સેક્સ વિશે કેટલા જુઠ્ઠાણાં ચલાવાય છે ? – ડૉ. મૃગેશ વૈષ્ણવ

myths about sex

હૃષ્ટપુષ્ટ શરીરની તરુણોની ઘેલછા

કોઈ કહે છે કે સેક્સ વિશે સો જુઠ્ઠાણાં ચલાવાય છે, તો કેટલાક હજ્જારો જુઠ્ઠાણાં ચલાવાય છે એવું જણાવે છે. પરંતુ, હું એવું દ્રઢપણે માનું છું કે સેક્સ વિશે સેંકડો કે હજ્જારો નહીં પણ જેટલા મોઢાં એટલી વાતો છે. જેટલા મોઢાં એટલાં જુઠ્ઠાણાં ચલાવાય છે. આપણા સમાજમાં તરુણો દ્વારા અનુભવાતી મુગ્ધાવસ્થાની મૂંઝવણોનાં મૂળમાં સેક્સ વિશેનાં આવાં જુઠ્ઠાણાંઓ, ખોટી માન્યતાઓ વિશેષ પ્રમાણમાં જવાબદાર છે.

મારી પાસે એવા ઘણા તરુણો, યુવાનો એક જ વાત લઈને આવે છે કે, “અમારી એવી દવા કરો કે અમે હૃષ્ટપુષ્ટ અને પડછંદ કયા ધરાવતા થઇ જઈએ. સ્ટાર ટી.વી.માં આવતાં ડબલ્યુ.ડબલ્યુ,એફ. (WORLD WRESTLING FEDERATION) નાં મિસ્ટર પરફેક્ટ, હીટમેન, કમાલા, યાકોસુમો…..જેવું શરીરસૌષ્ઠવ ધરાવતા થઇ જઈએ.

myths about sex

ઊંચાઈ ધરાવાતા, વજન ધરાવતા, શરીરસૌષ્ઠવ વધારવા આવા યુવાનો ગમે તેટલા પૈસા ખર્ચવા માટે તૈયાર હોય છે. કેટલીક વાર આવા યુવાનો તેમની મૂંઝવણોની રજૂઆત શરમાતાં, અચકાતાં, ગભરાતાં બહુ વિચિત્ર રીતે કરે છે. વિવેક એક એવો જ યુવાન છે.

ઓગણીસ વર્ષની ઉંમરના વિવેકની મૂછનો દોરો હજી માંડ ફૂટ્યો છે છતાં પણ સમગ્ર દુનિયાનો ભાર તેના ઉપર હોય અને દુનિયાનો દુઃખીમાં દુઃખી માણસ તે હોય એવા વેદનાગ્રસ્ત ચહેરે મારી ચેમ્બરમાં પ્રવેશી વિવેકે મને પ્રશ્ન કર્યો:

“ડોકટર, તમને મારામાં કંઇક અજુગતું દેખાય છે ?”

 “તારા ચહેરા પર તનાવ દેખાય છે. બાકી તારા શરીર ઉપર કંઇ ખાસ નહીં……”

“એમ ઉપરછલ્લી રીતે નહિ. મને પૂરતો સમય આપી બરાબર ધ્યાનથી જુંઓ. મોટી આશાઓ લઈને તમારી પાસે આવ્યો છું. મને પગથી માથા સુધી બરાબર જુઓ. તમે બધું સમજી જશો.”

“એમ સમજી ન લેવાય. તારી તકલીફ તારા મોઢેથી જ સાંભળવી પડે.”

