Depression સામે સંઘર્ષ કરતા વ્યક્તિના રોગનું નિદાન અને સારવાર આડે અનેક અવરોધો આવે છે. આ બધા અવરોધો સાથે સંઘર્ષ કરી દવા શરૂ થાય તો આ માત્ર ઉંઘવાની દવા છે, વધારે ન લેવાય. એના વ્યસની બની જવાય. વગેરે સલાહ સૂચન મળે છે. જેથી ડીપ્રેશનની સમયસર તથા જરૂર હોય તેટલા સમય માટે સારવાર નથી થતી.
”Depression તો મનની નબળાઇ છે.”
એ માત્ર નબળા મનના માણસોને થાય છે.”
આ પ્રચલિત માન્યતાને કારણે ડીપ્રેશનનો અનુભવ કરનાર વ્યક્તિ પોતાના મનની મૂંઝવણોને કે ઘવાયેલી લાગણીને વાચા આપતાં ખચકાય છે.
તેને સતત એ ભય સતાવે છે કે પોતે હતાશ છે એ વાતની અન્ય વ્યક્તિઓને ખબર પડશે તો શું પ્રતિભાવ આપશે ?
શું લોકો તેને ગાંડો ગણી લેશે. લોકો તેની પીડાની ગંભીરતાને નહીં સમજી શકે ? કે પછી એવું કહેશે કે તને કઇ વાતનું Depression છે ?
કેટલાક એવા પણ લોકો હોય છે જે બીજાની સમસ્યાઓમાં તેમનું માર્ગદર્શન કરતા હોય છે એટલે તેમને એ વાત સમજાતી કે સ્વીકારાતી નથી,
કે એને ડીપ્રેશન કેવી રીતે આવી શકે ? એટલે તેઓ એનો અસ્વીકાર કરે છે.
કેટલાક એવું માને છે કે કસરત, યોગ, પ્રાણાયામ કરવાથી ડીપ્રેશન દૂર કરી શકાય છે.
એટલે એવા લોકો નિયમિત યોગ અને પ્રણાયામ કરવા લાગે છે. પોતાની જીવન શૈલીમાં ફેરફાર લાવવાના પ્રયત્નો કરે છે.
આમ તીવ્ર મનોસંઘર્ષ કે જે દરદી પોતાની જાત સાથે કરે છે તેમાં ઘણો સમય વીતી જાય છે અને ડીપ્રેશનની તીવ્રતા વધતી જ જાય છે.
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન અને દિગ્ગજ બલ્લેબાજ વિરાટ કોહલીએ માર્ક નિકોલ સાથેના તેના પોડકાસ્ટમાં જણાવ્યું કે
૨૦૧૪માં એ ડીપ્રેશન સાથે સંઘર્ષ કરતો હતો. પોતે એક મોટા સમૂહનો ભાગ હતો અને તેને સાથ આપવા કોઇપણ તૈયાર હતું ત્યા
રે કોહલી એવું દ્રઢતાથી માનતો હતો કે આ દુનિયામાં તે સાવ એકલો અટૂલો છે. પોતાનું કહી શકાય તેવું કોઇ જ તેની પાસે નથી.
કોહલીનો આ ઈન્ટરવ્યુ જેવો પોડકાસ્ટ થયો તે સાથે જ લોકોના મોઢામાંથી ”હેં” ”હોય નહીં” ”શું વાત કરો છો ?”
”કોહલી અને ડીપ્રેશન ?” શું નથી એની પાસે, અઢળક પૈસો છે, કીર્તી છે.
અધધ સફળતા છે. અનુષ્કા શર્મા પણ છે પછી એને દુઃખી થવાનું, એકલતા અનુભવવાનું અને ડીપ્રેશનમાં આવી જવાનું આવ્યું કઇ રીતે ?
જેની પાસે આટલું બધું હોય એ પણ ઉદાસ થાય ?
