સુપરસ્ટારની જેમ સફળ થવા શુભેચ્છ્કની વાણી સાંભળો

“લિવિંગ લીજેન્ડ” અર્થાત્ દંતકથા બની ચૂકેલ એક જીવીત વ્યક્તિની વાત કરીએ :

        જો કે દંતકથા સમાન આ જાજરમાન વ્યક્તિત્વની ઓળખ આપવી એટલે સૂર્ય સામે આરસી ધરવા જેવું કામ છે. એટલે જ એમની સફળતાના રહસ્યની પ્રેરણાદાયી અલપઝલપ ચર્ચા કરી છે. તો આવો અત્રે તેમના જ શબ્દોમાં તેમના અંતરમનનાં કેટલાક પાનાંઓ વાંચીએ.

        “હા, હું બચપણથી જ હીનભાવનાનો શિકાર હતો. મારું લાંબુ, પાતળું સોટા જેવું શરીર, ઘોઘરો અવાજ, કદરૂપો ચહેરો આ બધાને કારણે મને મારી જાત પ્રત્યે નફરત થતી. હું એકલો અટૂલો રહેવાનું પસંદ કરતો. અભ્યાસમાં પણ હું સાવ સાધારણ હતો. હું હમેશા એવું વિચારતો કે આટલા મહાન પિતાનો આવો સાધારણ પુત્ર !”

        નાનપણથી મને નાટકોમાં કામ કરવું બહુ ગમતું. મારો ભાઈ મને સતત પ્રોત્સાહન આપતો. મારામાં એક મોટો કલાકાર છુપાયેલો છે એવું મને કહ્યા કરતો. મારા ભાઈના સતત પ્રોત્સાહનજનક શબ્દોને કારણે જ હું કંઈક કરવાની ઈચ્છા ધરાવતો હતો. બાકી મારામાં આત્મવિશ્વાસનો સંપૂર્ણ અભાવ વર્તાતો હતો.

ગ્રેજ્યુએટ થયા પછી નોકરીની શોધમાં હું કલકત્તા રેડિયો સ્ટેશન પર રેડિયો એનાઉન્સરનો “ઓડિશન ટેસ્ટ” આપવા ગયો. પરંતુ મને એવું કહીને કાઢી મૂકવામાં આવ્યો કે, “આવો ફાટેલા નગારા જેવો અવાજ લઈને તુ  રેડિયો એનાઉન્સર થવા આવ્યો છે ?”

હું નિરાશ થઇ ગયો. મારી લઘુ ભાવના વધી ગઈ. મારા જીવનની આ નિષ્ફળતા પછી હું ત્રણ મહિના મારા ઘરના ઓરડામાં ભરાઈ ગયો. મને અરીસામાં મારું પ્રતિબિંબ જોઈને નફરત થવા લાગી.

મારો ભાઈ ત્યારે મારી આંખોમાં આંખો પરોવીને કહેતો, “તારામાં એક મહાન કલાકાર છુપાયેલો છે. તારા અવાજમાં એવો જાદુ છે કે એક દિવસ તુ  સમગ્ર દુનિયા પર છવાઈ જઈશ. તારા અભિનયમાં એ તાકાત છે કે એ તને સફળતાના ઉન્નત શિખરો પર બિરાજમાન કરશે.” મારા ભાઈના એ શબ્દોએ મારો આત્મવિશ્વાસ દ્રઢ કર્યો અને હું ધીરે-ધીરે એક તંદુરસ્ત “સેલ્ફ-ઈમેજ” બનાવી શક્યો.

હું સાવ સાધારણ ચહેરો ધરાવતો હોવા છતાં એક મજબૂત સેલ્ફ-ઈમેજ સાથે ફિલ્મી દુનિયામાં પ્રવેશ્યો. એ વખતે રૂપાળા કુમારોની બોલબાલા હતી. મને મારી જાતમાં વિશ્વાસ હતો એટલે મને સફળતા મળી.”

