લગ્ન પછી પ્રેમ ચાલ્યો જાય છે?

love_after_marriage

લગ્નના વીસ વર્ષમાં એણે ક્યારેય મારા તરફ ધ્યાન નથી આપ્યું. મારી પાસે બેસીને વાત નથી કરી પણ રાત્રે એ પ્રેમનું નાટક કરવામાં પારંગત છે. લાંબો સમય ટકી જતાં લગ્નોમાં પાત્રો પ્રેમ વગર જીવવાનું શીખી લે છે ? લગ્ન પછી પણ પ્રેમ ધબકતો કરી શકે ખરો ?

નિહાર અને નિર્ઝરીએ કોલેજકાળના ચાર વર્ષના પ્રેમ-સંબંધ પછી લવ કમ એરેન્જડ મેરેજ કર્યા હતા. તેમના લગ્નને સાત વર્ષ થયાં હતાં.

”મારા કોલેજના પ્રથમ જ વર્ષમાં મને નિર્ઝરી ”ક્લિક” થઈ ગઈ. નજરથી નજર અને દિલથી દિલ મળી ગયાં અમે બન્ને પ્રેમમાં પડયાં અને અમારો પ્રેમ ફૂલ્યો ફાલ્યો. અમને એવું લાગતું હતું જાણે અમે સ્વર્ગમાં છીએ. પણ લગ્ન પછી કોણ જાણે એવું શું થયું કે અમારો પ્રેમ વિખેરાઈ ગયો. અમારા દિલોમાં એકબીજા માટે જે પ્રેમ હતો તે થોડા સમય પછી ઓસરી ગયો.-” નિહારભાઈ પોતાની વેદના વર્ણવતાં બોલ્યા.

”લગભગ કેટલો સમય તમારા બન્ને વચ્ચે પ્રેમ જળવાઈ રહ્યો ?” મેં પૂછ્યું.

”અમારે ત્યાં પહેલું બાળક આવ્યું ત્યાં સુધી….લગભગ બે-ત્રણ વર્ષ સુધી.”

બાળકના જન્મ પછી નિર્ઝરીનું બધું ધ્યાન બાળક પર કેન્દ્રિત થઈ ગયું મને એવું લાગવા માંડયું કે એને મારી કોઈ જરૃર નથી. લગ્ન કરવાનો એનો મુખ્ય હેતુ હતો. માત્ર સંતાન પ્રાપ્તિ. નિહારભાઈ નિસાસો નાંખી બોલ્યા.

”મારે આટલું વહેલું બાળક જોઈતું જ ન હતું. પણ નિર્ઝરીનું બહુ દબાણ હતું.”

મેં મારો અણગમો પ્રગટ કર્યો ત્યારે નિર્ઝરી મારી વાત સમજવાને બદલે મારા પર છળી ઉઠી. અને ઉલટા આરોપો કરવા લાગી કે મને તેની કોઈ જ પડી નથી. તે એકલી જ્યારે નોકરી છોડીને ચોવીસ કલાક નર્સ અને આયાનો ડબલ રોલ અદા કરીને બાળકની સંભાળ રાખી રહી છે ત્યારે તેની હાલતને સમજી મદદ કરવાને બદલે હું તેને હેરાન કરૃં છું.

મેં તેને મદદ કરવાનો પ્રયત્ન કર્યો. અત્યારે અમારૃં સંતાન ચાર વર્ષનું છે. હું તેને સવારે સ્કૂલે મૂકી આવું છું. બપોરે સ્કૂલેથી લઈ આવું છું. સાંજે ભણાવું છું રાત્રે વાર્તા કહું છું. આ બધું મારા કામની વ્યસ્ત શીડયુલ છતાં કરૃં છું. પણ નિર્ઝરીના મારા તરફના વર્તનમાં કોઈ ફરક પડયો નથી.

અમારા વચ્ચે લહેરાતું પ્રેમનું ઝરણું સાવ સુકાઈ ગયું છે. અમારો પ્રેમ મૃતઃપ્રાય થઈ ગયો છે. અમે રોજ નાની નાની વાતમાં ખૂબ જ ઝઘડા કરીએ છીએ. અમારા બન્નેના વિચાર, શોખ….બધું એટલું જુદું છે કે મને સમજાતું જ નથી કે મેં લગ્ન કેમ કર્યા ?