હા.. ૨૦૧૪ની ઈન્ડિયા – ઈંગ્લેંડ સીરીઝમાં ટીમ ઈન્ડિયા જ્યારે ઈંગ્લેન્ડની ટુર પર હતી ત્યારે આખી સીરીઝના કુલ પાંચ ટેસ્ટ મેચના દસ દાવમાં
કોહલી ૧, ૮, ૨૫, ૦, ૩૯, ૨૮, ૦, ૭, ૬, ૨૦ એમ ૧૩.૫ની એવરેજ સાથે કુલ એકસો પાંત્રીસ રન માંડ કરી શક્યો હતો.
એ સમયે કોહલી રોજ સવારે એ વિચાર સાથે ઊઠતો હતો કે તેનાથી રન નહીં બની શકે.
કોહલીપોતાની રમત, ટેકનીક પર ઘણું ધ્યાન આપે તો શક્ય,
તે તમામ વસ્તુ બદલીને તે પોતાની હતાશા પર કાબુ મેળવવા માંગતો હતો. પણ તેના તમામ પ્રયત્નો નિષ્ફળ જતા હતા.
મનના કુરૂક્ષેત્રમાં સતત ઝઝૂમતા કોહલીને એવું થતું કે તેને કોઇ નિષ્ણાત મનોચિકીત્સકની મદદ મળે.
જેની પાસે મન ખોલી કહી શકે કે તેને માત્રે ઊંઘ નથી આવતી, સવારે તેને ઉઠવાનું મન નથી થતું, તે આત્મવિશ્વાસ ગુમાવી બેઠો છે તેની જાતમાં તેને કોઇ ભરોસો નથી રહ્યો.” એ સમયે શું કરવું એ જ તેને સમજાતું ન હતું.
Depression ના દરદીએ પોતાની જાત સાથે કરવો પડતો આ પહેલો સંઘર્ષ કોને કહેવું ? કહેવું કે ન કહેવું ? મિત્રને કહેવું કે ફેમિલી ડોકટરને કહેવું ? મદદ મેળવવા કોની પાસે જવું ?
સદ્નસીબે પોતાના ડીપ્રેશનની કબુલાત વિરાટ કોહલીએ ખુલ્લા દિલે જાહેરમાં કરી છે. કોહલીનો માસ્ટર સ્ટ્રોક વિશ્વભરમાં ૩૫ કરોડથી પણ વધારે સંખ્યામાં રહેલા ડીપ્રેશન સામે ઝઝૂમતા લોકોમાં એક નવી આશા, નવો વિશ્વાસ જગાડનાર બન્યું છે.
Depression ના દરદીનો બીજો સંઘર્ષ શરૂ થાય છે જ્યારે તે લોકોને કહે છે કે હું હતાશા અનુભવું છું. ત્યારે લોકો કહે છે ”ડીપ્રેશન જેવું કંઇ જ હોતું નથી” ”પોઝીટીવ વિચાર કરો” ”તું વધારે વિચાર ન કર્યા કર” ”બસ ખુશ રહે” ”તું ડીપ્રેશનમાં હોય એવું કંઇ દેખાતું નથી.”
મિત્રો અને સગાં સ્નેહીઓની આવી સલાહથી હતાશ વ્યક્તિને એવું લાગે છે કે તેને ખાસ કોઇ બીમારી નથી. અને એને વધારે વિચાર કરવાનું બંધ કરવું પડશે. બસ આટલું વિચારી તે ડીપ્રેશનનું નિદાન કરાવવાનું કે દવા લેવાનું વિચારતો નથી.
આમ ડીપ્રેશન વધતું જાય છે એટલે એ કોઇ ડોકટરને મળે છે. મોટેભાગે પહેલી મુલાકાત મનોચિકિત્સક સાથે નથી હોતી. પણ તે ફેમિલી ડોકટર કે ફીઝીશીયન કે પછી પેટના રોગો, ન્યુરોફીઝીશીયન વગેરેને મળે છે. આ બધા લોકોને ડીપ્રેશનની ગંભીરતાનો ખ્યાલ નથી હોતો.
