગણીસ વર્ષની છે. મને હસ્તમૈથુનની આદત છે. જેના કારણે હવે છાતીમાં દુઃખાવો ઉપડ્યો છે.”

      સુલેમાન લખે છે કે, “હું ઓગણત્રીસ વર્ષનો પરિણીત યુવાન છું. હું ધોરણ સાતમાં હતો ત્યારથી શારીરિક રીતે પુખ્ત બની ગયો હતો. આથી મારા આવેગોને શાંત પાડવા મેં હસ્તમૈથુનનો આશરો લીધો. હાલમાં હું શીઘ્ર સ્ખલનનો શિકાર છું. હસ્તમૈથુનથી મારી નસો નબળી પડવાથી જ મને આમ થયું છે, ઉપાય બતાવશો.”

      આવા તો સેંકડો યુવાનોએ હસ્તમૈથુન વિશે માર્ગદર્શન માંગ્યું છે. કેટલાક યુવાનોના પ્રશ્નો હસ્તમૈથુન સાથે સંકળાયેલ વિશેષ મૂંઝવણોના છે જેના પણ અલગથી જવાબો આપ્યાં છે.હસ્તમૈથુન વિશે પુછાયેલા સેંકડો પ્રશ્નોના અલગ અલગ જવાબ આપવાને બદલે હવે હું હસ્તમૈથુન વિશે પાયાની વૈજ્ઞાનિક માહિતી આપું છું.

હસ્તદોષ ખોટો શબ્દપ્રયોગ છે

હસ્તમૈથુનને બદલે ઘણા વાચકોએ હસ્તદોષ શબ્દ વાપર્યો છે, જે એક ખોટો અને ગેરમાર્ગે દોરનારો શબ્દપ્રયોગ છે. હસ્તદોષનો અર્થ થાય છે હાથ દ્વારા થતું દોષિત કામ. હકીકતમાં આ પ્રવૃત્તિમાં હાથ દ્વારા કોઈ જ દોષિત, ગુનાઈત, સૃષ્ટિકર્મ વિરુદ્ધનું કર્તવ્ય કે પાપ થતું નથી. “હસ્તદોષ” શબ્દપ્રયોગને કારણે જ ઘણા લોકો આ કૃત્યને દોષિત કૃત્ય માને છે અને આ કર્યા પછી ગુનાઈત લાગણી અનુભવે છે. “હસ્તમૈથુન” એ સાચો શબ્દપ્રયોગ છે. મૈથુન એટલે સંયોગ. અહીં હાથ અને શિશ્નનો સંયોગ થાય છે. આ સંયોગમાં કોઈ જ દોષ નથી.

શું હસ્તમૈથુન નુકસાનકારક છે ?

આ પ્રશ્ન પૂછનારને મારો સામો પ્રશ્ન છે. શું સમાગમ નુકસાનકારક છે ? જી… ના… હસ્તમૈથુન નિર્દોષ અને હાનિરહિત વ્યાપક અને સર્વસ્વીકૃત પ્રવૃત્તિ છે.

       હસ્તમૈથુન દરમ્યાન હાથ યોનિ જેવો આકાર ધારણ કરે છે. શિશ્નનો યોનિ પ્રવેશ જેમ હાનિકારક નથી એમ હસ્તમૈથુન પણ હાનિકારક નથી.

       હસ્તમૈથુન એ સમાગમની પૂર્વ તૈયારી છે. સમાગમ જો “મેચ” છે તો હસ્તમૈથુન “નેટ-પ્રેક્ટિસ” છે. સમાગમ જો બોર્ડ – યુનિવર્સીટીની પરીક્ષા છે તો હસ્તમૈથુન પ્રીલીમ છે. સમાગમ એ પતિ-પત્ની દ્વારા બેડરૂમમાં ભજવાતું નાટક છે તો હસ્તમૈથુન એનું રિહર્સલ છે. હસ્તમૈથુન એ કેળવણી છે, કસરત છે.