અમે કોઈપણ વાતે એકમત નથી. નવાઈની વાત તો એ છે કે જ્યારે અમે પ્રેમમાં હતાં (લગ્ન પૂર્વે) ત્યારે અમને સતત એવું લાગતું કે અમારા વિચારો, ઉછેર, શોખ, ભાવિ સ્વપ્નાંઓ બધું જ મળતું આવે છે. અમે તમામ બાબતમાં એકમત રહેતાં.

પણ હવે તદ્દન વિપરિત છે. અમારા સંબંધો સુધારવાની વાત તો એકબાજુ રહી. પણ હવે તે બીજું સંતાન લાવવાની વાત કરે છે.

મને લાગે છે કે અમે એકબીજા સાથે રહી શકીએ તેમ નથી. કારણ અમારામાં કોઈ સામ્ય નથી. લગ્ન પછી અમારો પ્રેમ મરી પરવાર્યો છે…નિહારે પોતાની વાત પૂરી કરી તે જાણવા માંગતો હતો કે તેઓ કોમ્પેટીબલ છે ખરા ? મેરાઈટલ કાઉન્સેલીંગ તેને કંઈ મદદ કરી શકે કે પછી છૂટાછેડા એ એકમાત્ર ઉપાય છે ?

લગ્નના દસ વર્ષ પછી સંબંધો આગળ વધારવામાં સાર છે કે કેમ તે અંગે તેઓ માર્ગદર્શન મેળવવા માંગતા હતાં.

સ્તુતિ અને અલયના લગ્ન મોટી ઉંમરે થયેલાં. ભૂતકાળમાં અન્ય પ્રેમ સંબંધોમાં ખત્તા ખાધા પછી તેઓ ફૂંકી ફૂંકીને આગળ વધવા માંગતા હતા. બન્નેના છેલ્લા બ્રેકઅપ્સ પછી તેમની વચ્ચે ઓફિસમાં મુલાકાત થઈ ત્યારે પ્રથમ દ્રષ્ટિએ તેઓ કોઈ જલ્દીમાં ન હતા.

અલય એવું માનતો થયો હતો કે તેની પત્ની ઉંમરમાં થોડી નાની હોય તો સારૃં બહુ દલીલો ન કરે. ઝઘડા ન કરે, અપમાન ન કરે પણ માન રાખે.

સ્તુતિ એવું માનતી હતી કે છોકરો થોડો ઉંમરમાં મોટો હોય તો પરિપકવ હોય, વાત-વાતમાં છોકરમત કરવાને બદલે તેને સમજે.

બન્નેની પ્રાથમિક જરૃરિયાત પૂરી થતી હોવાથી તેમની વચ્ચે મિત્રતા આગળ વધી. સાથે હર્યાફર્યા. ખૂબ વાતો કરી એકબીજાને સમજ્યા. ધીરે ધીરે તેમને લાગવા માંડયું કે તેઓ એકબીજાને પરિપક્વ પ્રેમ કરે છે. પ્રેમનો અર્થ બન્ને સાચા અર્થમાં સમજ્યા છે. તેમનું હૃદય કહી રહ્યું હતું કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે.

લગ્ન પછી પણ અલય સ્તુતિ સામે પહેલાંની જેમ જ પ્રેમનો એકરાર કરતો રહ્યો. સ્તુતિની સુંદરતાના વખાણ કરતો રહ્યો. તેને મેળવવા બદલ તે કેટલો ગર્વ અનુભવતો હતો તે કહેતો રહ્યો. પોતે ખોબે ખોબા ભરીને સ્તુતિને પ્રેમ કરે છે એવું સતત દોહરાવતો રહ્યો.

પણ થોડા સમયમાં જ સ્તુતિની ફરિયાદ શરૃ થઈ ગઈ.

”હું તમારી ઓફીસની કર્મચારી હોઉં એવું વર્તન તમે મારી સાથે કરો છો.”

”તમે ઓફિસમાં તમારી સેક્રેટરી જોડે તો સંબંધ નથી રાખતા ને ?”

”તમે સાવ શુષ્ક અને નીરસ છો…”

સ્તુતિનું વ્યક્તિત્વ અલય પ્રત્યે સંપૂર્ણપણે નકારાત્મક થઈ ગયું હતું.