“મારા ગાલ સામે જુઓ. કેવા બેસી ગયા છે ? મારી ઉંમર ફક્ત ઓગણીસ વર્ષની છે. પરંતુ, આ બેસી ગયેલા ગાલ અને માયકાંગલા શરીરને કારણે હું સાવ ડોસા જેવો દેખાઉં છું. મારા મિત્રવર્તુળમાં બધા મને “કાકો” કહીને જ બોલાવે છે. આ ઉંમરે જ હું કાકો થઇ ગયો છું, તો પછી આગળ ઉપર શું થશે ? હું લગ્ન કરીને પણ શું કરું ? કોઇપણ સ્ત્રીને સંતોષ આપવાની શક્તિ તો મારામાં છે જ નહિ. ડોક્ટર મારી એવી દવા કરો કે મારું મોઢું ભરાવદાર થઇ જાય, ગાલ ફૂલેલા….. ટામેટા જેવા લાલઘૂમ થઇ જાય, હું હૃષ્ટપુષ્ટ સુમો પહેલવાન જેવો બની જાઉં……. પછી હું ચિંતામુક્ત થઈને લગ્ન કરી શકું…….”

“દોસ્ત…… તુ એવું શા પરથી માની બેઠો છે કે લગ્ન પછી તુ તારી પત્નીને સંતોષ નહીં આપી શકે ?….. શું કોઈ કડવો અનુભવ થયો ?……. નિષ્ફળતા મળી……?”

“અરે ના…..ના…. ડોક્ટર સાહેબ, હું તો બહુ જ ખાનદાન કુટુંબનો સંસ્કારી છોકરો છું. છોકરીઓ તરફ આંખ ઉઠાવીને પણ જોતો નથી. ક્યારેય વિકાર આવે એવા ખરાબ વિચારો પણ કરતો નથી. પરંતુ, મારું આ માયકાંગલું શરીર જોઇને મારી પોલના બધા જ મિત્રોનો એક જ અભિપ્રાય છે કે કાકા કંઇક કરો…..કે જેથી ડોસા માટીને યુવાન થવાય. આમ ને આમ તો નહીં ચાલે…… કોઈ છોકરીને સંતોષવા જેટલી તાકાત તો લાવવી જ પડશે, શરીર મજબૂત બનાવવું જ પડશે, નહીં તો પરણેતરની જિંદગી બગાડશો….. અને તમારી બૈરી જો આમ-તેમ ભટકતી થઇ જશે તો તમારી જિંદગી બગડશે…..!!”

 

હા….. વિવેકને એક જ ધૂન છે કે તેના શરીરનો ઘેરાવો વધે. તેની ઉંચાઈ વધે, તે હૃષ્ટપુષ્ટ અને પડછંદ કયા ધરાવતો થઇ જાય તો જ તેનામાં જરૂરી કામશક્તિ આવી શકે. કારણ “પહેલવાન જેવું શરીર એટલે પલંગતોડ કામશક્તિ” એ વાત તેના મિત્રોએ તેના મનમાં ઠસાવી દીધી છે.

sexual power

વિવેકની જેમ મોટા ભાગના યુવાનોએ સેક્સ વિષે પાયાની માહિતી પોળ, શેરી કે સોસાયટીના નાકેથી જ મેળવી હોય છે અને પોળના આ તાળીમિત્રો – મજાકિય મિત્રો પાસે સેક્સનું કોઈ અધિકૃત જ્ઞાન હોતું નથી.પરંતુ, તેઓ ભ્રામક જાહેરાતો અને અશ્લીલ સાહિત્યનાં વાંચનથી અજ્ઞાનના અંધકારમાં જીવતા હોય છે. તથા સદીઓથી ચાલી આવતી ખોટી માન્યતાઓના જ શિકાર હોય છે.

પ્રશ્ન : મારી ઉંમર વીસ વર્ષની છે. મારી ઊંચાઈ માત્ર પાંચ ફૂટ છે અને વજન છેંતાલીસ કિલો છે. મારા મિત્રવર્તુળમાં બધા મને બાબો જ કહે છે. હું પુરુષ કહેવાવાને લાયક નથી. મારામાં કામશક્તિ અને પૌરુષત્વનો અભાવ હોય એવું મને લાગવા માંડ્યું છે. મારું વજન અને ઊંચાઈ વધે જેથી કામશક્તિ વધે અને હું પડછંદ પુરુષ જેવો લાગું તેવી દવા સૂચવવા વિનંતી છે.

