ફરિયાદ કરવાનું બંધ કરો

stop complaining

બીજાઓ જ્યારે પોતાની મુશ્કેલીઓના રોદણાં રડતા હોય ત્યારે તમે તમારાં રોદણાં ન રૂઓ. પણ તમારા જીવનની સારી બાજુ પર તમારૂં ધ્યાન કેન્દ્રિત કરે!

જ્યારે કોઈ વ્યક્તિ તેના પ્રોબ્લેમ્સની રેકોર્ડ તમારી આગળ વગાડયા કરે ત્યારે તમારો મૂડ બગડી જાય છે. કારણ બીજા ફરિયાદ કરનારાઓ સિવાય ફરિયાદ કરનાર વ્યક્તિ સાથે સમય ગાળવા કોઈ ઈચ્છતું નથી.

વાસ્તવમાં ક્યારેકને ક્યારેક કોઈકને કોઈક પ્રકારની ફરિયાદો કરતા રહેવાની આદત મોટાભાગના લોકોને હોય છે. તમને જો એમ લાગતું હોય કે તમે કદાચ વધુ પડતી ફરિયાદ કરો છો તો તમારે તમારી આ ટેવ વિશે તમારા મિત્રો, સગાસંબંધી કે સહકાર્યકરને પૂછવું જોઈએ. અને સતત ફરિયાદો કરવાનું બંધ કરવું જોઈએ.

તમે જો તમારો કોઈક પ્રોબ્લેમ ઉકેલવા કોઈની સાથે ચર્ચા કરો તે એ ફરિયાદ નથી. આ એક સાહજિક આદત છે. તમે તમારા સ્નેહીજન જોડે તમારા જીવનના સારા માઠા અનુભવોની વાત કરતા હોવ તો પણ એ ફરિયાદ નથી.

અહીં એક વાત હંમેશા યાદ રાખો કે તમારા દુઃખ દર્દ સાંભળ્યા કરવામાં કોઈને રસ નથી.

ઘણાં લોકોને ગમે તેની સાથે પોતાની બીમારીની વાતો કરવાની આદત હોય છે.

દાખલા તરીકે:

”આ પીઠના દુઃખાવાથી તો હું ત્રાસી ગયો છું.”

”મારૂં માથું કાયમ દુઃખે છે. કોઈની પાસે એનો ઇલાજ જ નથી.”

કેટલાક તો વળી ખૂબ ઉંડાણમાં જઈ પોતાની બીમારીનું વિગતવાર વર્ણન કરે છે, જાણે કોઈ વૈશ્વિક આપત્તિ હોય.

આવી ફરિયાદો કરવાથી લોકોની સહાનુભૂતિ કાયમ મળતી નથી. લોકોને તમારી વાત પર કંટાળો આવે છે. ફરિયાદો કરવાથી ફરિયાદ કરનારને જ નુકશાન જાય છે. લોકો તેમનાથી દૂર ભાગે છે.

Stop complaining ફરિયાદ કરવાનું બંધ કરો

કારણ તમને માથું દુઃખતું હોય તો કોઈ શું કરી શકે ? થોડી સહાનુભૂતિ વ્યક્ત કરી શકે કે કોઈ ડૉક્ટરને બતાવવાનું અને ટેસ્ટ કરાવી દવા લેવાનું સૂચવી શકે. આવું કરવું કે કેમ તે તો તમારે નક્કી કરવાનું છે. તો પછી આવું લોકોને કહ્યા કરવાથી શું ફાયદો ? કોઈને કહેવાથી તમારી સમસ્યા તો ઉકેલાતી નથી. ઉલટું લોકોને વારંવાર કહી તમારૂં દુઃખ વાગોળશો તો તે વધારે ઘેરું બનશે, તમારા ચિત્તનું કેન્દ્ર બની જશે. તમે વધારે નબળા પડતા જશો અને લોકોનો મૂડ પણ બગાડશો.

તમારી બીમારીના રોદણાં એવા લોકો જ સાંભળશે જેમને પોતાના રોદણાં રડવાની આદત હોય. આવા લોકો તમારી ફરિયાદ અધવચ્ચેથી કાપી નાંખી પોતાના રોદણાં રડવા લાગશે અને તેમની બીમારી તમારી બીમારીથી ક્યાંય ગંભીર છે એવું પુરવાર કરવા પ્રયાસ કરશે. એક ઉદાહરણ આપું છું.