માનસિક રોગ વિશે વધારે માહિતી નથી હોતી એટલે ક્યારેક રેસ્ટ કરાવી બધું નોર્મલ છે એમ કહે છે તો ક્યારેક વીટામીન્સના ઈન્જેક્ષન કે ગોળી આપી એમ કહે છે કંઇ નથી ખુશ રહો નિયમિત કસરત કરો, દોડો, મોર્નિંગ વૉક કરો. નકારાત્મક વિચાર કાઢી નાંખો.
હવે પેશન્ટને ખાત્રી થાય છે કે તેને કોઇ રોગ નથી તો પછી આ બધી તકલીફ કેમ થાય છે ? તેને ઉંઘ બરાબર નથી આવતી, ભૂખ નથી લાગતી, બેચેની-ગભરામણ રહે છે, ક્યાંય મન લાગતું નથી, મૂડ નથી રહેતો, નકારાત્મક વિચારો આવે છે, મરી જવાની ઈચ્છા થાય છે. સવારે ઊઠીને આળસ રહે છે. એકાગ્રતા નથી આવતી. કોઇ નિર્ણય નથી લઇ શકાતો. આ બધું શું થાય છે ?
હવે ચોથો તબક્કો આવે છે ઘરના લોકો ક્યારેક એમ કહે છે કે એ આળસુ છે, કામચોર છે, એને કંઇ કામ નથી કરવું એટલે દેખાડો કરે છે બાકી નખમાં યે રોગ નથી.
પછી આવે છે તબક્કો બાધા, માનતા, જપ, દરગાહ, તાવીજ, દોરા-ધાગા, કે પછી કોઇએ કંઇ કરી નાંખ્યું હોય તો વળગાડ પ્રેત ભગાડવાની વિધિ, ઝાડફૂંક.
આના પછી જો મનોચિકિત્સા કરાવાય અને ડીપ્રેશનનું નિદાન થાય તો દરદી અને સગાંને થાય છે આ દવાઓ ડ્રગ્સ તો નથી ને ? એની આદત તો નહીં પડી જાય. ડોકટરો ઉંઘવાની જ દવા આપે એ વધારે લેવાય નહીં… યોગા કરો, મેડીટેશન કરો, પોઝીટીવ વિચાર કરો. જાતને મદદ કરો.
આમ Depression ની સારવાર ઘણી મોડી શરૂ થાય છે અને જરૂરી હોય તેટલા સમય માટે કે તેટલા ડોઝમાં સારવાર કરાતી નથી.
જેને કારણે વિરાટ કોહલીએ કહ્યું તેમ કેટલાયે ક્રિકેટરો ક્ષમતા છતાં ચાર-છ મહિનામાં ટીમની બહાર થઇ જાય છે. વિદ્યાર્થીની કારકીર્દી રોળાઇ જાય છે. વ્યક્તિ તેની ક્ષમતા પ્રમાણે પરફોર્મન્સ આપી શકતી નથી તો ક્યારેક તીવ્ર હતાશા આલ્કોહોલ કે વ્યસની પદાર્થ તરફ દોરી જાય છે તો ક્યારેક વ્યક્તિ આત્મહત્યા કરી લે ેછે.
વિરાટ કોહલી, દિપિકા પાદુકોણ, વિન્સ્ટન ચર્ચિલ, અબ્રાહમ લિંકન, બોરીસ યેલસ્તીન વગેરે સંખ્યાબંધ મહાનુભાવો જનજાગૃતિ માટે પોતાને થયેલા Depression ની જાહેરમાં કબુલાત લક્ષણો જણાતા હોય તો તેની સમયસર અને પૂરતી સારવાર કરાવી પુનઃ તમારી ક્ષમતા મુજબ તમારા કાર્યમાં આગળ વધો.