ઉત્તર : પહેલવાન જેવું શરીર બનાવવાની તારી ઘેલછા વધતી જાય એ પહેલાં તું મારી કેટલીક વાત બરાબર સમજે એ જરૂરી છે.

       યૌવનાગમન દરમિયાન તરુણ-તરુણીઓ પોતાના શારીરિક વિકાસ અને બાહ્ય દેખાવની વધારે પડતી ચિંતા કરતાં થઇ જાય છે. જેમનો શારીરિક વિકાસ ઝડપી થાય છે તેઓમાં આત્મવિશ્વાસ જલદી આવે છે અને પોતાની જાત વિષે તેમનામાં ગુરુતાનો ખ્યાલ બંધાય છે. આ સમયે મિત્રવર્તુળમાં મજબૂત બંધો ધરાવતા યુવાનો પોતાની બડાઈ હાંકવા માટે કેટલાક જુઠ્ઠાણાઓ ચલાવે છે. સેક્સ વિષે અધિકૃત જાતીય શિક્ષણ ણ મળ્યું હોવાથી શરીરનો ઓછો વિકાસ, નબળો બાંધો અને ઓછી ઊંચાઈ ધરાવતાં યુવાનો લઘુતાગ્રંથીથી પીડવા લાગે છે અને એવું માનવા લાગે છે કે શરીર નબળું હોય તો કામશક્તિ પણ ઓછી હોય છે. આવા યુવાનોને મારી ખાસ સલાહ છે કે, સેક્સ ,માટે…..કામશક્તિ માટે તન (શરીર) નહીં પણ મન મજબૂત જોઈએ. મારા આ વિધાન પાછળ નીચેનાં વૈજ્ઞાનિક કારણો હું આપું છું :

masculinity

(૧) માત્ર ઉંચાઈ અને હૃષ્ટપુષ્ટ શરીરથી પુરુષત્વ આવતું નથી. જો આમ જ હોત તો ચીન અને જાપાનમાં કોઈ જ પુરુષ કહેવડાવવાને લાયક ન હોત. પરંતુ, માત્ર ઊંચા મોટા પડછંદ અમેરિકનો જ પુરુષ કહેવડાવવાને લાયક હોત.

(૨) ઓગણીસો સાઠ અને સિત્તેરના દાયકામાં આલ્ફ્રેડ કીન્સે અને માસ્ટર્સ જ્હોન્સને કરેલાં 

સર્વેક્ષણ પરથી એવું જણાયું છે કે પચાસ ટકા જેટલા અમેરિકન પુરુષો તેમની કામ્શાક્તિથી સંતુષ્ટ નથી.

 માસ્ટર્સ અને જ્હોન્સને છૂટાછેડા લીધેલા અમેરિકન દંપતીઓનો અભ્યાસ કર્યા પછી એવું તારણ કાઢ્યું છે કે, પચાસ ટકા દંપતીઓના છૂટાછેડાનું કારણ પત્નીને પોતાના પતિથી થતો જાતીય અસંતોષ હતો.

ઓગણીસો એંસીનાં દાયકામાં જ્હોન મની અને કેપ્લાને કરેલાં સંશોધનો પરથી એવું જણાયું છે કે છૂટાછેડા લેતાં અમેરિકન દંપતીઓમાં છૂટાછેડા માટે કોર્ટને જણાવેલાં કારણોમાં પંચોતેર ટકા યુગલોએ પત્નીને પતિથી થતો જાતીય અસંતોષ એ એક માત્ર કારણ જણાવ્યું હતું. આમ અમેરિકન સ્ત્રીઓમાં જાતીય અસંતોષ વધતો જાય છે એવું સંશોધનો પરથી સ્પષ્ટ થાય છે.

