જાતીય શિક્ષણ એ વિકૃતિ નહીં પણ સંસ્કૃતિ તરફ લઇ જતો રાજમાર્ગ છે

"પ્રેમ” અને “સેક્સ” એ એવા વિષયો છે જેના ઉપર પ્રાચીન – અર્વાચીન એમ દરકે કાળમાં, દરેક ધર્મ, ભાષા અને સાહિત્યમાં કંઈકનું કંઇક લખાયું છે.

આપણા દેશમાં એમ. ટી.વી.ની અસર હેઠળનો આધુનિક યુવાન અને એકવીસમી સદી તરફ હરણફાળ ભરી રહેલો આમ આદમી નાક-કાન ગળાના રોગ માટે ઈ.એન.ટી. સ્પેશિયાલિસ્ટ, આંખની તકલીફ માટે ઓપ્થેલ્મોલોજિસ્ટ, હૃદયના રોગો માટે કાર્ડિયોલોજિસ્ટ એમ ક્યા રોગ માટે કેવા સ્પેશિયાલિસ્ટ પાસે જવું તેવું જ્ઞાન ધરાવે છે. પરંતુ, સેક્સની તકલીફ માટે શું કરવું તે જાણતો નથી. મિત્રો સાથે એની ચર્ચા કરી શકતો નથી કે ફેમિલિ ડોક્ટરને પણ ખુલ્લા દિલે પોતાની પીડા જણાવી શકતો નથી. કારણ સેક્સ વિશે આપણી જ સંસ્કૃતિએ આપણને આપેલા જ્ઞાનના વારસાનો આપણે અભ્યાસ કરતાં નથી. આજના યુવાનને તેની મુગ્ધાવસ્થાની મૂંઝવણમાં વૈજ્ઞાનિક ઢબનું અધિકૃત જાતીય જ્ઞાન મળતું નથી. કારણ “સેક્સ”ની ચર્ચાને આપણે ગંદી, અભદ્ર અને વિકૃતિ માનીએ છીએ. પરંતુ હકીકત એ છે કે મ્રીણાલા વાત્સ્યાયનથી વર્જિનીયા જ્હોનસન સુધીના, ત્યાર પહેલાના અને પછીના પણ તમામ સેક્સ વિજ્ઞાનીઓ એક જ વાત કહે છે કે જાતીય શિક્ષણ આપવું એ વ્યક્તિને વિકૃત નહીં પણ સુસંસ્કૃત બનાવવાની દિશામાં પ્રથમ પગલું છે. જી હા….. જાતીય શિક્ષણની મહત્તા આપણા ધર્મે સ્વીકારેલી છે; આપણી સંસ્કૃતિએ પણ સ્વીકારેલી છે.

હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું છે. સૃષ્ટિનું સર્જન કર્યા પછી બ્રહ્માજીએ માનવજાતનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે “ધર્મ”, “અર્થ” અને “કામ”નાં નીતિ-નિયમો અને માર્ગદર્શક સિદ્ધાંતો સમજાવતા એક લાખ અધ્યાયો લખ્યા.

       બ્રહ્માજીએ ઘડેલા આ માર્ગદર્શક સિદ્ધાંતો પરથી સ્વયંભૂ મનુએ ધર્મના સિદ્ધાંતો જુદા તારવી તેનું પુનઃ આલેખન કર્યું.બૃહસ્પતિએ ‘અર્થ’ના સિદ્ધાંતોની ઊંડી સમાજ આપી જ્યારે ભગવાન શંકરના અનુયાયી નન્દીએ ‘કામ’ને લગતા સિદ્ધાંતો અને નીતિ-નિયમોની સમજ આપતા એક હજાર અધ્યાયો લખ્યા.

sex kamasutra

મહર્ષિ શ્વેતકેતુએ નંદીનાં જ સિદ્ધાંતોને ટૂંકાવી પાંચસો અધ્યાયનું આલેખન કર્યું. ત્યાર બાદ તેના જુદા જુદા ભાગોનું પુન:આલેખન થતું રહ્યું.

       આજથી સોળસો વર્ષ પહેલાં વાત્સ્યાયને આ બધા જ ગ્રંથોના સાહિત્યને સંકલિત કરીને કામસૂત્ર લખ્યું હતું. કામસૂત્રનો આ લેખક બનારસ હિન્દુ યુનિવર્સીટીનો તેજસ્વી વિદ્યાર્થી હતો અને આજીવન અપરણિત રહ્યો હતો. વાત્સ્યાયન એક પવિત્ર સંત પુરુષ હતો. એ કોઈ રોડ સાઈડ રોમિયો નહોયો કે ‘મેરી પેન્ટ ભી સેક્સી’ કહી અશ્લીલ ચેનચાળા સાથે કૂદકા મારતા ગોવિંદા જેવી ઈમેજ પણ ધરાવતો નહોતો. કારણ આજથી સોળસો વર્ષ પહેલાં જાતીય શિક્ષણ આપણી સંસ્કૃતિનો જ એક ભાગ હતું. પાઠશાળાઓમાં પણ આનું જ્ઞાન આપવું જરૂરી ગણાતું હતું.

