સેલ્ફ-ઈમેજ : તમારો જાની દોસ્ત કે કટ્ટર શત્રુ બની શકે છે

સેલ્ફ-ઈમેજ

સેલ્ફ-ઈમેજ : તમારો જાની દોસ્ત કે કટ્ટર શત્રુ બની શકે છે

તમારા પોતાના વિશે તમે કેવી માન્યતા ધરાવો છો ? તમારું મૂલ્ય તમે કેટલું આંકો છો ?

યાદ રાખો ! તમારી ખોપડીમાં તમારા વિશે જે અભિપ્રાયો તમે ભર્યા છે, એ સાચા હોય કે ખોટા, પણ જાણે – અજાણ્યે તમે એને પુષ્ટિ આપતું વર્તન જીવનભર કરતાં રહો છો.

તમે તમારું જ મૂલ્ય નક્કી કરો છો પછી એને અનુરૂપ કાર્ય તમે કરતા રહો છો. મારી વાત સમજાવવા હું તમને બે ઉદાહરણ આપું છું.

પહેલા એક યુવાનની વાત છે જેની માતા “ડોમિનેટિંગ” સ્ત્રી હતી. પુત્ર તરફ રૂક્ષ, કર્કશ અને ટીકાત્મક વ્યવહાર રાખતી માતાનો પ્રેમ એ યુવાનને ક્યારેય મળ્યો ન હતો. પિતાનું છત્ર તો એણે જન્મ પહેલા જ ગુમાવ્યું હતું. એટલે જ માતા તેણે પિતાનો “ખૂની” , “મર્ડરર” કહેતી હતી.

        માતાની હિસ્ટ્રી પણ અનોખી હતી. તેણે ત્રણવાર લગ્ન કર્યા હતા. તેણીના બીજા પતિએ તો તેના વારંવારના ઢોરમારથી બચવા તેને છૂટાછેડા આપ્યા હતા. પોતાની આજીવિકા માટે સતત કામ કરતી થાકેલી, કંટાળેલી અને કર્કશ માતા તેને “યુ બાસ્ટર્ડ મર્ડરર” કહીને જ નાનપણથી બોલાવતી.

માતા તરફથી પ્રેમ, હૂંફ, સંસ્કાર, શિસ્ત કે બીજી કોઈ પ્રકારની તાલીમ તેને ક્યારેય મળી ન હતી. માતા તથા અન્ય બાળકોથી સતત તિરસ્કૃત થવાને કારણે તે એકલો અટૂલો પડી ગયો હતો.

  • ‘યુ મર્ડરર’ એ શબ્દો નાનપણથી ઓસવાલ્ડે માતાના મુખેથી સાંભળ્યા હતા.

        શાળામાં તે કદરૂપો, મનહૂસ, કુસંસ્કારી અને ગરીબ છોકરા તરીકે કુખ્યાત હતો અને સતત ધિક્કારને પાત્ર રહેતો હતો. તેર વર્ષની ઉંમરે તેની સ્કૂલના મનોચિકિત્સકે તેના વિશે અભિપ્રાય આપતાં જણાવ્યું હતું કે તેને “પ્રેમ” શબ્દની કોઈ સમજ નથી, તેનો અર્થ સુધ્ધાં ખબર નથી. તેના મનમાં એક જ શબ્દ ભરાયેલો છે., “મર્ડરર”. તે દુનિયાથી એટલો ઘવાયેલો છે કે તેનું ચાલે તો બધાંને ખતમ કરી નાખે.

તેની બુદ્ધિશક્તિ પ્રબળ હતી, તેનો આઈ.ક્યુ. ઘણો ઉંચો હતો, છતાં પણ એ સ્કૂલમાં વારંવાર ફેલ થતો હતો. હાઈસ્કૂલના ત્રીજા વર્ષમાં એણે અભ્યાસ છોડી દીધો.

        એ નેવીમાં સૈનિક તરીકે દાખલ થયો, પરંતુ ઓથોરીટીઝ સામે તેણે વિદ્રોહ કર્યો તેથી તેને કોર્ટમાર્શલ કરી રૂખસદ આપવામાં આવી. તે ઘાતકી મર્ડરર ગણાયો.

        તેણે જે સ્ત્રી સાથે લગ્ન કર્યા તે પણ પોતાની માતાનું ગેરકાનૂની સંતાન હતી. તે પતિ સાથે વારંવાર ઝઘડતી, તેને ઢોરમાર મારતી. બાયલો-નામર્દ-નકામો-માથે પડેલો કહી ઉતારી પાડતી. ક્યારેક બાથરૂમમાં પૂરી દેતી તો ક્યારેક લાત મારી કાઢી મૂકતી.