       આ અહેવાલ જણાવે છે કે, ઊંચા, પહાળો અને પડછંદ અમેરિકનો પણ તમેની પત્નીને સંતુષ્ટ કરવા જેટલો “સેક્સ પાવર” – કામશક્તિ ધરાવતા નથી. કારણ કામશક્તિ માટે તન નહિ પણ મન મજબૂત જોઈએ.

અમેરિકામાં થયેલાં આ સંશોધનો ઉપરથી એવું ફલિત થયું હતું કે, ત્યાં જાતીયતા પ્રત્યે સમાજનું વલણ બદલાવા છતાં જાતીય જ્ઞાનનો અભાવ અને અજ્ઞાનના પ્રભાવને કારણે કામ-સમસ્યાઓ વધતી જતી હતી, એટલે જ એંસીના દાયકામાં ત્યાં જાતીય શિક્ષણ આપવાનું શરૂ કરાયું હતું.

(૩) હૃષ્ટપુષ્ટ પહેલવાનો દારાસિંગ, કિંગકોંગ કે સુમો પહેલવાન જ સારી કામશક્તિ ધરાવી શકે એ માન્યતા ભૂલભરેલી છે. હકીકતમાં જાતીય સંતોષ સ્ત્રી-પુરુષ વચ્ચે આત્મીયતા અને પ્રેમભાવ, કલાત્મક પૂર્વક્રીડા અને સમાગમના આસનોના વૈવિધ્યથી આવે છે. એ સત્ય વૈજ્ઞાનિક રીતે પુરવાર થઇ ચૂક્યું છે કે વજનદાર શરીર કામક્રીડામાં કેટલીક વાર અવરોધરૂપ બને છે.

તને બધા બાબો કહે છે એટલે તારે લઘુતાગ્રંથી અનુભવવાની સહેજ પણ જરૂર નથી. જ્યાં સુધી તારી ઊંચાઈ વધારવાનો સવાલ છે, તે વિષે હું કહું કે, જીમખાના કે હેલ્થ ક્લબમાં જઈને તારે વિવિધ કસરતો કરવી હોય તો મને વાંધો નથી. પરંતુ, ઉંચાઈ વારસાગત હોય છે અને કામશક્તિ માટે વધારે ઉંચાઈ જરૂરી નથી.

 તેવી જ રીતે વજન વધારવા માટે તુ કસરત કરી શકે. ભૂખ ઉઘડે અને ખાધેલું પચે તેવી દવાઓ લઇ શકે. ચરબી વધારવાથી તારી કામશક્તિ નહીં વધે. એટલે કામશક્તિ વધારવા માટે વજન વધારવાની કે ભૂખ ઉઘાડવાની દવાઓ લેવાની હું સલાહ નથી આપતો. તું તારા પુરુષત્વ વિશેની ભ્રામક ચિંતાઓ છોડી દે એ જ જરૂરી છે.

કેટલીક સ્ત્રીઓને પણ તંદુરસ્ત પતિની ખોટી ઘેલછા હોય છે

પ્રશ્ન : હું બાવીસ વર્ષની યુવતી છું. મારાં લગ્નને બે વર્ષ થયાં છે. મારી પહેલાં સમસ્યા એ છે કે, મારા પતિ સાવ દૂબળા-પાતળા અને ઠીંગણા છે, એટલે મને તેમના તરફ શરૂઆતથી જ કોઈ આકર્ષણ નથી. જ્યારે મારા પતિના ઊંચા મોટા મિત્રોને જોઇને મને ખૂબ જ આકર્ષણ થાય છે. મારા પતિથી મને સહેજ પણ સંતોષ નથી. તેમની સાથે સહશયનમાં મને કોઈ જ આનંદ આવતો નથી. મારી બીજી સમસ્યા એ છે કે, હું પણ સાવ દૂબળી-પાતળી સોટા જેવી છું. મારા અંગો ભરાવદાર બને તેવી દવા બતાવો.