sex indian culture

ભારતીય સંસ્કૃતિ ક્યારેય જાતીય શિક્ષણને વિકૃતિ માનતી નહોતી. આપણી સંસ્કૃતિમાં કામદેવને સ્વર્ગનાં સર્વોચ્ચ દેવતાઓમાં સ્થાન અપાયું છે. રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથોમાં પણ જાતીય સંબંધોના મહત્તવને સ્વીકારવામાં આવ્યું છે. 

આપણે ત્યાં ધર્મની સાથે જ કામની ચર્ચા કરવી ઉચિત મનાઈ છે. માત્ર ખજૂરાહો કે કોનાર્કની ગુફાઓમાં જ નહિ પરંતુ જગન્નાથપુરી, મીનાક્ષી મંદિર કે મોઢેરાના સૂર્યમંદિરમાં પણ કામ્ક્લાના શિલ્પો તમને જોવા મળશે. મહાકવિ કાલિદાસે કરેલું કૃષ્ણલીલાનું વર્ણન હોય કે ‘કુમાર સંભવ’માં પાર્વતીના દેહસૌદર્યનું વર્ણન કરેલું હોય, એમાં ક્યાંક કામ કે સેક્સને અભદ્ર, અસભ્ય કે અછૂત ગણવામાં આવેલ નથી.

       વાત્સ્યાયન પછીના સોળસો વર્ષમાં આપણે લગભગ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી. વિજ્ઞાન, કલા, સાહિત્ય, વેપાર અને વાણીજ્યમાં આપણે સમયાનુસાર આપણી માન્યતામાં ફેરફાર કરતાં ગયા. આપના જ્ઞાનમાં વૃદ્ધિ કરતાં ગયા, અજ્ઞાનના અંધકારને દૂર કરતાં ગયા. અવકાશમાં ઉપગ્રહોને તરતા મૂકી સૃષ્ટિનું સર્જન આપણી મરજી મુજબ કરવાની ચેષ્ટાઓ પણ કરતાં રહ્યા. આધુનિકતા તરફની આપણી આ આંધળી દોટમાં આપણે આપણા જીવનની કેટલીક પાયાની સમસ્યાઓની ઉપેક્ષા કરતાં ગયા, જેમાંની એક સેક્સ સમસ્યા છે.

વૈજ્ઞાનિકો કહે છે કે સેક્સ એ મનુષ્યની મૂળભૂત જૈવિક જરૂરીયાત છે. એટલે જ આવી જરૂરીયાત વિષે વૈજ્ઞાનિક સમજ કેળવવી આવશ્યક છે.

       મનોવૈજ્ઞાનિક સિગમંડ ફ્રોઈડે જુદી જુદી માનસિક બીમારીનાં મૂળ સેક્સ સમસ્યામાં છે એવું પ્રસ્થાપિત કર્યું છે. ઓશો રજનીશ અને મહાન તત્વચિંતક જે. કૃષ્ણમૂર્તિ પરણ્યા નહોતા છતાં પણ તેઓ સ્ત્રી અનુયાયીઓથી ઘેરાયેલા રહેતા અને સેક્સ ઉપર સારામાં સારું વક્તવ્ય આપી શકતા.

       પશ્ચિમના દેશોમાં ચાલીસ અને પચાસના દાયકામાં આલ્ફ્રેડ કીન્સેએ સેક્સ વિષે વિવિધ સંશોધનો કર્યા. સાઈઠ અને સિત્તેરના દાયકામાં ડૉ. વિલિયમ માસ્ટર્સ અને વર્જીનીયા જ્હોનસન નામના અમેરિકન યુગલે સમાગમની સમગ્ર ક્રીડાઓનો લેબોરેટરીમાં અભ્યાસ કર્યો અને સ્ત્રી-પુરુષના સમાગમની ક્રિયા વખતે શરીરમાં થતા વિવિધ જૈવિક તથા રાસાયણિક ફેરફારોની ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા વિડીયોગ્રાફીથી સંશોધનાત્મક અભ્યાસ કરી સેકસનાં વણઉકલ્યા રહસ્યોને ઉકેલવાની કોશિશ કરી. વર્જીનીયા જ્હોનસન અને વિલિયમ માસ્ટર્સને મોટાભાગની જાતીય સમસ્યાઓ અને વિકૃતીઓના મૂળ જાતીય અજ્ઞાનમાં દેખાયાં. અને તેમણે તરુણોને જાતીય શિક્ષણ આપવાની જોરદાર હિમાયત કરી.