જોકે સફળતા અને નિષ્ફળતા વચ્ચે એ વારંવાર ફંગોળાતો રહ્યો. છતા પણ આખરે ઝળહળતી સફળતા સાથે હિન્દી ચલચિત્ર જગત પર સાડા ચાર દાયકા સુધી એકચક્રી શાસન કરનાર સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની આ વાત છે. તમે વિચારી પણ શકો એ આ સુપર સ્ટાર પણ એક તબક્કે લઘુતાગ્રંથીથી પીડાતો હતો ?

વ્યક્તિત્વ વિકાસના એક તબક્કે અમિતાભ બચ્ચનની પણ એ જ સમસ્યા હતી જે મોટા ભાગના યુવાનોની હોય છે. એ સમસ્યા છે નબળી સેલ્ફ-ઈમેજની. પોતાની જાતનો સ્વીકાર ન કરી બીજાઓની સરખામણીમાં ઉતરતી કક્ષાની ગણવી અને લઘુતાગ્રંથી અનુભવવી એ સમસ્યા વ્યાપક છે. પરંતુ એમાંથી બહાર આવવાનો ઉપાય છે. તમે લાંબા હો કે ટૂંકા, કદરૂપા હો કે રૂપાળા, જાડા હો કે પાતળા, ધોળા હો કે કાળા, પૈસાદાર હો કે ગરીબ તમે જેવા છો તેવા તમારા સ્વરૂપનો સ્વીકાર તમે કરી લો. એટલું યાદ રાખો કે તમે જેમ-હેમ તમારી જાતનો સ્વીકાર કરતા જશો તેમ-તેમ લઘુતાની ખાઈમાંથી બહાર આવતા જશો. તમારો આત્મવિશ્વાસ વધતો જશે. તમે એક તંદુરસ્ત “સેલ્ફી”નું નિર્માણ કરી શકશો અને મહાન વ્યક્તિ બની શકશો.

અમિતાભની સફળતાના વધારે રહસ્યો જાણવા તેર વર્ષ પહેલાં મિડીયાને આપેલી મુલાકાતના મહત્વના મુદ્દા જોઈએ.

પ્રશ્ન: નિષ્ફળતાની ગર્તામાં ધકેલાયા પછી તમે ફરી પાછા સફળતાની ટોચ પર પહોંચી શક્યા   છો.   આનું રહસ્ય શું ?

અમિતાભ : મને ખરાબ સમય યાદ નથી રહેતો. આ માટે મારે કોઈ પ્રયત્નો કરવા પડતા નથી. પરંતુ જીવનમાં અનેક પછડાટો ખાઈને હું એક સત્ય સમજ્યો છું કે નિષ્ફળતાને વાગોળતા રહેવાથી કે તેના રોદણાં રડવાથી શું મળવાનું છે ? હું કલાકો સુધી મારી નિષ્ફળતાની સિલસિલાબદ્ધ હકીકતો અને તેણે માટે જવાબદાર સંજોગોની ચર્ચા કરી શકું તેમ છું. પરંતુ આનાથી તો હું “મશ્કરી માટેનું આદર્શ પાત્ર” અર્થાત “આઇડિયલ બેન્ટર” બની શકું. જેનો કોઈ જ અર્થ નથી.

        જીવનમાં “આઇડિયલ મેન્ટર” બનવા માટે લોકોને મારી એક સલાહ છે. ભૂતકાળને વાગોળવાનું છોડી દો નહીં તમે “મેન્ટર” – અર્થાત “પથદર્શક” નહીં પણ “બેન્ટર” અર્થાત “ઠેકડીને પાત્ર” બની જશો.

પ્રશ્ન :   એકસઠ વર્ષની ઉંમરે જીવન કેવું સરળ અને આરામદાયક લાગે છે ?