ઉત્તર : વાચકોને જણાવવાનું કે, આ બહેને પુરુષ કોને કહેવાય એવું વર્ણવતાં બે નાનાં કાવ્યો પણ મોકલાવ્યાં છે, જે તેમને તેમના નામ સાથે પ્રદર્શિત કરવાની ઈચ્છા દર્શાવી છે. પરંતુ, એ કાવ્યોમાં ભ્રામક માન્યતા સિવાય બીજું કશું જ નથી.

પ્રશ્ન પૂછનાર બહેનને પોતાના પતિથી સંતોષ નથી. કારણ તેમને પતિનો દૂબળો-પાતળો દેહ પસંદ નથી. આ બહેન ભ્રામક ખ્યાલોને કારને પોતાની દૂબળી-પાતળી કાયાને નાનપણથી ધિક્કારતાં હશે. એટલે જ એમને પુરુષ કેવો હોવો જોઈએ તે વિશે એક ચોક્કસ ખ્યાલ બાંધી રાખ્યો છે અને એ વિશે કાવ્યો પણ રચ્યાં છે. 

Dissatisfaction from husband

પોતાના નિર્બળ શરીરને ધુત્કારતાં એ બહેનને તેમના અનુરૂપ દૂબળો પાતળો પતિ મળ્યો તેને પણ શરૂથી જ તેઓ ધિક્કારે છે.

તેમના પતિ તરફ તેમને કોઈ આકર્ષણ નથી, પ્રેમ નથી અને માનસન્માન પણ નથી.

પતિ પ્રત્યે પ્રેમભાવ અને આદરભાવ ન હોય પછી તેની સાથે કામક્રીડામાં મન પણ કેટલું લાગે ? અને જો મન બરાબર ણ લાગે તો પછી જાતીય આનંદ કે સંતોષ પણ કઈ રીતે મળે ?

આ બહેનને તેમના પતિના હૃષ્ટપુષ્ટ મિત્રોને જોઇને આકર્ષણ થાય છે. કારણ પોતાનામાં રહેલી ખામી અને અધૂરપની ભાવના આ પુરુષો દ્વારા પુરાતી હોય એવું એમને લાગે છે. એટલે જ આવા પુરુષોને યોગ્ય થવા આ બહેન તેમનું શરીર હૃષ્ટપુષ્ટ થાય એવી દવા લેવા ઈચ્છે છે.

 બહેન, તમને મારી સલાહ છે કે, તમારા કામશક્તિ વિશેનાં ખોટા ખ્યાલને ફગાવી દઈ તમારા એકવડીયા શરીરને ચાહો. એને આદરભાવ સાથે જુઓ. એટલે તમારા પતિ પર પણ તમને આદર આવશે. પ્રેમભાવ ઉપજશે. જાતીય આનંદ મેળવવાની પૂર્વશરત એ છે કે, સામેના પાત્રની વિશિષ્ટતાઓ અને નબળાઈઓ સાથે તમે એને ચાહો, એનો પૂર્ણ રૂપથી સ્વીકાર કરો. જો આવું કરશો તો તમારે કોઈ દવાની જરૂર નહીં પડે. કારણ સેક્સ માટે શરીર નહિ પણ મન મજબૂત જોઈએ.

સેક્સ એ લાગણીની અભિવ્યક્તિ છે, શારીરિક તાકાતનું પ્રદર્શન નહીં

emotional expression

પ્રશ્ન : હું પચીસ વર્ષનો યુવાન છું. દોઢ મહિના પછી મારાં લગ્ન થવાનાં છે. આમ તો મને કોઈ જ તકલીફ નથી. પરંતુ, શરીર તંદુરસ્ત બને અને કામશક્તિ વધે એવો ઉપાય બતાવો. મારે આઠથી દસ કિલો વજન વધારવાની જરૂર હોય એવું લાગે છે.