માસ્ટર્સ અને વર્જીનીયા જ્હોનસન પછી પણ હેલન કેપ્લાવન, હેવલોક એલીસ, જ્હોન મની, જ્હોન બેન્કોફટ વગેરે સેક્સોલોજીસ્ટોએ જાતીય શિક્ષણને સભ્ય અને સુસંસ્કૃત સમાજની રચના માટે અનિવાર્ય ગણાવ્યું. સિત્તેરના દાયકાથી ડેન્માર્ક, સ્વીટ્ઝર્લેન્ડ, અમેરિકા વગેરે દેશોમાં શાળાઓમાં જાતીય શિક્ષણ આપવાનું શરૂ કરાયું છે. અમેરિકામાં તો જ્હોન મનીએ સંશોધનાત્મક અભ્યાસમાં જણાવ્યું છે કે જાતીય શિક્ષણ આપ્યા પછી અમેરિકામાં જાતે ગુનાઓ, કુંવારી માતાઓ અને જાતીય વિકૃતિનું પ્રમાણ ઘટ્યું છે.

       આપણા દેશમાં શાળા મહાશાળાઓમાં જાતીય શિક્ષણ આપવાની હિમાયત કરાઈ છે. પરંતુ તેનો અમલ કરવામાં સરકાર સો ગળણા ગાળીને પાણી પીવા માંગે છે.

       જોકે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરુને ઓગણીસો ત્રીસના દાયકામાં જાતીય શિક્ષણની જરૂરીયાત સમજાઈ હતી. તે જમાનાના જર્મનીનાં વિશ્વવિખ્યાત સેક્સોલોજીસ્ટ ડૉ. મેગ્નસ હર્શફીલ્ડને અલ્હાબાદના આનંદભવનમાં સ્વ. નહેરુજીએ નોતર્યા હતા અને સ્થાનિક લોકો સાથે તેમનો વાર્તાલાપ ગોઠવ્યો હતો. પરંતુ વડાપ્રધાન થયા પછી નહેરુજીથી રાજીવજી સુધીના બધાએ જાતીય શિક્ષણ આપવાના ખ્યાલને અભરાઈએ ચડાવી દીધો હતો. મનુષ્યને તેના આંખ, કાન, મોં, નાક, રુધિરભિસણ તંત્ર, પાચનતંત્ર વગેરેની રચના અને કાર્યપદ્ધતિની સમજ આપતું જ્ઞાન આપી શકાય તો પછી જનનાંગોની રચના અને કાર્યપદ્ધતિનું જ્ઞાન આપવું એમાં અશ્લીલતા કેવી ?

       છતાં પણ સેકસના શિક્ષણને અશ્લીલ ગણાવતા લોકોની વધુમતી ધરાવતા આપણા સમાજમાં જાતીય જ્ઞાનનો અભાવ તથા અજ્ઞાન, અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓનો પ્રભાવ વ્યાપક પ્રમાણમાં છે. સેક્સ વિષે સેંકડો જૂથ સમાજમાં ફેલાવાયેલા છે. સેક્સ વિશેની આ ખોટી માન્યતાઓને, જુઠ્ઠાણાઓને ઉઘાડાં પાડે એવી કોઈ વ્યવસ્થા કે સંગઠન ણ હોવાથી ખોટી માન્યતાઓને જ મજબૂત બનાવી, સ્વાભાવિક પરિસ્થિતિને ભયાનક રોગમાં ખપાવી સરેઆમ કહેવાતા સેક્સોલોજીસ્ટોની હાટડી અને હકીમખાનાઓમાં રોજના લાખો યુવાનો છેતરતા રહે છે, લૂંટાતા રહે છે.

સેક્સ વિશેનું અજ્ઞાન એટલું બધું વ્યાપક છે કે આપણા દેશના યુવાનોના પચાસ ટકાથી પણ વધારે યુવાનો એક યા બીજા પ્રકારની જાતીય સમસ્યાઓથી પીડાય છે. મુગ્ધાવસ્થામાં અનુભવાતી આવી મૂંઝવણોનો જો સમયસર ઉકેલ મળી જાય તો યુવાનોમાં બનતા આત્મહત્યાના, અપરિણીત રહેવાના, લગ્નભંગના, છૂટાછેડાના કિસ્સાઓ અટકાવી શકાય અને સંખ્યાબંધ માનસિક રોગો થતા મૂળમાંથી જ અટકાવી શકાય.