 અમિતાભ : જીવન એક સંઘર્ષ છે. કોઈ પણ તબક્કે એ સરળ કે કેઝ્યુઅલ ન બની શકે. મને ખરાબ સમયમાં ફરીથી સફળતા માટેના પ્રયત્નો કરવામાં અને સારો સમય આવે તો તેણે ટકાવી રાખવા માટે કઠોર પરિશ્રમ કરવાના વિચારોને કારણે ઊંઘ નથી આવતી. સફળતા ટકાવી રાખવા માટે સતત સતર્ક અને સજાગ રહેવું પડે છે, સંઘર્ષ કરતાં રહેવો પડે છે. જીવનના કોઈ પણ તબક્કે તમે જ્યારે એવું માનવા લાગો છે કે હવે તમે આરામથી ટાંટિયા લાંબા કરીને પાછલી સીટ પર રીલેક્સ થઇ શકો છો. તમારે હવે કોઈ પ્રકારનો સંઘર્ષ કરવો જરૂરી નથી. જીવન સાવ સરળ અને ફૂલોની પથારી જેવું આરામદાયક થઇ ગયું છે. તો એ તમારી ગંભીર ભૂલ છે એમ સમજજો. સતત સફળતા ઝંખતી વ્યક્તિ ક્યારેય આવી ભૂલ ન કરી શકે.

પ્રશ્ન : કેમેરા સામે ઉભા રહેવું તમારા માટે હવે બચ્ચાંના ખેલ સમાન હશે ?

 અમિતાભ : મારે માત્ર કેમેરા સામે જ નહીં પણ એ દ્વારા કરોડો દર્શકો સામે ઉભા રહેવાનું છે એમ હું સમજુ છું. એટલે કેમેરા સામે ઉભા રહેતી વખતે સતત એક ચિંતા હોય છે કે લોકો મારા એ વખતના કામને કેવો પ્રતિભાવ આપશે ? આ ચિંતા એ જ મારામાંના ‘ક્રિએટિવ કલાકાર’ ને સતત જીવંત રાખ્યો છે. હું એ દ્રઢપણે માનું છું કે થોડી ઘણી અસલામતીની આશંકા તમને સતર્ક બનાવી દે છે અને કોઈ પણ કામને હળવાશથી લેવાને બદલે તમે તેણે એક ગંભીર અને પવિત્ર ફરજ સમજી કરો છો જે તમને સફળતા અપાવે જ છે.

પ્રશ્ન : તમે સેટ્સ પર ખૂબ જ પન્ક્ચ્યુઅલ છો એવી તમારી રેપ્યુટેશન છે.

અમિતાભ : સેટ પર સમયના પાબંધ રહેવા બદલ મારા વિશે ઘણું બધુ કહેવાયું છે. જોકે આ મારી પવિત્ર ફરજનો એક ભાગ છે. એમાં હું કોઈ પર ઉપકાર નથી કરતો કે કોઈ મહાન કાર્ય પણ નથી કરતો. મારા વ્યવસાયમાં એકબીજા પ્રત્યે સન્માનજનક વર્તાવના મહત્વના એક ઘટક તરીકે હું સમયનો પાબંદ છું. આ ઉપરાંત હું બીજી ત્રણ બાબતોને મહત્વ આપું છું.

(૧) હું મારા ચહેરાણા હાવભાવ અને મુખમુદ્રા પર વિશેષ ધ્યાન આપું છું.

(૨) શિસ્ત પાલનનો ચુસ્ત આગ્રહ રાખું છું.

(૩) દિગ્દર્શકની જરૂરીયાત પ્રમાણે હું તેમની કલ્પના અને નિર્દેશોને આબેહૂબ સાકાર કરવામાં માનું છું.

        સુપરસ્ટારની સફળતાના આ છે મહામૂલા સૂત્રો. આ સિદ્ધાંતોને આપણા મનમાં ઉતારીએ.

        સુપરસ્ટારની સફળતાના ઘણા રહસ્યો છે. પણ એક મૂળભૂત રહસ્ય છે તેણે તેમના શુભેચ્છકની વાત કાને ઘરી.