       હસ્તમૈથુન કર્યા પછીની માનસિક અને શારીરિક અસરો સમાગમ કર્યા પછીની માનસિક અને શારીરિક અસરો જેવી જ હોય છે એવું માસ્ટર્સ અને જ્હોનસને પ્રયોગશાળામાં પુરવાર કર્યું છે. હસ્તમૈથુન એ સમાગમના સ્વર્ગીય આનંદ તરફ લઇ જતું પ્રથમ સોપાન છે.

હસ્તમૈથુન શા માટે જરૂરી છે ?

વીસમી સદીમાં સેક્સ વિશેની સામાજિક અને વૈજ્ઞાનિક માન્યતા બદલાઈ છે. હવે સેક્સને “પ્રજોત્પતિ” અર્થાત્ વંશવેલો ચલાવવા માટેનું સાધન માત્ર માનવામાં આવતું નથી. સેક્સ એ સ્ત્રીપુરુષ બન્નેય માટે આનંદ મેળવવાનું તથા સાવ મફત, ટેક્ષરહિત, વિપુલ પ્રમાણમાં મનોરંજન મેળવવાનું સાધન છે.

       આ પહેલા સેક્સનો હેતુ માત્ર પ્રજોત્પત્તિનો એટલે કે RECREATIONAL માનવામાં આવતો હતો. હસ્તમૈથુનનો પ્રજોત્પત્તિમાં કોઈ જ ફાળો ણ હોય તેને ધીક્કારવામાં આવતું હતું. પરંતુ હવે માત્ર વિજ્ઞાને નહીં પણ સમાજે પણ સેક્સનો મૂળભૂત હેતુ આનંદ મેળવવો એટલે કે ‘RECREATIONAL’ છે એનો સ્વીકાર કર્યો છે. એટલે હસ્તમૈથુન એ સર્વસામાન્ય અને જીવનજરૂરી ઘટના બની છે.

       બીજી મહત્વની વાત એ છે કે આપણે ત્યાં પહેલા પંદરથી સત્તર વર્ષની ઉંમર દરમ્યાન લગ્ન કરી નાખવામાં આવતાં હતાં અને સહશિક્ષણ, નોકરી કરતી સ્ત્રીઓ તથા ચલચિત્ર, ટી.વી. વગેરેમાં પ્રેમ પ્રદર્શન કે સેક્સ પ્રદર્શન નહોતું થતું. હવે વાતાવરણ બદલાયું છે. આપણી રહેણીકરણી પણ બદલાઈ છે. બંધનો અને નીશેધોમાંથી આપણે મુક્ત સહચારની દિશામાં આગળ વધી રહ્યા છીએ ત્યારે તરુણ-તરુનીઓમાં ચૌદ-પંદર વર્ષની ઉંમરે પેદા થતી જાતીય આકર્ષણ અને આવેગની લાગણીને શાંત પાડવા હસ્તમૈથુન જરૂરી બન્યું છે. હસ્તમૈથુન સેફટીવાલ્વ જેવી પ્રવૃત્તિ છે, જે જાતીય આવેગને શાંત પાડે છે અને જાતીય ગુનાઓ તેમજ વિકૃતિ અટકાવે છે.

       હાલમાં પણ કેટલીક આદિ જાતિઓમાં તેર-ચૌદ વર્ષની ઉંમરે લગ્ન થઇ જાય છે ત્યાં હસ્તમૈથુન શું એ કોઈ જ જણાતું નથી અને તેમને માટે હસ્તમૈથુન જરૂરી નથી.

       આમ હસ્તમૈથુન એ બદલાતા સમય અને સંજોગની વાસ્તવિક જરૂરીયાત છે. એની સાહજિક સ્વીકૃતિ સમયની માંગ છે અને એની અસ્વીકૃતિ આત્મઘાતક છે.

       હસ્તમૈથુનની અનિવાર્યતાનો અસ્વીકાર લાખો અને કરોડો યુવાનોને શરીર અને મનના રોગી બનાવે છે. એટલે જ હસ્તમૈથુન વિશેનાં તમામ જૂઠાણાઓને બેનકાબ કરી વૈજ્ઞાનિક સત્યો વિષે માહિતગાર થવું અનિવાર્ય છે.