       મુગ્ધાવાસ્થામાં અબુભાવાતી આ મૂંઝવણો માત્ર આપણા દેશમાં જ નહી પણ વિદેશોમાં પણ એટલી બધી વ્યાપક છે. વિશ્વવિખ્યાત સેક્સોલોજીસ્ટ ડૉ. ડેવીડ રૂબેને તેમના સેંકડો દરદીઓના અભ્યાસ પછી માર્મિક કટાક્ષ કરતાં કહ્યું છે કે, “દયાળુ ઈશ્વર જો એકાએક ખુશ થઈને દુનિયાભરના પુરુષો માટે એક એવી સ્કીમ કાઢે કે જનનાંગોથી સંતોષ નહી તો પૈસા પાછા. તો દુનિયાભરના પચાસ ટકાથી વધારે પુરુષોની લાઈન લાગે. જનનાંગો બદલાવવા અથવા તો પૈસા પાછા મેળવવા.” કારણ જાતીય શિક્ષણનો અભાવ અને જાતીય અજ્ઞાનનો પ્રભાવ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ દરેક દિશાઓમાં છે.

       એટલે જ યુવા વાચકોની જાતીય જીવનને મૂંઝવતી સમસ્યાઓના મનોવૈજ્ઞાનિક અને સેક્સ-વૈજ્ઞાનિક ઉકેલ માટે આ પુસ્તક લખાયું છે.

       મુગ્ધાવસ્થામાં અનુભવાતી આ મૂંઝવણમાં મુગ્ધ-મુગ્ધાઓ, તરુણ-તરુણીઓ, યુવક-યુવતીઓ તો માર્ગદર્શન મેળવી જ શકાશે પરંતુ જેઓ ચાલીસી વટાવી ચૂક્યા હોય કે વનપ્રવેશ કરી ચૂક્યા હોય, તેમની મુગ્ધાવસ્થામાં અનુભવાયેલી અને વણઊકલી રહેલી મૂંઝવણોથી પીડાતા હોય તેમને પણ ઘણું જાણવાનું મળશે. આપણા દેશમાં જાતીય જ્ઞાનના અભાવને કારણે આબાલ-વૃદ્ધ બધા મુગ્ધાવસ્થા જેવી જ મૂંઝવણો અનુભવે છે. મારું એવું દ્રઢપણે માનવું છે કે કામક્રીડા કરતી વ્યક્તિ ભલે ગમે તેટલા વર્ષની હોય પરંતુ એ સમય પૂરતી તો તે મુગ્ધાવસ્થામાં જ રચે છે. એટલે તમારી સેક્સની કોઈપણ પ્રકારની સમસ્યાનો ઉકેલ તમને આ બ્લોગ-શ્રેણીમાં મળશે.        

સેકસના વિચારો આવતાં મૂંઝવણ અનુભવતાં તમામ યુવક-યુવતીઓને મારી સલાહ છે કે તમે કોઈ વિકૃતિના શિકાર નથી. તમને આવતાં વિચારો તમે એક સામાન્ય માનવી છો અને માનવસહજ વૃત્તિઓ ધરાવો છો એ વાત જાહેર કરે છે, એ હકીકત સ્વીકારીને ચાલો.

       થોડા સમય પહેલાં એક છ વર્ષની બાળકીને તેનાં માતા-પિતા રઘવાયા થઈને મારી પાસે લઇ આવ્યા. એ બાળકીને ટી.વી., વિડીયોમાં હીરો-હિરોઈનો જે કરે છે એવું કરવાનું મન થતું હતું. સ્ત્રી-પુરુષનાં સંબંધોના વિચારો આવતા હતા અને પોતાને આવા સંબંધો બાંધવાનું મન થતું હતું. આ બાળકીને સેકસના વિચારો લગભગ એક વર્ષથી આવતાં હતા. માતા-પિતાને મેં એટલું જણાવ્યું કે એમાં ગભરાવાની જરૂર નથી. પ્રસિદ્ધ મનોચિકિત્સક સિગમંડ ફ્રોઈડે આપેલા બાલ્યાવસ્થામાં જાતીયતાની સમજ પ્રમાણે આવા વિચારો ત્રણથી પાંચ વર્ષનાં બાળકોને પણ આવતાં હોય છે. આ સમય સેક્સ વિષેની થોડી સમજ આપવાનો છે. જો તમે સમજ નહીં આપો તો બાળક તેની જીજ્ઞાસાવૃત્તિને સંતોષવા ગમે ત્યાંથી આનું જ્ઞાન મેળવશે અને આવા પ્રયત્નો દરમ્યાન એનો દુરુપયોગ થવાના કે એને ગેરમાર્ગે દોરવાના કિસ્સાઓ બને છે. એટલે જ સેકસના વિચારોને દબાવવા કરતાં યોગ્ય જાતીય શિક્ષણ આપી તેને બહાર કાઢવા અને જીજ્ઞાસાવૃત્તિને અતૃપ્તણ રાખવી પણ વૈજ્ઞાનિક સમજ આપી યોગ્ય દિશા આપવી જરૂરી બને છે.