Stop Complaining

હરેશભાઈએ તેમના એક સહકાર્યકરને પોતાને થયેલ કોવિડ અને ભોગવેલી યાતનાની વાત શરૂ કરી કે તરત જ સહકાર્યકરે તેમની વાત વચ્ચેથી કાપી નાંખી કહ્યું.

”તમને તો કંઈ વધારે નહોતું. મને તો ૧૦૪ં તાવ હતો. ઓક્સીજન સેચ્યુરેશન ૭૦ ટકા હતું અને હું જાતે કાર ચલાવી હોસ્પીટલ પહોંચી ગયેલો. અઠવાડીયું ઈન્ટેન્સીવ કેરમાં રહ્યો હતો…”

તમે કોઈને તમારી બીમારીની વાત શરૂ કરો કે સામેવાળો પોતાની દુઃખભરી દાસ્તાન શરૂ કરી દેશે. ફરિયાદ કરનારાઓ પોતાનું દુઃખ મોટું એ સાબિત કરવાની રમતના ચેમ્પીયન હોય છે.

ફરિયાદનો બીજો હોટ ફેવરીટ વિષય છે હવામાન વરસાદ પડવાનો જેવો શરૂ થાય કે કેટલાક લોકો કહેવા માંડશે, ”અરે… આ વરસાદને અત્યારે જ મૂહુર્ત આવ્યું ?” મારે મારા કલાયન્ટસ સાથે મહત્વની મીટીંગ છે.

તો કોઈ વળી ઉનાળામાં ફરિયાદ કરશે – ”અરે… આ ગરમીએ તો ભારે કરી. હું તો એટલો ત્રાસી ગયો છું કે મારે અમદાવાદમાં રહેવું જ નથી.”

હકીકતમાં વરસાદ, ગરમી કે ઠંડી એ ઋતુચક્રનો ભાગ છે. તેનાથી બચવાના રસ્તાઓ પણ છે. તો ફરિયાદ શા માટે ? શું ફરિયાદ કરવાથી હવામાન બદલાવાનું છે ? જેના પર આપણો કાબુ નથી તેના વિશે શબ્દો અને શક્તિનો બગાડ કરવાનો કોઈ અર્થ ખરો ?

કેટલાક લોકો સાવ નજીવી બાબતમાં ફરિયાદ કરે છે. જેમકે ‘રેલ્વે રીઝર્વેશનની લાઇન તો બહુ લાંબી.’ ”રવિવારે હોટેલમાં જમવા જાવ તો વેઈટર્સ લાંબા સમય સુધી ફરકતા જ નથી.”

મનુષ્યના જીવનમાં એવા પડકારો આવતા હોય છે કે આવી નાની નાની બાબતોને લક્ષ્યમાં પણ ન લઈ શકાય. જો તમે નાની અને બિનજરૂરી બાબતને મહત્વ આપો છો ત્યારે તમારા વિશે એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે જ્યારે તમને ખરેખરો પ્રોબ્લેમ આવશે ત્યારે તમે એનો ઉકેલ લાવવા ભાગ્યે જ કંઈક કરી શકશો.

એવા સંખ્યાબંધ લોકો છે જેમની પાસે ફરિયાદ કરવા માટે અસંખ્ય કારણો હોય છે છતાં તેમનું એટીટયુડ પોઝીટીવ હોય છે. તેઓ હંમેશાં સ્મિત રેલાવતા અને ઉત્સાહીત જ જણાય છે.

કોવિડ મહામારીમાં એક એવા સીનીયર સીટીઝન મળ્યા કે જેમને તેમના પત્ની અને એકના એક પુત્રને કોવિડમાં ગુમાવેલા. મને મળ્યા ત્યારે તેમના દુઃખની વાત મને કરી. ફરિયાદ કરવા માટે તેમની પાસે ઘણાં કારણો હતાં. તેઓ પોતે પણ લોન્ગ કોવિડની માઠી અસરથી પીડીત હતા. તેમની તકલીફના રોદણાં રડવાને બદલે તેમને તેની દવા કરાવવાનું નક્કી કર્યું. બરાબર એક મહીના પછી તે મને મળ્યા ત્યારે સ્મિત રેલાવતા હતા. તેઓ ઘણા ઉત્સાહીત દેખાયા. તેમને લોકોને કોવિડની રસી લેવા પ્રેરિત કરવાનું મોટું કામ ઉપાડી લીધું હતું. બધું જ ગુમાવીને જીવનની નવેસરથી શરૂઆત કરવી એ કેટલો મોટો પડકાર છે એ મને ત્યારે સમજાયું.