        દર વખતે તે ઘૂંટણીયે પડી આજીજીભરી એક વધુ… એક છેલ્લી તક આપવા વિનંતી કરતો.

        તેની પત્ની તેની નિષ્ફળતા બદલ તેની જાહેરમાં હાંસી ઉડાડતી. તેના મિત્રો આગળ તેની નપુંસકતાબી વાતો કરી તેની ઠેકડી ઉડાડતી. ગુસ્સામાં એના વિશે કહેતી :

        “ધીઝ ઈમ્પોટન્ટ મેન હેઝ કીલ્ડ માય વુમનહૂડ…” “આ નામર્દ… મારા સ્ત્રીત્વનો ખૂની છે.”

        આ પ્રકારના વારંવારના ઘોર તિરસ્કાર પછી અને તમામ લોકો દ્વારા હાંકી કઢાયા પછી એ લાગણીશૂન્ય બની જતો. તેના પોતાના વિશે એક જ શબ્દોના ભણકારા તેને સંભળાતા.

        “મર્ડરર…” “આઈ એમ મર્ડરર…” “હા… હું એક ખૂની છું.”

        અને…

        ૨૨ નવે. ૧૯૬૩ના રોજ એ પુરુષે પોતાની મર્દાગની, હિંમત, તાકાત સમગ્ર વિશ્વને બતાડી આપી.

  • પ્રેસિડેન્ટ કેનેડીનો ખૂની નબળી અને અકારાત્મ્ક ‘સેલ્ફ-ઈમેજ’ નો શિકાર હતો.

        અભેદ્ય સુરક્ષાકવચ વચ્ચે એને પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડી પર ગોળીઓ ચલાવી તેમની હત્યા કરી અને કહ્યું,

        “હું નામર્દ નથી, પણ મારી સાથે થયેલ દુર્વ્યવહારનો બદલો લેવાની મારામાં તાકાત છે. મારી મર્દાનગી છાપાના મથાળા બની ચમકશે. હા, હું નકામો નથી. માર ખાઈને બેસી રહેનારામાંનો નથી. હું શું કરી શકવા સક્ષમ છું એ મેં બતાવી આપ્યું છે. લોકોએ મારું ખૂન કર્યું છે તો હું પણ એક ખૂની છું. “I have killed none other than President of USA !!”

        હા એનું નામ છે, ‘લી હાર્વે ઓસવાલ્ડ.’

        ઓસવાલ્ડ નબળી સેલ્ફ-ઈમેજ ધરાવતો હતો.

 

 

Self-image

જીવલેણ શારીરિક અને ભયાનક માનસિક બિમારી છતાં રૂઝવેલ્ટ અમેરિકાના પ્રમુખ બની શક્યા.

        બીજું ઉદાહરણ છે ખ્યાતનામ કુટુંબમાં જન્મેલા અને મજબૂત મનોબળ ધરાવતી પ્રેમાળ માતાની હૂંફમાં ઉછરેલા એક એવી વ્યક્તિની જેને નાનપણથી જ એવું કહેવામાં આવ્યું હતું કે, ‘તું યુ.એસ. પ્રેસિડેન્ટ થવા જન્મ્યો છે.’

        એનો પિતરાઈ ભાઈ એનો રોલ મોડેલ હતો. જે એક ખ્યાતનામ સફળ અને સિદ્ધિના શિખરે પહોંચેલો આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી હતો.

        આકર્ષક, સ્માર્ટ, સંસ્કારી અને સુશિક્ષિત એવો એ યુવાન મિત્રોમાં પણ “પ્રેસિડેન્ટ”ના હુલામણા નામે જાણીતો હતો. નાની વયે એ યુવાન રાજકારણમાં ઝળક્યો. નાની ઉંમરમાં સફળતાની ટોચે પહોંચ્યા પછી તે એક જીવલેણ બીમારીનો શિકાર થયો જેમાં સામાન્ય માણસ માનસિક અને લાગણીની રીતે સાવ અપંગ થઇ જાય.

  • ખ્યાતનામ કુટુંબમાં જન્મેલા અને મજબૂત મનોબળ ધરાવતી પ્રેમાળ માતાની હૂંફમાં ઉછરેલા એક વ્યક્તિને નાનપણથી કહેવામાં આવતું કે, “તું યુ.એસ. પ્રેસિડેન્ટ થવાજ જનમ્યો છે.”