અલય કહે છે, ”લગ્ન પહેલાં અમે ડેટીંગ કરતાં હતાં ત્યારે તે ખૂબ હકારાત્મક હતી. તેને મારાથી કોઈ જ ફરિયાદ ન હતી. લગ્ન પહેલાં મારી બધી બાબતો તેને શ્રેષ્ઠ લાગતી હતી. પણ લગ્ન પછી તમામ બાબતોમાં મારી ભૂલ કાઢતી. મને ખબર જ નહોતી પડતી કે એકાએક આ શું થઈ ગયું…પણ એનો મારા પ્રત્યેનો પ્રેમ ઊડી જવા માંડયો હતો. કે પછી નફરતમાં બદલાવા લાગ્યો હતો.”

અલયભાઈનો પ્રશ્ન હતો લગ્ન પછી અમારા પ્રેમને શું થયું ?

કીયાના અને રેયાનના લગ્નને છ મહિના જ થયા હતા. બન્નેએ ડાયવોર્સ પીટીશન ફાઈલ કરી હતી. ફેમિલી કોર્ટના જજે બન્નેને અંતિમ નિર્ણય લેતાં પહેલાં મેરાઇટલ કાઉન્સેલીંગની સલાહ આપી.

રેયાને કહ્યું અમારો પ્રેમ આભ ફાડીને વરસતા વરસાદ જેવો હતો. બધું જ ઇન્સ્ટન્ટ. અમારો પ્રગાઢ પ્રેમ હનીમૂન દરમ્યાન જ ધરાશાયી થઈ ગયો. અમે જેટલા મહિના ડેટીંગ કર્યું એ સમય ઉત્તમ હતો. અમારો પ્રેમ વાવાઝોડા જેવો તોફાની હતો. અને અમારૃં મિલન જનમોજનમનું હોય તેવું લાગતું હતું. પણ હનીમૂન પછી લાગવા માંડયું કે અમે હિન્દુસ્તાન-પાકિસ્તાન છીએ.

આશ્કા પતિ નિલય વિશે કહે છે કે લગ્નના વીસ વર્ષમાં એણે ક્યારેય મારા તરફ ધ્યાન નથી આપ્યું. મારી પાસે બેસીને વાત નથી કરી પણ એ રાતનો રાજા છે. રાત્રે પથારીમાં મારા પર જબરદસ્તી આક્રમણ કરી ધાર્યું કરાવવામાં માહેર છે. એ મને જરાય પ્રેમ કરતો નથી પણ રાત્રે કાકલુદીભર્યું પ્રેમનું નાટક કરવામાં એ પાવરધો છે પણ હું એને નફરત કરૃં છું. એને મારી સાથે સેક્સ સિવાય કશામાં રસ નથી.

જ્યારે નિલય કહે છે. મારી પાસે કાર-બંગલા, સુખસાહ્યબી બધું જ છે. મેં એ બધું જ મારી પત્નીને આપ્યું છે. પણ એનો શો ફાયદો ? એ મને પ્રેમ કરતી નથી….

લગ્ન પછી અમારો પ્રેમ ક્યાં ચાલ્યો ગયો ? શું આવું બધા કિસ્સામાં બને છે ?

જેમના લગ્ન લાંબો સમય ટકી રહે છે એ લોકોના લગ્નજીવનમાં પ્રેમ ધબકતો રહે છે કે પછી તેઓ પ્રેમ વગર જીવવાનું શીખી લે છે ?

જો લગ્ન પછી પણ પ્રેમ કાયમ રહેતો હોય તો એ કેવી રીતે ?

આ સવાલો લગભગ બધા પૂછે છે.

પ્રેમ અને સંબંધો પર સેંકડો પુસ્તકો લખાયાં છે.

સામયિક અને દૈનિકમાં તેના પર નિયમિત સેંકડો લેખ છપાય છે.

પ્રેમને ધબકતો કઈ રીતે રાખી શકાય ? તથા તમારા જીવનસાથી પ્રત્યે પ્રેમ અભિવ્યક્ત કરવાની મહત્ત્વની ટીપ્સ.

જેવા ટી.વી. કાર્યક્રમો તથા વર્કશોપ્સ યોજાય છે છતાં પણ લાખ્ખો લોકોને આ પ્રશ્નોના જવાબ મળતા નથી કે પછી તેમને જવાબ સમજવા નથી ?

હા લગ્ન પછી પ્રેમ ચાલ્યો જાય છે ? એ સહુ કોઈના મનનો સવાલ છે. આના જવાબો આ બ્લોગ ની સિરીઝ   માં તમને ક્રમશઃ મળશે. પણ એ પહેલાં તમારો અભિપ્રાય આપશો ?

લગ્ન પછી પ્રેમ ટકી શકે છે ખરો ? કેવી રીતે ?