ફરિયાદ કરનારાઓ તેમના પ્રોબ્લેમ્સને મેગ્નીફાઈંગ ગ્લાસથી જુએ છે. જ્યારે હકારાત્મક મનોવલણ વાળા માણસો મુશ્કેલીના રોદણાં રડવાને બદલે પોતાના જીવનની સારી બાજુઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. મુશ્કેલીને પંપાળવાથી કે વાગોળવાથી તે ઘણી મોટી થાય છે. ફરિયાદો કરી પોતાની દયા ખાનાર વ્યક્તિ પોતાના જ સુખમાં ગાબડાં પાડે છે.

મોટી વૈશ્વિક આફતોમાંથી બચીને ફરિયાદ ન કરનાર લાખ્ખો લોકો છે. તમે જ્યાં છો, જે જગ્યાએ છો, તમારી પાસે જે કંઈ છે તેને માટે ફરિયાદ કરવાને બદલે ઈશ્વરનો આભાર માનો અને નીચે મુજબના વાક્યોનું ઉચ્ચારણ કરો.

‘હું તંદુરસ્ત છું.’

‘મારી પત્ની/પતિની તબીયત સારી છે.’

‘મારી પાસે ખાવા માટે પૂરતો ખોરાક અને પીવા માટે પૂરતું ચોખ્ખું પાણી છે.’

‘હું સ્વતંત્ર ભારતમાં રહેતો સ્વતંત્ર નાગરિક છું.’

‘મને મારા કામ પ્રત્યે લગાવ છે.’

‘હું મળવા જેવા માણસોને મળી શકું છું.’

‘મારા સારા મિત્રો છે.’

‘મારૂં કુટુંબ, સ્નેહીજન પ્રેમાળ છે.’

‘ઈશ્વરે મને ઘણું આપ્યું છે.’

‘લોકોનું કલ્યાણ થાય એ જ મારી ભાવના છે.’

‘લોકો પાસેથી ઘણું લીધું. હવે કંઈક પાછું આપવું છે.’

તમારા જીવનમાં તમને મળેલ આશીર્વાદોનું આ એક નાનું લીસ્ટ છે. તમે એમાં ઘણી બાબતો ઉમેરી શકો છો.

શું તમારા ધ્યાનમાં આ બાબતો નથી આવી ? તો આજથી જ એના પર ધ્યાન આપો. તમારી પાસે જે નથી એની ફરિયાદો કરવાને બદલે એક કાગળ અને પેન લઈ આવા મુદ્દાઓનું લીસ્ટ બનાવો.

હું એવું પણ કહેવા નથી માંગતો કે તમે જીવનના પ્રોબ્લેમ્સની અવગણના કરી બેસી રહો કે શાહમૃગ વૃત્તિ અપનાવો. પરંતુ ફરિયાદ કરવા કરતાં તમારી શક્તિ અને તમારૂં ધ્યાન એવી બાબતો પર કેન્દ્રીત કરો જે તમારી સમસ્યા ઉકેલી શકે.

ફરિયાદો એટલે કે તમારા પ્રોબ્લેમ્સના નેગેટીવ ન્યુઝ સાંભળવા કોઈને ગમતા નથી. ફરિયાદો કરવાથી તમારૂં દુઃખ વધારે ઘેરું બનશે. ફરિયાદો કરવાથી કંઈ જ મળવાનું નથી. ફરિયાદો સમસ્યાના ઉકેલ પર તમારૂં ધ્યાન કેન્દ્રિત કરવા દેતી નથી.

ફરિયાદો ન કરીએ. ઉત્સાહ વધે તેવી પોઝીટીવ વાતો કરીએ. જે લોકો ફરિયાદો નથી કરતા પણ પોઝીટીવ વાતો કરે છે તેમની કંપની બધાને ગમે છે.

ન્યુરોગ્રાફ

નેવું ટકા લોકોને તમારા પ્રોબ્લેમ્સની કોઈ પરવા હોતી નથી. બાકીના દસ ટકા લોકો એનાથી ખુશ થાય છે. આજથી જ ફરિયાદો કરવાનું બંધ કરો.