        પરંતુ એ મનથી તૂટ્યો નહીં. જો કે ત્યારબાદ થયેલી માનસિક બીમારીને કારણે લોસએન્જેલસ ટાઈમ્સે તેને ‘પાગલ’ કહ્યો, પરંતુ તે આ બીમારીમાંથી બેઠો થયો. કારણ એ બધાને એમ જ કહેતો કે “મારો જન્મ યુ.એસ. પ્રેસિડેન્ટ થવા માટે જ થયો છે.”

        કઠીન સંજોગો, વિવાદની આંધી અને તેની માનસિક સ્થિરતા સામેના પ્રશ્નાર્થ છતાં તે યુ.એસ. પ્રેસિડેન્ટ બન્યો. ભયંકર આર્થિક મંદી અને યુદ્ધના કપરા કાળમાં એણે યુ.એસ. ને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું. એનું નામ હતું ફ્રેન્કલીન રૂઝવેલ્ટ.

        ઓસવાલ્ડ ના મનમાં પોતે ખૂની છે એવી માન્યતા હતી. જ્યારે રૂઝવેલ્ટ પોતે યુ.એસ. પ્રેસિડેન્ટ થવાને લાયક છે એવી તંદુરસ્ત સેલ્ફ-ઈમેજ ધરાવતા હતા. આ બે કિસ્સા સેલ્ફ-ઈમેજની તંદુરસ્તી અને નિર્બળતાના દોન ધ્રુવ જેવા કિસ્સાઓ છે. આ બે અંતિમોની વચ્ચે આપણે બધા સેલ્ફ-ઈમેજ ધરાવીએ છીએ. તમે ઓસવાલ્ડથી રૂઝવેલ્ટ તરફ ભ્રમણ કરી શકો છો.

        યાદ રાખો તમારો જન્મ ગમે ત્યાં થયો હોય, તમે ગોરા હોવ કે કાળા, ગરીબ હોવ કે તવંગર, લાંબા હોવ કે ટૂંકા, ભણેલા હોવ કે અભણ એના કરતાં વધારે મહત્વ છે તમે કેવી સેલ્ફ-ઈમેજ ધરાવો છો. એટલે કે તમને તમારા પ્રત્યે કેવી લાગણી છે ?

        “સેલ્ફ-ઈમેજ” અર્થાત સ્વપ્રતિમા કે સેલ્ફી એટલે વ્યક્તિના પોતાના વિશેના પોતાના વિચારો, માન્યતાઓ, અભિપ્રાયો, સેલ્ફ-ઈમેજ એટલે વિશ્વના કેન્દ્રમાં તમે છો તેનું જ્ઞાન અને ભાન.

        આ જ્ઞાન એટલે તમારી ખૂબીઓ-નબળાઈઓ, ખામીઓ, શક્તિઓ, આવડતો-મર્યાદાઓ, સ્વપ્નાઓ-વાસ્તવિકતાઓનું પૂરેપૂરું ભાન.

        ઘણીવાર એવું બને છે કે બીજાઓના ગુણ-અવગુણની ચર્ચા આપણે એક વિશ્વલેષકની અદાથી કરીએ છીએ. પરંતુ આપણી જાતને ઓળખવાનો આપણી પાસે સમય નથી અથવા તો આપણી જાતને ઓળખવાથી આપણે દૂર ભાગીએ છીએ.

        સેલ્ફ-ઈમેજ એ તમારા મનનો એવો અવિભાજ્ય હિસ્સો છે જે હંમેશાં તમારી સાથે જ રહે છે. માણસના શરીરની સાથે તેનો પડછાયો રહે છે. તેવી જ રીતે મનની સાથે તેની સેલ્ફ-ઈમેજ રહે છે.

        સેલ્ફ-ઈમેજ તમારો જાની દોસ્ત કે કટ્ટર શત્રુ બની શકે છે. તંદુરસ્ત સેલ્ફ-ઈમેજવાળી વ્યક્તિ પોતાનું સાચું અને તટસ્થ મૂલ્યાંકન કરી શકે છે. પોતાની મર્યાદાઓને સ્વીકારી શકે છે અને સિદ્ધિ તરફ આગળ વધી શકે છે.

        તમારી જન્મજાત આવડત, બુદ્ધિશક્તિ અને ક્ષમતાનો મહત્તમ, ઉપયોગ કરવાની દોરવણી તમને તમારી સેલ્ફ-ઈમેજમાંથી મળે છે. 

તંદુરસ્ત સેલ્ફ-ઈમેજવાળી વ્યક્તિ પોતાની કુદરતી શક્તિનો મહત્તમ ઉપયોગ કરી સફળ થઇ શકે છે.