        તેમના આલોચકે તેમની કેટલી અને કેવી આલોચના કરી હશે અને તેમના બાહ્ય દેખાવ, પાતળું સોટા જેવું શરીર અને ફાટેલા નગારા જેવા અવાજને લઈને કેટકેટલા “લાફીંગ મિરર્સ” ધારી તેમની વિકૃત સેલ્ફી બતાવી તેમને હિનભાવનાના શિકાર બનાવ્યા હશે તેની સિલસિલાબદ્ધ હકીકત લભ્ય નથી. પણ બચપણથી તેઓ હીનભાવનાના શિકાર હતા અને કલકત્તા રેડિયો સ્ટેશને રિજેક્ટ કર્યા પછી હતાશ થઇ એક ઓરડામાં ત્રણ મહિના બંધ રહ્યા હતા.

        પણ તેમના શુભેચ્છક ભાઈની વાણીહતી, “તારામાં એક મહાન કલાકાર છુપાયેલો છે. તારા અવાજમાં એ જાદુ છે કે એક દિવસ તુ સમગ્ર દુનિયા પર છવાઈ જઈશ. તારા અભિનયમાં એ તાકાત છે જે તને સફળતાના ઉચ્ચ શિખરો પર બિરાજમાન કરશે.”

        અમિતાભ બચ્ચને તેમની અંદરના શુભેચ્છકને બળવાન બનાવ્યો. તેની વાત ઘૂંટ ઘૂંટ કરી એટલે તેમની નબળાઈઓ તેમની અજોડ વિશેષતાઓ થઇ ગઈ.

        તમે પણ એક વાત સમજી લો કે નવ્વાણું ટકા માતા-પિતા જ્યારે પોતાના બાળકોને ઉછેરી રહ્યા હોય છે ત્યારે બાળમાનસના અનિવાર્ય લેખાય તેવા સત્યો જાણતા નથી. તેવી જ રીતે શિક્ષકોમાં પણ તેમની પોતાની સેલ્ફીની સમસ્યા હોવાની.

        એટલે તમારી હાલની કમજોરી કે નબળાઈ બદલ બીજાને દોષ દેવાની જરૂર નથી. તમારો આલોચક તમારા માતા-પિતા કે શિક્ષકની વાણી બોલી રહ્યો હોય તે શક્ય છે, પણ તમારે શુભેચ્છકની વાણી સાંભળવાની છે.

        તમારામાં આવડત નથી. તમે બેડોળ છો, ઠીંગણા છો, નકામાં છો એવું બોલવાની તમારે જરૂર નથી કારણ મોટા ભાગના સફળ માણસો દેખાવે સામાન્ય હોય છે.

        આ પૃથ્વી પર સાત અબજ લોકો રહે છે. તેમાં બે માણસો સરખા નથી. તમારામાં એક આવડત ન હોય તો કંઈક બીજું હોવાનું જ તેને ખીલવા દો.

        કુદરતે તમને નોખા-અનોખા માનવી બનાવ્યા છે, એટલે તમારી સરખામણી અન્ય કોઈ સાથે શક્ય નથી.

        એટલે જ તમારા શુભેચ્છકને બળવાન તમારી જાતને વારંવાર કહો.

  • મારામાં કંઈક વિશેષતા છુપાયેલી છે. હું આ દુનિયાની એક અજોડ વ્યક્તિ છું.
  • મારે મારી કુદરતી શક્તિને ઢંઢોળવી છે. મારી શક્તિનો મારા લાભમાં પૂરેપૂરો ઉપયોગ કરવો છે.
  • સફળતા અને નિષ્ફળતા એક ઘટના છે. નિષ્ફળતા કાયમી હોતી નથી કે સફળતા ક્ષણિક હોતી નથી.
  • મારી નિષ્ફળતામાંથી હું નવું શીખી સફળતા મેળવવા સક્ષમ છું.

ન્યુરોગ્રાફ

        દરેક પેઢી પોતાનો ઉછેર જે રીતે થયો હોય તે જ રીતે પોતાના સંતાનોનો ઉછેર કરે છે. એટલે બાળ ઉછેરની ખામીભરી સમાજ પેઢી દર પેઢીથી ચાલતી આવે છે.