ઉત્તર : દોઢ મહિના પછી તું લગ્ન કરવા જવાનો છે કે “એલાને જંગ” છેડવા ? પ્રથમ રાત્રીએ પત્ની સાથે તારે સહશયન કરવાની પ્રક્રિયા પુંચ-રાજૌરી સરહદ ઉપર પાકિસ્તાનનાં દળો સાથે યુદ્ધમાં ઉતારવાને સમકક્ષ પ્રક્રિયા નથી.

પ્રેમ એ આંદોલન છે અને સેક્સ એ આક્રમણ છે. આ વાત સાચી પણ આ આંદોલન પ્રેમનું છે. અને આક્રમણ લાગણીનું છે, પ્રેમ અને સેક્સ એ લાગણીની અભિવ્યક્તિ છે. તાકાતનું પ્રદર્શન નથી. તારી ભાવિ પત્ની માટે મનમાં પ્રેમનાં આંદોલન જગાવ. એની સાથે માનસિક ઐકય કઈ રીતે સધાય તે સમજવાની કોશિશ કર. સુખી દાંપત્ય માટે તમે એકબીજાના નિકટતમ મિત્રો કઈ રીતે બની શકો તે દિશામાં વિચાર કર. આમ કરવાથી તારી કામશક્તિ વધશે. સેક્સ પાવર વધારવા માટે તારે શરીર ખડતલ બનાવવાની કે વજન વધારવાની જરૂર નથી, કારણ સેક્સ માટે તન નહીં પણ મન મજબૂત જોઈએ.

જાડી સ્ત્રીને પાતળો પુરુષ કામસુખ આપી શકે ?

પ્રશ્ન : જાડી સ્ત્રી અને પાતળો પુરુષ તથા પાતળી સ્ત્રી અને જાડો પુરુષ એકબીજાને સંતોષ આપી શકે ખરાં ?

ઉત્તર : હા….. શારીરિક રીતે વિષમતા ધરાવતું યુગલ જો એકબીજાને બરાબર ચાહતું હોય તો બનેયને જાતીય સંતોષ મળી શેક. શરીરનો બાંધો જાતીય સંતોષ માટે અવરોધરૂપ ન બની શકે.

પત્નીની ઊંચાઈને કામ્તૃપ્તી સાથે સંબંધ નથી

પ્રશ્ન : પતિ-પત્નીની ઊંચાઈમાં કેટલો તફાવત સેકસના આનંદની દ્રષ્ટિએ જરૂરી છે ? મારે એક યુવતી સાથે નાનપણથી પ્રેમ થયો છે. પરંતુ, તે મારા કરતાં બે ઇંચ ઊંચી છે. શું મારી પ્રેમિકાની વધારે ઉંચાઈ જાતીય આનંદમાં અવરોધરૂપ બને ? અમારે લગ્ન કરવાં જોઈએ ?

ઉત્તર : તમારે જરૂર લગ્ન કરવા જોઈએ. સ્ત્રી કરતાં પુરુષ ઉંચો હોવો જોઈએ, તેવા ખ્યાલ પાછળ સેકસનાં નહીં પણ મનોવિજ્ઞાનના કારણો જવાબદાર છે. ઉંચો પુરુષ સહેલાઈથી સ્ત્રી ઉપર આધિપત્ય જમાવી શકે અને સ્ત્રી સાથેના વર્તાવમાં પણ તેનો આત્મવિશ્વાસ પણ પૂરેપૂરો રહે. તમે બંને એકબીજાને નાનપણથી ચાહો છો. એટલે આવી ગ્રંથીઓથી પર છો. સ્ત્રીની વધારે ઉંચાઈ કામક્રીડા માટે કે સમાગમના આનંદ માટે અવરોધરૂપ નથી.