        સેલ્ફ-ઈમેજના ચાર પ્રકારો છે :

        ૧. નિર્બળ સેલ્ફ-ઈમેજ

        ૨. ભ્રામક સેલ્ફ-ઈમેજ

        ૩. તંદુરસ્ત કે સમતોલ સેલ્ફ-ઈમેજ

        ૪. આદર્શવાદી સેલ્ફ-ઈમેજ

૧. નબળી સેલ્ફ-ઈમેજ :

        આવી વ્યક્તિ પોતાની ક્ષમતાને હોય એના કરતા સાવ ઓછી આંકે છે. બીજાઓને મોટા માની લઇ તેમની મોટી મોટી વાતો કર્યા કરે છે અને તેમની સર્વોપરિતા સ્વીકારી લે છે. પોતાની માની લીધેલી નબળાઈઓને વાગોળ્યા કરે છે. ‘એ આપણું કામ નહીં’, ‘મને એવું ન ફાવે’ જેવી વાતો કરી આવી વ્યક્તિ પોતાની આવડત કે કલાનું પ્રદર્શન નહીં કરી શકે. દા.ત. હોશિયાર વિદ્યાર્થી નબળી સેલ્ફ-ઈમેજને કારણે ક્યારેય ગણિતના અઘરા દાખલા ગણવાનો પ્રયત્ન નહીં કરે. આવી વ્યક્તિ વાતવાતમાં વધારે પડતી બિનજરૂરી નમ્રતા દાખવશે. એકલો બેઠો-બેઠો પોતાના નખ કરડયા કરશે, શરમાયા કરશે અને હંમેશાં ‘નર્વસ’ થઇ જશે.

૨. ભ્રામક સેલ્ફ-ઈમેજ :

        આવી વ્યક્તિઓ પોતાની શક્તિઓનું વધારે પડતું મૂલ્યાંકન કરે છે અથવા તો ઝીરો મૂલ્યાંકન કરે છે. અર્થાત પોતાની શક્તિઓને ગણતરીમાં જ લેતી નથી. આવી વ્યક્તિ ‘સેલ્ફ-ઈમેજ’ના બન્ને ધ્રુવો વચ્ચે અટવાયેલી રહે છે.

        આવી વ્યક્તિઓ આત્મવિશ્વાસનો સંપૂર્ણ અભાવ અનુભવે છે, તે હંમેશાં ભયભીત રહે છે અને કંઈ સિદ્ધ કરી શકતા નથી. જ્યારે કેટલીક વાર વધુ પડતું મૂલ્યાંકન કરી ખોટો આત્મવિશ્વાસ અનુભવી વ્યક્તિ બેદરકાર અને બેજવાબદાર બની જાય છે. આપણે તો પરીક્ષાના છેલ્લા દિવસોમાં વાંચીએ તોપણ ફર્સ્ટ ક્લાસ આવી જાય એવું માની યોગ્ય તૈયારી વગર જ પરીક્ષા આપવાનો ખોટો આત્મવિશ્વાસ જગાવે છે.

૩. તંદુરસ્ત કે સમતોલ સેલ્ફ-ઈમેજ :

        આવી વ્યક્તિ પોતાનું સાચું મૂલ્યાંક કરે છે. પોતાની શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરી ધાર્યા પરિણામો લાવે છે. પોતાની મર્યાદાઓનો સ્વીકાર કરી ખોટી દિશામાં શક્તિઓ વેડફતો નથી કે ખોટી લાઈન પકડતો નથી. આવી વ્યક્તિઓ સફળતાના ઉન્નત શિખરો સર કરે છે.

૪. આદર્શવાદી સેલ્ફ-ઈમેજ :

        માત્ર ઉચ્ચ વિચારો કરવા, મોટી મોટી વાતો કરવી, ઉપદેશો આપવા પણ કશાનું આચરણ ન કરવું. ચાવવાના અને બતાવવામાં દાંત જુદા, બોલવું કંઈક અને કરવું કંઈક, દારૂબંધીનો પ્રચાર કરવો અને ઘેર આવી બે પેગ લગાવવા. આવી વ્યક્તિ આદર્શવાદી સેલ્ફ-ઈમેજ ધરાવે છે એમ કહેવાય.

        નબળી- સેલ્ફ-ઈમેજ તમારા વિચાર, માન્યતા, વાણી, વર્તન, વલણ, કાર્યક્ષમતા, વ્યક્તિત્વ તથા તમારા ભવિષ્ય પર વ્યાપક પ્રમાણમાં માઠી અસર કરે છે.

  ન્યૂરોગ્રાફ :-

તમે જે કંઈ કાર્ય કરો છો તે તમારી જાતની તમે પોતે આંકેલી કિંમતને અનુરૂપ કરો છો. જાતનું અવમૂલ્યાંકન ક્યારેક ઘાતક પરિણામ લાવી શકે છે.